આપણું ગુજરાતઆમચી મુંબઈ

અમદાવાદ-મુંબઈ ટ્રેન મુસાફરીનો સમય ઘટશે, આ તારીખે ટ્રેનો 160ની સ્પીડ પર દોડશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર રેલવેના આધુનિકરણ માટે સતત પ્રયાસો કરી રહી છે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે ટ્રેનમાં (Mumbai Ahmadabad train)મુસાફરી કરનારાઓ લાખો મુસાફરો માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઝડપથી કરી શકાશે. 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની તમામ ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત, શતાબ્દી, તેજસ, ડબલ ડેકર અને દિલ્હી-મુંબઈ રાજધાની જેવી ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધીને 160 કિમી પ્રતિ કલાક થઈ જશે. રેલવે પ્રશાસને આ અપગ્રેડેશન માટેના એક્શન પ્લાનને અંતિમ રૂપ આપી દીધું છે. અપગ્રેડેશનનું કામ 30 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

અહેવાલ મુજબ મુંબઈ-અમદાવાદ રૂટ પર, ટ્રેનો વિરાર અને સુરત વચ્ચે અને પછી અમદાવાદ સુધી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક અને બોરીવલી અને વિરાર વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની હશે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ‘મિશન રફ્તાર’ અભિયાન હેઠળ, રેલવેએ મોટા શહેરો વચ્ચે ટ્રેનની ઝડપ વધારવાની યોજના બનાવી છે. કમિશ્નર ઑફ રેલ્વે સેફ્ટી (CRS) સ્પીડ અપગ્રેડને મંજૂરી આપવા માટે જુલાઈ 2024માં નિરીક્ષણ હાથ ધરશે. આ પછી ટ્રેનોની સ્પીડ વધારવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવશે.

ટ્રેનોની સ્પીડ 130 થી વધીને 160 કિમી પ્રતિ કલાક થઈ ગયા બાદ વંદે ભારત એક્સપ્રેસ જે હાલમાં 5.25 કલાકનો સમય લે છે, તે ઘટીને 4.40 કલાક થઇ જશે. તેવી જ રીતે, શતાબ્દી એક્સપ્રેસનો પ્રવાસ સમય 5.50 કલાકથી ઘટીને 4.50 કલાક થઈ જશે. IRCTC તેજસ એક્સપ્રેસનો પ્રવાસ સમય 6.25 કલાકથી ઘટીને 5.50 કલાક થશે. ડબલ ડેકર મુસાફરીનો સમય 6.55 કલાકથી ઘટીને 6.15 કલાક થશે અને મુંબઈ-દિલ્હી રાજધાની મુસાફરીનો સમય 15.32 કલાકથી ઘટાડીને 12 કલાક થશે.

વેસ્ટર્ન રેલ્વેએ ટ્રેનોની સ્પીડ વધારવા માટે આ સમગ્ર રૂટને ખૂબ જ કાર્યક્ષમ અને મજબુત બનાવ્યો છે. આ માટે ટેક્નોલોજીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ટ્રેક સાથે OHE(OVER HEAD EQUIPMENTS) ને વધુ અદ્યતન બનાવવામાં આવ્યા છે. સાથે સાથે આ રૂટને કવચ ટેક્નોલોજીનો સજ્જ કરવામાં આવ્યો છે.

રેલવે બોર્ડે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)ને 30 જૂન સુધીમાં આવશ્યક ટ્રેક બ્લોક સહિત તમામ બાકી કામો પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા મુખ્ય માળખાકીય સુધારાઓમાં 565 કિમીના ટ્રેક પર બેરિકેડ-ફેન્સિંગ, ટ્રેક અપગ્રેડેશન, 126 રેલવે બ્રિજ પર સિગ્નલિંગ અપગ્રેડેશન અને ઓવરહેડ વાયર ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button