અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ: ગુજરાત હાઇ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે મામલો?

અમદાવાદ: અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આઝાન માટેના સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થતું નથી કારણ કે તે 10 મિનિટથી ઓછા સમય માટે જ ચાલે છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે ગાંધીનગરના એક ડોક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, અરજદારે તેમની હોસ્પિટલ નજીકની મસ્જિદમાંથી દિવસમાં પાંચ વખત અઝાન વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે તેનાથી લોકોને, ખાસ કરીને દર્દીઓને પરેશાની થાય છે.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે અવાજ પ્રદૂષણને કારણે ખલેલ પહોંચાડવાના અરજદારના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેમણે પૂછ્યું હતું કે શું અન્ય ધાર્મિક પ્રથાઓ, જેમ કે મંદિરોમાં પૂજા અથવા ભજન દરમિયાન સંગીત વગાડવું જાહેર જીવનને ખલેલ નથી પહોંચાડતા?
ખંડપીઠે કહ્યું કે અમને એ નથી સમજાતું કે લાઉડસ્પીકર દ્વારા અઝાનનો અવાજ ધ્વની પ્રદૂષણ થાય એટલા ડેસિબલ સુધી કેવી રીતે પહોંચી શકે, જેનાથી લોકો માટે આરોગ્ય જોખમાય. કેટલી મિનિટ સુધી અઝાન ચાલે છે? અવાજના પ્રદૂષણનો પ્રશ્ન ક્યાં છે? અમને ડેસિબલ્સ આંક બતાવો. તકનીકી રીતે કેટલા ડેસિબલ્સ સાથે અઝાન થાય છે?
જવાબમાં, અરજદારના વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઝાનનો આવાજ નિર્ધારિત ડેસિબલની મર્યાદાને ઓળંગે છે.
જે અંગે મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે, ડીજે પણ ઘણું પ્રદૂષણ કરે છે. અમે આ પ્રકારની પીઆઈએલનું સ્વીકારતા નથી. આ એક વિશ્વાસ અને પ્રથા છે જે વર્ષોથી ચાલે છે અને તે માત્ર 5-10 મિનિટની વાત છે. અઝાન 10 મિનિટથી ઓછા સમય માટે ચાલે છે.
જ્યારે મુખ્ય ન્યાયાધીશ આદેશ આપી રહ્યા હતા, ત્યારે અરજદારના વકીલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો. જો કે, મુખ્ય ન્યાયાધીશે તરત જ હસ્તક્ષેપ કર્યો, નોંધ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાઓ તેમના અધિકારક્ષેત્ર પર કાયદેસર રીતે બંધનકર્તા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે 2020 માં એક મહત્વના ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે અઝાન માટે એમ્પ્લીફાયર અથવા લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. વધુમાં, કોર્ટે લાઉડસ્પીકરના ઉપયોગને શરતી બનાવતા કહ્યું કે ધ્વનિ પ્રદૂષણના કાયદા અને ધોરણો અનુસાર જિલ્લા વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી વિના અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાતો નથી.
હાઇકોર્ટે નો નિર્ણય સર્વોપરી છે.