
સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક રેસીડન્ટ ડોક્ટરે પોતાના જ હાથમાં દવાનું ઇન્જેક્શન મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટના પાછળ કામના ભારણથી કંટાળીને તેણે આ પગલુ ભર્યું હોવાનું કારણ સામે આવ્યું છે.
સુરતના મજૂરાગેટ પાસે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા 25 વર્ષીય રેસીડન્ટ ડોક્ટરે કિડની બિલ્ડીંગના વોર્ડમાં પોટેશિયમ ક્લોરાઇડનું ઇન્જેક્શન લઇને તેના હાથ પર મારી દેતા વોર્ડમાં દોડધામ મચી ગઇ હતી. સાથી ડોક્ટરોએ તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કર્યો હતો. હાલ સિનિયર ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે.
ઘટનાને પગલે પોલીસ પણ હોસ્પિટલમાં આવી પહોંચી હતી જ્યાં પ્રાથમિક પૂછપરછમાં તેને માનસિક તકલીફ હોવાનું પણ સામે આવ્યું હતું. ઉપરાંત કામના સ્ટ્રેસને કારણે પણ તે ઝડપથી હતાશ થઇ જતો હોવાની વિગતો સામે આવી હતી. ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.