નર્મદા નદીમાં છોડાયું 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી : જિલ્લા પ્રસાશન સતર્ક

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેશે.
નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1 લાખ 35 હજાર કયુસેક પાણી છોડવામાં આવશે.
ઇન્ચાર્જ કલેકટર શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 60 થી વધુ ભરાયો
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.