રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…
ગાંધીનગર : ગુજરાતમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓમાં તંત્રની ચૂક હોવાનું બહાર આવતું રહ્યું છે અને આથી સરકારને માથે માછલાં ધોવાયા છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડથી લઈને મોરબી દુર્ઘટના, વડોદરા હરણિકાંડ અને અંતે રાજકોટ ગેમઝોન ફાયરની બનેલી દુર્ઘટનાઓએ સરકારની છબી ખરડી જ છે. આથી હવે સરકાર પોતાનો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ- 2016 સુધારવાની વિચારણામાં છે.
સરકારના સૂત્રો આ બાબતે જણાવે છે કે આ વિષય હાલ વિચારણા હેઠળ છે, આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં જ કોઈ મોટું પગલું લઈ શકે તેમ છે. આ વિષયને સંલગ્ન તમામ પાસાઓ તપાસીને જરૂરી બાબતોને એક કાયદાના સ્વરૂપમાં ઢાળવા સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આવી દુર્ઘટનાઓને લઈને સરકાર ભીંસમાં આવી જતી હોય છે અને આથી સરકાર વિચારણા કરી રહી છે કે જે સ્થળોએ વધુ લોકો ભેગા થતાં હોય તે સ્થળના માલિક કે સંચાલકોએ કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરવી પડશે. અને આ અધિકારી પર જ તેમના સંકુલની આગની જવાબદારી રહેશે.
મોલ મલ્ટિપ્લેક્સ, સિનેમાગૃહ, મોટી રેસ્ટોરન્ટ, ગેમિંગઝોન વગેરે જેવા સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય ત્યાં કયા,મી ફાયર સેફટી ઓફિસરની નિમણૂક ફરજિયાત બનાવી દેવામાં આવશે. તો ધાર્મિક સ્થળો કે સામાજિક સંસ્થાઓ હંગામી ધોરણે ફાયર સેફટી અધિકારીની નિમણૂક કરી શકશે.
Read More: ગેમઝોન અગ્નિકાંડની જવાળાઓમાં લપટાયા 4 અધિકારી: સાગઠિયા-ઠેબાની ઘરપકડ
આથી સરકારી વ્યવસ્થા પર દુર્ઘટના બાદ જે ભારણ આવી જે છે તે ઘટી શકે છે અને આવી દુર્ઘટનાઓમાં સંચાલક અને આ અધિકારી જવાબદાર ગણાશે. આ અધિકારી યોગ્ય તાલીમ મેળવેલો હોવો જોઈએ. સરકાર આ બિલને લઈને આગામી બે દિવસમાં બેઠકો યોજવા જઈ રહી છે.