પાટણમાં ACBની મોટી કાર્યવાહી, UGVCLનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…

પાટણ: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવા માટે ACB એક્ટિવ મોડમાં આવી છે. રાજ્યમાં અવાર નવાર આવા લાંચિયાઓ છાશવારે પકડાતા રહે છે. આ દરમિયાન પાટણમાં યુજીવીસીએલનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો હતો. તે સમી યુજીવીસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. એસીબીએ છટકું ગોઠવીને તેને રંગહાથે ઝડપી પાડ્યો હતો.
ફરિયાદીએ પોતાના ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરી હતી. જેથી આ વીજ જોડાણ આપવા માટે આરોપી જુનિયર એન્જિનિયર ચિંતન પટેલે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા. જેથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદના આધારે એસીબીએ આરોપીને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતું.
એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 50 હજાર રૂપિયા સ્વીકારતાં રંગેહાથે ઝડપાયો હતો. આરોપી જુનિયર એન્જિનિયરને એસીબીએ ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



