આપણું ગુજરાત

આવતીકાલે ત્રંબામાં શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સાધુ-સંતોનું સંમેલન : સ્વામીનારાયણ સંપ્રદાય પર લેવાશે પગલાં

રાજકોટ: સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા 11મી જૂને રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ નામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલ 11મી જૂનના રોજ ત્રંબામાં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સંમેલન યોજાવાનું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો સહિત 1,500થી 2,000 જેટલા સાધુ-સંતો હાજર રહેવાના છે.

પ્રેસ કોન્ફરન્સમાં મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે અમુક સંપ્રદાયોના પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવ્યા છે, તેમની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે હિન્દુ ધર્મ, હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કે તેમના શાસ્ત્રો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમના પ્રવચનમાં કે વ્યક્તિગત ટિપ્પણી માં અપમાન કરશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે. ધર્મને લગતા પ્રશ્નો પર સરકારની સાથે સંકલન સાધીને હિન્દુત્વના કાર્યો આ ટ્રસ્ટ કરશે.

આ પણ વાંચો: આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક

મુક્તાનંદ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, હાલમાં જ ગુરુકુળમાં બનેલી ઘટનાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ અને આવનાર સમયમાં આવી ઘટના ન બને તેની તકેદારી પણ રાખવી જોઈએ. સાથે જ આવતી કાલે મળનારા સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂતકોમાંથી દેવી દેવતાઓના લખાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

મુક્તાનંદ બાપુએ ટ્રસ્ટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટની રચના બાદ દેશના દરેક રાજ્યમાં રચના કરવામાં આવશે. આ ટ્રસ્ટ સંસ્કૃત ભાષાના વિકાસ અને તેના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. સાથે જ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર થાય તેના માટે પણ પ્રયત્નો કરશે. ધર્મને સલગ્ન સમસ્યાઓને લઈને પણ આ ટ્રસ્ટ કામ કરશે.

આવતીકાલે દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સંમેલનમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી સાધુ-સંતો હાજર રહેવાના છે. જેમાં મોરારીબાપુ, શેરનાથ બાપુ, કણીરામ બાપુ, નિર્મળાબા, રમેશભાઈ ઓઝા સહિત 1500-2000 સાધુ સંતો હાજર રહેવાના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button