આપણું ગુજરાત

‘સતર્કતા આપણી સહિયારી જવાબદારી’ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી…

ગાંધીનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં NFSU ખાસે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ દરનિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં એસીબીની વખાણ કરીને લોકોને જાગૃત થવા માટે જમાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એસીબીએ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે.

ગાંધીનગરમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આપણે જે કામ કરીએ કે ફરજ બજાવીએ તેમાંથી આત્મસંતોષ થાય તેવી આપણી ફરજ નિષ્ઠા હોય જેથી આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ જ ઉજવવો ન પડે તેવું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપણને આપેલો છે. આપણે દિન પ્રતિદિન વિકાસ કરતા જઈએ છીએ તેની સાથે જ હક્ક બહારનું લેવાય જ નહીં એવી જે આપણી સંસ્કાર વિરાસત છે તેને પણ જાળવી રાખીએ અને આપણા કાર્યમાંથી જ આત્મસંતોષ શોધીએ.

ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા 4 નાગરિકોનું સન્માન

એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કોઈને કોઈ કામ માટે લાંચ માગનારા ભ્રષ્ટાચારી અધિકારીઓ ખુલ્લા પાડી એ.સી.બી.માં તેમની સામે અવાજ ઉઠાવીને અને ફરિયાદ કરીને તેમને ઝબ્બે કરાવનારા 4 હિંમતવાન નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનના સતર્કતા સપ્તાહ દરમિયાન યોજાયેલી નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલા 12 છાત્રોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

હર્ષ સંઘવીએ એસીબીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં

આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એસીબીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. વખાણ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના એટલે કે માત્ર નાના લોકોને જ નહીં, પણ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે. ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકીને જણાવ્યું કે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ ટેકનોક્રેટ છે. આ ટીમ દ્વારા ભ્રષ્ટાચાર સામે આવતી અરજીઓ અને તેની કાર્યવાહી માટે હજુ પણ AI સહિતની વિવિધ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

એસીબીએ આ વર્ષે કેટલા કેસ દાખલ કર્યાં?

એસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પાછલા ત્રણ વર્ષમાં, 34 ક્લાસ-વન અને 98 ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે. ચાલુ વર્ષે 194 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 277 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું

છેલ્લા બે મહિનામાં રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત ગુજરાતની જુદી જુદી શાળાઓમાં ભ્રષ્ટાચાર- દેશના વિકાસને અવરોધક પરિબળ, જાગૃત નાગરિક – વિકસિત દેશ જેવા વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃતતા- પારદર્શિતા અને પ્રમાણિકતા મારી નજરે અને હું એક પ્રમાણિક અધિકારી જેવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા સત્ય નિષ્ઠાના શપથ લેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જનજાગૃતિનાં ભાગરૂપે શેરી નાટકો, મેરોથન દોડ અને એસીબીની હેલ્પ લાઈન ૧૦૬૪નાં પેફ્લેટની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button