AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, 3 દિવસના રિમાન્ડ મંજૂર
નર્મદા: ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને ફાયરિંગ તથા મારપીટ કરવાનો ગુનો નોંધાયો છે.
છેલ્લા એક મહિનાથી ફરાર ચૈતર વસાવા પોલીસ સામે ગઇકાલે હાજર થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસે કોર્ટમાં તેમના રિમાન્ડ માગતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજપીપળા એલસીબી પોલીસ તથા ડેડિયાપાડા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. 2 પીએસઆઇ, એક પીઆઇ સહિત પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત રાખીને ચૈતર વસાવાને કોર્ટમાં લઇ જવાયા હતા. કોર્ટમાં ચૈતર વસાવાના સમર્થકો, તેમના વકીલ અને આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક ગોપાલ ઇટાલિયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા.
શરણાગતિ પહેલા ગુરુવારે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ચૈતર વસાવાએ પોતાની સામે ષડયંત્રના ભાગરૂપે ખોટો કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વસાવા અને અન્ય 6 લોકો સામે ગયા મહિને રમખાણો, છેડતી અને સરકારી અધિકારીઓ પર હુમલો કરવા બાબતે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ ગયા મહિને ખેડૂત રમેશભાઈ અને વસાવાની પત્ની શકુંતલા, તેમના અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હજુ પણ જેલમાં છે.