મેચ જોવા આવેલા દિલ્હીના યુવક પાસેથી અમદાવાદ પોલીસે 20 હજાર ખંખેર્યા

અમદાવાદ: શહેરમાં થોડા સમય પહેલા સોલા પોલીસે એક દંપતિને અટકાવી તોડકાંડ કર્યો હોવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં હજુ ચાલુ છે ત્યારે વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન આવી વધુ એક ઘટના બની હોવાની વિગતો મળી રહી છે.
19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા ગુજરાત બહારથી પણ ઘણા લોકો આવ્યા હતા, આ દરમિયાન દિલ્હીથી મિત્રો સાથે કાર લઈને આવેલા એક શખ્સ પાસેથી G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચારથી પાંચ પોલીસકર્મીઓએ તેને ધમકાવીને 20000 રૂપિયા ખંખેરી લીધા હતા અને ખાખીને શર્મસાર કરી હતી.
નેશનલ હાઇવેથી નાના ચિલોડા બાજુથી અમદાવાદમાં પ્રવેશી રહેલા આ શખ્સ તેના કેટલાક મિત્રો સાથે કાર લઇને જઇ રહ્યો હતો, ત્યારે તેને થોભાવીને પોલીસે પૂછપરછ કરી હતી જે દરમિયાન તેની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. શખ્સે કબૂલાત કરી લેતા પોલીસે તેને અને તેના મિત્રોને કારમાંથી બહાર કાઢી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને તેને ધમકાવીને કેસમાં ફસાવવાની ધમકીઓ આપી રૂ.20, 000નો તોડ કર્યો હતો. પોલીસકર્મીઓએ UPI મારફતે કોઇ અરુણ નામની વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા.

આ અંગે પૂર્વ વિભાગના ટ્રાફિક DCP સફીન હસને તપાસ હાથ ધરી છે. સમગ્ર તોડકાંડની તપાસ K ડિવિઝન ટ્રાફિક ACPને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ તોડકાંડમાં કુલ 4 પોલીસકર્મીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ દિલ્હીના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી દિલ્હી હશે તો ત્યાંથી ઝીરો નંબરે ફરિયાદ દાખલ કરાવી અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.