ગુજરાતના 6 સાંસદોની સંપત્તિમાં તોતિંગ વધારો, પૂનમ માડમની મિલકત 17 કરોડથી વધીને 147 કરોડ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વર્ષ 2014માં દેશમાં ભાજપની સરકાર સત્તામાં આવી હતી. આ વર્ષે ગુજરાતની તમામ લોકસભાની સીટો ભાજપના ફાળે ગઈ હતી. દેશમાં 2014થી અત્યાર સુધી NDAનું શાસન છે. આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ (એડીઆર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ તટસ્થ એનાલિસીસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. આ રિપોર્ટ મતદારોને તેમના પ્રતિનિધિઓની આર્થિક સ્થિતિ વિશે માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યો છે. તમામ માહિતી સાંસદો દ્વારા ભારતના ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા પર આધારિત છે.
જેમ કે 2014 થી 2024 દરમિયાન રિપીટ થયેલા ગુજરાતના 6 સાંસદોમાં જામનગરથી પુનમબેન માડમ, કચ્છથી વિનોદ ચાવડા, બારડોલીથી પ્રભુ વસાવા, દાહોદથી જસવંત ભાભોર, જુનાગઢથી રાજેશ ચુડાસમા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને નવસારીથી સીઆર પાટીલનો સમાવેશ થાય છે. આ સાંસદોમાં સીઆર પાટીલને બાદ કરતા તમામ વર્તમાન સાંસદોની સંપત્તીમાં તોતિંગ વધારો થયો હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન ₹130.26 કરોડનો વધારો નોંધાયો છે. 2014માં તેમની સંપત્તિ ₹17.43 કરોડ હતી, જે 2024માં વધીને ₹147.70 કરોડ થઈ છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 47 ટકાનો ઘટાડો થયો છે. સી. આર. પાટીલ પાસે 2014માં ₹74 કરોડથી વધુની મિલકત હતી, જે 2024માં ઘટીને ₹39 કરોડ થઈ છે.
તે જ પ્રકારે અન્ય સાંસદોની વધેલી સંપત્તિ પર એક નજર કરીએ તો વિનોદભાઈ લખાભાઈ ચાવડા (કચ્છ) : તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે. 2014 માં ₹56 લાખથી વધીને 2024માં મિલકત ₹7 કરોડ થી વધુ થઈ છે, જે 1163% નો વધારો થયો છે.
પ્રભુભાઈ નાગરભાઈ વસાવા (બારડોલી): 2014 માં ₹1 કરોડથી વધુ મિલકત હતી, જે 2024 માં વધીને આશરે ₹4.70 કરોડ થઈ છે. કુલ વધારો 195% રહ્યો છે.
જસવંતસિંહ સુમનભાઈ ભાભોર (દાહોદ): તેમની મિલકત 2014 માં ₹1.96 કરોડ હતી, જે 2024 માં વધીને ₹4.84 કરોડ થઈ છે. આ 10 વર્ષમાં 146% નો વધારો છે.
રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા (જૂનાગઢ): 2014 માં તેમની પાસે ₹74 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.34 કરોડથી વધુ થઈ છે. તેમાં 349%નો વધારો થયો.
દેવુસિંહ ચૌહાણ (ખેડા): 2014 માં તેમની પાસે ₹94 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.49 કરોડથી વધુ થઈ, તેમાં 271%નો વધારો થયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં રૂ. 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં સરેરાશ મિલકત રૂ. 15.76 કરોડ હતી જે 2024માં વધીને સરેરાશ રૂ. 33.13 કરોડ થઈ ગઈ છે. ટકાવારની દૃષ્ટિએ જોઈએ તો આ વધારો 110 ટકા જેટલો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ દ્વારા વર્ષ 2014 થી 2024 વચ્ચે રિપીટ થયેલા તમામ પક્ષોના કુલ 103માંથી 102 સાંસદોના વખતો વખત ફાઈલ કરેલા સોંગદનામાનું વિશ્લેષણ કરી તેની મિલ્કતમાં થયેલા વધારા ઘટાડાનો રીપોર્ટ જાહેર કરાયો હતો.



