વડોદરા એરપોર્ટ પર મહિલા સિક્યોરિટી સ્ટાફે કસ્ટમર સર્વિસના કર્મચારી પર કર્યો હુમલો

વડોદરા: હરણી એરપોર્ટ પર એક મહિલા સિક્યોરિટી સ્ટાફે એક પુરુષ કર્મચારી સાથે જાહેરમાં અભદ્ર વર્તન કર્યું હોવાની વિચિત્ર ઘટના બની છે. ‘રેપિસ્ટની ઓલાદ, તારી ચરબી ઉતારી દઇશ’ આવું કહીને મહિલાકર્મીએ કસ્ટમર સર્વિસના જુનિયર એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા કર્મચારીને અપશબ્દો બોલી તેને લાફો મારી દીધો હતો. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હરણી એરપોર્ટ પર એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ કંપનીમાં છેલ્લા 6 મહિનાથી પ્રદ્યુમ્ન સોની નામનો કર્મચારી ફરજ બજાવે છે. તેમણે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગત 3 ઓક્ટોબરે સવારે તેમની શિફ્ટ પુરી કરીને સહકર્મીઓ સાથે નાસ્તો કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન એર ઇન્ડિયાના સિક્યોરિટી સ્ટાફ તરીકે કામ કરતા રેશમા રાજ નામની મહિલા તેમની સાથે ચાલતા જતા હતા. ઓચિંતા જ રેશમા રાજ પ્રદ્યુમ્નને અપશબ્દો બોલી જાહેરમાં અપમાાનિત કરવા લાગ્યા અને ઉશ્કેરાઇ જઇને થપ્પડ મારી દીધી હતી.
રેશમા રાજ ઉંચા અવાજે બૂમાબૂમ કરતા ત્યાં સિક્યોરિટી સ્ટાફના હેડ અને અન્ય ઓથોરિટી એકત્ર થઇ ગયા હતા અને તેમને શાંત પાડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
ભોગ બનનાર પ્રદ્યુમ્ન સોનીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રેશમા રાજ તેને અમુક નોકરી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરવા દબાણ કરતા હતા અને જો તે એવું ન કરે તો તેને નોકરીમાંથી કઢાવવાની ધમકી આપતા હતા. આ અંગે પ્રદ્યુમ્ન સોનીએ એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમીટેડના ઉપરી અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે.