અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આણંદ પાસે ટ્રેક સ્લેબ પ્લાન્ટ શરુ, દરરોજ 60 સ્લેબનું ઉત્પાદન

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એલિવેટેડ કોરિડોરના બાંધકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના અંતર્ગત આણંદ નજીક બુલેટ ટ્રેન માટેના ટ્રેકના ટ્રેક સ્લેબ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આહી 116 કિલોમીટર રૂટ માટે ટ્રેક સ્લેબ તૈયાર કરવામાં આવશે.
બુલેટ ટ્રેન માટે ગિટ્ટી (કપચી) વગરના ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે, ટ્રેકના આધાર માટે ખાસ પ્રકારના સ્લેબ ડિઝાઈન કરવામાં આવ્યા છે. આવા ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે આણંદ પાસે પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો છે, તેમજ આગળના રૂટ માટે સુરત નજીક કિમ ખાતે આવા જ પ્રકારનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ નજીક બુલેટ ટ્રેનના ટ્રેક સ્લેબ તૈયાર કરવા માટે એક લાખ વર્ગ મીટર એરિયામાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં 45 હજાર જેટલા પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ તૈયાર કરવામાં આવશે. અહીં 60 જેટલા મોલ્ડ લગાવવામાં આવ્યા છે આથી દરરોજ 60 ટ્રેક સ્લેબનું તૈયાર કરવામાં આવશે. આણંદ ટ્રેક સ્લેબ પ્લાન્ટના ભારતીય એન્જિનિયરોને જાપાનના નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે.
બુલેટ ટ્રેન માટે એક કિલોમીટરના રૂટ પર લગભગ 200 ટ્રેક સ્લેબની જરૂરિયાત હોય છે. ટ્રેક સ્લેબના નિર્માણની સુવિધા સંપૂર્ણ ઓટોમેટિક છે. જેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે ઓટોમેટિક રીબાર પ્રોસેસિંગ મશીનો, આરઓ પ્લાન્ટ, બોયલર પ્લાન્ટ, ક્લોરિંગ પોંડ, ઈલેક્ટ્રિક ઓવરહેડ ટ્રેવલિંગ ક્રેન (ઈઓટી), ગ્રેન્ટી ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે.