અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ગરમીથી આંશિક રાહત મળશે…

અમદાવાદ: અમદાવાદમાં આજની વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ વધી જાય છે, પરંતુ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભીનાશભર્યું હવાનું વાતાવરણ હોવાથી લોકોમાં એક અલગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. સવારના સમયે લોકો મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તાજગીભર્યું વાતાવરણ અનુભવાયું. અત્યારે વાતાવરણને જોતા વરસાદ થવાની સંભાવના વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા 20 જુન પહેલા માત્ર હળવા વરસાદની આગાહી કરી હતી. જેથી આજે વરસાદ થઈ શકે છે.
વાદળછાયા વાતાવરણને જોતા વરસાદ થવાની સંભાવના
વાદળછાયા વાતાવરણના કારણે તાપમાન પણ સામાન્ય કરતાં થોડું ઘટેલું છે. આ મોસમમાં વરસાદની શક્યતા પણ નિમ્ન રહી છે, પરંતુ હવા વિભાગ દ્વારા હજુ સ્પષ્ટ આગાહી આપવામાં આવી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઠંડકવાળા વાતાવરણના કારણે વરસાદ થશે તેવી લોકો આશા સેવીને બેઠા છે. અમદાવાદમાં ગત રાત્રે પણ હળવો વરસાદ આવ્યો હતો. જેના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો, આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ તેમજ આણંદ, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે એલો એલર્ટ આપવામાં આવ્યું છે.