વિસનગરમાં નર્સિંગની વિદ્યાર્થિની બની ‘સરપંચ’: PM Modiથી પ્રેરાઈને રાજકારણમાં ઝંપલાવ્યું

વિસનગર: ગત 22 જૂને ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતની બેઠક પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીએમ મોદીથી પ્રેરાઈને નર્સિંગની વિદ્યાર્થિની સરપંચ બની હોવાનું જાણવા મળ્યું છે.
આ ચૂંટણીમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામની 24 વર્ષીય ખુશાલીબેન રબારીને 1320 મતની બહુમતી વિજય મળ્યો હતો. નર્સિંગના અંતિમ વર્ષની વિદ્યાર્થિની ખુશાલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને રાજકારણમાં ઝંપલાવ્યો છે. તેમની આ જીત ગામની મહિલાઓ માટે પ્રેરણાદાયી બની છે.
મોદીની પ્રેરણા, વિદેશનો વિચાર છોડ્યો
ખુશાલીબેન વિસનગરની સાંકલચંદ પટેલ યુનિવર્સિટીમાં નર્સિંગના અંતિમવર્ષનો અભ્યાસ કરે છે. શરૂઆતમાં તેઓ નર્સિંગ પૂર્ણ કરી વિદેશમાં નોકરી અને કરિયર માટે નવી તકો શોધવા જવાની ઈચ્છા ધરાવતા હતા.
પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં તેમનું નેતૃત્વ જોઈને તેમનું મન બદલાયું. મોદીની નેતૃત્વ શૈલીએ તેમને ગામના વિકાસ માટે રાજકારણમાં જોડાવવા પ્રેર્યા હતા.
આપણ વાંચો: ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?
ગામના વિકાસનું સપનું
ખુશાલીબેનના પરિવારમાં માતા-પિતા અને બે નાના ભાઈઓ છે, જેઓ તેમની આ સિદ્ધિથી ગૌરવ અનુભવે છે. તેઓ ગામમાં રસ્તા, માર્ગો અને અન્ય વિકાસલક્ષી કામો દ્વારા લોકોની સમસ્યાઓ હલ કરવા ઈચ્છે છે. તે નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે, જે ગામની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.