આપણું ગુજરાત

પોલીસકર્મીઓ વિરુદ્દ ફરિયાદ કરવા માટે હેલ્પ લાઈન શરુ થશે

અમદાવાદ: પોલીસની ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરવા નાગરિકો માટેની હેલ્પલાઈન શરું કરવા નિષ્ફળ જવા બદલ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આખરે શુક્રવારે રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી કે આવી ફરિયાદ માટે ચોક્કસ ફોન નંબર જાહેર કરવામાં આવશે અને આવી ફરિયાદો માટે એક અલગ કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવશે.

અમદાવાદના ઓગણાજ ટોલ પ્લાઝા નજીક એક પરિવાર પાસેથી પોલીસ અને TRB જવાનોએ કથિત રીતે રૂ. 60,000ની ઉચાપત કરી હોવાના બનાવને પગલે અદાલતે સુઓમોતો પીઆઈએલ દાખલ કરી હતી. એમિકસ ક્યુરીની ભલામણોના આધારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ માટે સમર્પિત હેલ્પલાઈનની હિમાયત કરી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે સરકારને પોલીસકર્મીઓ દ્વારા હેરાનગતિની અન્ય એક કેસની યાદ અપાવી જ્યારે રાજ્ય બહારથી એક વ્યક્તિ દારૂની બોટલ સાથે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ જોવા ગુજરાતમાં આવ્યો.

અલગ હેલ્પલાઈન બનાવવાની અનિચ્છા બદલ હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો, અને હેલ્પલાઈન નંબરનેનો “ઢાંક પીછેડો” ન કરવા કહ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર માટે કેટલાક વિકલ્પો રજૂ કર્યા હતા જેમાં 100 નંબરનો પણ સમાવેશ થાય છે.

જો કે, ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીએ પોલીસકર્મીઓ અને TRB જવાનો સામે ફરિયાદો નોંધવા માટે એક અલગ હેલ્પલાઈનનો આગ્રહ કર્યો હતો. કોર્ટને લાગ્યું કે આ નંબર હાલની – 100, 112 અને 1064 હેલ્પલાઈનથી અલગ હોવો જોઈએ.

મુખ્ય ન્યાયાધીશએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હેલ્પલાઇન નંબર લોકોને યાદ રાખવામાં સરળ રહે તેવો હોવો જોઈએ અને હાલના નંબર સાથે મૂંઝવણ થાય એવો ન હોવો જોઈએ. એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે ટૂંક સમયમાં એક અલગ હેલ્પલાઇન બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર ડેડિકેટેડ રજિસ્ટરમાં કોલના ઓટોમેટિક ઓડિયો રેકોર્ડિંગ અને કોલ વિગતોના ડોક્યુમેન્ટેશાનથી સજ્જ એક અલગ કંટ્રોલ રૂમની સ્થાપના કરશે. જે પોલીસ ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેકટરની દેખરેખ હેઠળ હશે.

રાજ્ય સરકારે હેલ્પલાઈનનો અમલ કરવા અને પ્રચાર સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા 12 જાન્યુઆરી, 2024 સુધીનો સમય માંગ્યો છે. કોર્ટે આ સંબંધમાં સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button