પંચમહાલના ઘોઘંબામાં ખાડામાં ડૂબી જતા 4 બાળકોના મોત, ગામમાં શોકનો માહોલ

પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે આજે સવારે દુ:ખદ ઘટના બની હતી. ખાડામાં ન્હાવા પડેલા એક જ ગામના 4 બાળકોના ડૂબી જવાથી મોત નીપજયાં હતા. ચાર બાળકોના મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો લાગણી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિધાનસભ્ય સભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના આજે મંગળવારની વહેલી સવારે બની હતી. રમતા રમતા બાળકો ખાડામાં નાહવા ગયા હતા. ચાર બાળકો ડૂબવા લાગ્યા હતા, બાળકોને ડૂબતા જોઇને સાથે આવેલા અન્ય બાળકોએ ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ એ પહેલા ચાર બાળકો મોતને ભેટ્યાં હતા.
સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ આ ચારેય બાળકો કૌટુંબિક ભાઈઓ હતા. તમામ બાળકોની ઉંમર 10થી 12 વર્ષ વચ્ચે હતી. ઘટનાની જાણ થતા જ વિધાન સભ્ય ફતેસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.
મળતી જાણકારી મુજબ બે બાળકો તળાવના પાણીમાં ઉતર્યા હતા. જેઓ ડૂબવા લાગતા, અન્ય બે બાળકો તેમને બચાવવા પાણીમાં ઉતર્યા હતા.