તહેવારો બાદ સીંગતેલના ભાવ આસમાને, ડબ્બાના ભાવ વધીને 3 હજારને પાર થયાં

ગુજરાતમાં જૂન-જુલાઇ બાદ ઓગસ્ટ મહિનામાં ચોમાસાની રફતાર પર બ્રેક લાગતા મગફળીના વાવેતરને અસર પહોંચી છે. વરસાદ ખેંચાતા મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે જેને કારણે બજારમાં સીંગતેલની નફાખોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે.
એક મીડિયા અહેવાલ મુજબ તહેવાર પર સીંગતેલનો જે ડબ્બો રૂ. 2890-2940ના ભાવે મળતો હતો તે ડબ્બાના ભાવમાં હાલમાં સૌરાષ્ટ્ર બજારમાં રૂ. 150-200 જેટલા વધારાને પગલે નવા ભાવ રૂ.3100- 3150એ પહોંચ્યા છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. નવાઇની વાત એ છે કે મગફળીની આવક સારા પ્રમાણમાં છે.
પરંતુ વરસાદ ઓછો પડતા મગફળીનું જેટલું ઉત્પાદન થવું જોઇએ એટલું નથી થયું. જેને કારણે સંગ્રહખોરોએ બજાર પર જાણે કબજો જમાવ્યો હોય તેમ સીંગતેલની બેફામ કિંમતો વધારીને લાચાર ગ્રાહકોને લૂંટતા જોવા મળી રહ્યા છે. સિંગતેલના ભાવમાં સતત વધારો થતા અન્ય તેલ જેમકે પામતેલ, કપાસિયામાં પણ ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઓઇલ મિલો પણ બંધ હોવાને કારણે સીંગતેલનો પૂરતો જથ્થો બજારમાં નથી આવી રહ્યો.
રાજ્યમાં જ્યારે ચોમાસુ જૂન-જુલાઇની જેમ જ સક્રિય થાય અને મગફળીનું ઉત્પાદન વધે તે પછી જ બજારમાં માગ મુજબ મગફળીની આવક થશે. આ વખતે બજારમાં 22 લાખ ટન મગફળીનો પાક આવે તેવી સંભાવના છે. જો કે આવનારા ગણેશોત્સવ, નવરાત્રીના તહેવારોને કારણે બજારમાં તેલની માગ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે.