કોવિડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટના વેચાણમાં 35 ટકાનો વધારો નોંધાયો
કોવિડ-19 પાનડેમિકે દુનિયાભરના લોકોની જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડી છે. કોવીડ સમયગાળા બાદ ભારતમાં પણ ડિપ્રેસન અને એન્ક્ઝાઈટીના કેસમાં વધારો નોંધાયો છે, એવામાં જાહેર થયેલા એક અહેવાલમાં ગુજરાત અંગે ચિંતાજનક માહિતી સામે આવી છે. કોવીડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટ્સ અને મૂડ સ્ટેબિલાઇઝર દવાઓના વેચાણમાં 35%નો વધારો નોંધાયો છે. આમ મોજીલા ગણાતા ગુજરાતીઓ પણ ડિપ્રેસનના કેસ વધી રહ્યા છે.
એક અહેવાલ મુજબ ભારતમાં ઓગસ્ટ 2019માં કુલ રૂ. 1,382 કરોડની કિંમતની એન્ટીડિપ્રેસન્ટ્સ અને મૂડ સ્ટેબિલાઇઝર દવાઓનું વેચાણ થયું હતું, જે ઓગસ્ટ 2023માં વધીને રૂ. 1,955 કરોડ થયું હતું. અહેવાલ મુજબ ગુજરાતમાં ઓગસ્ટ 2019માં આવી દવાઓનું વેચાણ રૂ.63 કરોડથી વધીને ઓગસ્ટ 2023માં રૂ. 85 કરોડ નોંધાયું હતું. આમ ગુજરાતમાં આવી દવાઓના વેચાણમાં 35 ટકાનો વધારો નોંધાયો હતો. આ જ સમયગાળામાં કુલ ન્યુરોલોજીકલ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થેરાપી હેઠળ દવાઓનું વેચાણ રૂ.369 કરોડથી 28% વધીને રૂ. 473 કરોડ થયું હતું.
અમદાવાદના મનોચિકિત્સકોના અંદાજ મુજબ છેલ્લા બે વર્ષમાં હોસ્પિટલો અને ક્લિનિક્સમાં રોજિંદા દર્દીઓની સંખ્યામાં લગભગ 20-30% વધારો થયો છે. દર્દીઓમાં સૌથી વધુ વધારો 20 થી 45 વર્ષની વય જૂથમાં નોંધાયો છે.
જાણીતાં મનોચિકિત્સકના જણાવ્યા મુજબ ” જાગરૂકતાને કારણે કિશોરો અને યુવાનો થેરાપી માટે અમારો સંપર્ક કરી રહ્યા છે. ડિપ્રેસન અને એન્ક્ઝાઈટીના કેસોમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. ડિપ્રેસન અને એન્ક્ઝાઈટીના બંનેની સારવાર માટે પ્રારંભિક તબક્કાની દવાઓ ઓછા વધતા પ્રમાણમાં સમાન છે. વેચાણ દર્શાવે છે કે 2019 થી કેસ લગભગ બમણા થઈ ગયા છે.”
વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ 2023 એ 146 દેશોમાંથી ભારતને 126માં સ્થાને રાખ્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ખુશ દેશોમાં છે.