લંડનમાં મોતને ભેટેલા પાટણના યુવકનો મૃતદેહ લાવવા 4000 પાઉન્ડનું ફંડ એકત્ર કરાયું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા પાસેના રણાસણ ગામના મીત પટેલ નામના યુવકનો શંકાસ્પદ રીતે 21 નવેમ્બરના રોજ લંડનની થેમ્સ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, બીજી બાજુ મીતના સ્વજનો અને મિત્રો દ્વારા તેના મૃતદેહને ભારત લાવવા ભંડોળ ઉભું કરાયું હતું જેમાં કુલ 4000 પાઉન્ડથી વધુની રકમ એકત્ર કરાઇ છે.
મીત પટેલ ગત સપ્ટેમ્બર મહિનામાં જ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે લંડન ગયો હતો. તે શેફીલ્ડ હોમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઉપરાંત એમેઝોનમાં પાર્ટ ટાઇમ જોબ પણ કરતો હતો. 17 નવેમ્બરે મીત મોર્નિંગ વોક પર ગયા બાદ ઘરે પરત નહોતો ફર્યો જેથી તેના મિત્રોએ તે ગુમ થયો હોવાની પોલીસને જાણ કરી હતી. એ પછી તેની સતત શોધખોળ અને તપાસ હાથ ધરાઇ હતી, અને 21 નવેમ્બરે તેનો થેમ્સ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી હતી, અને મીત પટેલનો ઓડિયો મેસેજ મળી આવ્યો હતો. ‘મમ્મી-પપ્પા મને માફ કરશો, મેં તમારા 15 લાખ રૂપિયા ડૂબાડી નાખ્યા. હું અહીં આવીને ફસાઇ ગયો છું. હવે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી.’ આમ કહીને તેણે પોતે જ આપઘાત કરી લીધો હોવાનું કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો થયો છે. જો કે નક્કર હકીકત તપાસ બાદ જ બહાર આવશે.