પ્રાણ પ્રતિષ્ઠાના મૂહુર્ત પર જ રાજકોટમાં બાળકનો થયો જન્મ, 4 શહેરો મળીને કુલ 26 બાળકો જન્મ્યાં
અમદાવાદ: આજે રામલલ્લાના રામમંદિરમાં વિરાજમાન થવાની સાથે જ ગુજરાતના અનેક ઘરોમાં પણ રામસ્વરૂપે બાળકોનું આગમન થયું છે. રાજ્યના 4 મહાનગરોમાં કુલ 26 બાળકોએ આજે જન્મ લીધો છે.
અમદાવાદમાં એક દંપતિને ટ્વીન્સ સાથે એક બાળક એમ 3 બાળકો જન્મ્યા છે, તો સુરતમાં કુલ 16 બાળકોએ જન્મ લીધો છે. વડોદરામાં 5 બાળકોએ જન્મ લીધો છે જેમાં 3 પુત્ર અને 2 પુત્રીઓનો સમાવેશ થાય છે, રાજકોટમાં 2 પુત્રોનો જન્મ થયો છે.
મહત્વનું છે કે રાજ્યની અનેક ગર્ભવતી મહિલાઓએ આજના દિવસે પોતાને ડિલીવરી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં આજે પ્રસૂતિ કરાવવા આવનારી મહિલાઓની નોર્મલ અને સિઝેરિયન બંને ડિલીવરી મફતમાં કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ અનેક સ્ત્રીઓએ ખાસ આજના દિવસમાં ડિલીવરી માટે ખાનગી હોસ્પિટલોમાં બુકિંગ પણ કરાવ્યું હતું. આજના દિવસે જન્મ લેનાર બાળકો માટે ખાસ પ્રકારના પ્રભુ શ્રીરામના ચિત્રવાળા કપડા પહેરાવવામાં આવે તેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમુક પરિવારોએ તેમના બાળકોના નામ ‘રામ’ અને ‘સીતા’ પણ રાખ્યાં છે.
આનંદની વાત એ છે કે ચારેય મહાનગરો પૈકી રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં જે મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી હતી તે જ સમયગાળા દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. જેના પગલે પરિવારજનોના આનંદનો પાર રહ્યો નહોતો, ભારે ઉમંગ-ઉત્સાહ અને હર્ષોલ્લાસ પૂર્વક બાળકનું પરિવારજનોએ સ્વાગત કર્યું હતું. ઉપરાંત ડિલિવરી કરાવનાર હોસ્પિટલ સ્ટાફ પણ ભાવુક થઇ ગયો હતો.