વર્લ્ડ કપ પછી ફરી પાછો અમદાવાદ-ગાંધીનગરના હોટેલમાલિકોને મોકો મળ્યો કમાવવાનોઃ આ છે કારણ

અમદાવાદઃ વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઈનલ મેચનું યજમાન અમદાવાદ બન્યું હતું અને આ સમયે અહીંના હોટેલ માલિકોને બખ્ખાં થઈ ગયા હતા. તે સમયે રૂ. 5,000ના 50,000 પણ વસૂલાયા હતા અને લોકોએ આપ્યા હતા ત્યારે હવે ફરી અમદાવાદ અને ગાંધીનગરમાં હોટેલોના ભાવ આસમાને ગયા છે. આનું કારણ બીજું કંઈ નહીં પણ દસમી જાન્યુઆરીથી શરૂ થનારી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ-2024 છે.
વાઈબ્રન્ટ પહેલાના ટ્રેડ શોનું ઉદ્ઘાટન આવતીકાલે વડા પ્રધાનના હસ્તે થવાનું છે અને ત્રણ દિવસ સમિટ ચાલવાની છે ત્યારે દેશ-વિદેશના મહેમાનો અમદાવાદ-ગાંધીનગરના આંગણે આવ્યા છે. આનો સીધો ફાયદો હોટેલમાલિકોને થયો છે. મોટા ભાગની સ્ટાર હોટેલ્સે પોતાના ટેરિફમાં બમણો કે ત્રણગણો વધારો કરી દીધો છે. ગાંધીનગરની અમુક હોટેલોનું એક રાતનું ભાડું રૂ. 40,000થી 50,000 છે, જ્યારે અમદાવાદમાં આ રકમ રૂ.15,000થી 25,000 સુધીની છે.
સમિટ અને ટ્રેડ ફેર શો નજીક હોવાથી ગાંધીનગરની હોટેલો તો ફૂલ થઈ ગઈ અને અમદાવાદમાં પણ 75 ટકા હોટેલો બુક હોવાનું જાણવા મળ્યું છે. બાકી આ સમય દરમિયાન શહેરની 45 ટકા હોટેલો પણ બુક હોતી નથી. આ પરથી સમજી શકાય કે એક વાઈબ્રન્ટ સમિટથી રાજ્યમાં કેટલાયને ફાયદો થાય છે. આ જ રીતે ખાણીપીણી માટે જાણીતી રેસ્ટોરાંમાં પણ ત્રણ-ચાર દિવસ વિવિધ રાજ્યોમાંથી આવતા મહેમાનોની ભીડ રહશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલો ઘણી ઊભી થઈ છે. જોકે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર મુંબઈ અને દિલ્હીની જેમ અહીં બારેમાસ બિઝનેસ થતો નથી ત્યારે આવા મોટા આયોજનો સમયે જ કમાણી થઈ શકે છે.