એકસ્ટ્રા અફેર

ભાજપના વોશિંગ મશીનમાં શીખોના લોહીનાં ડાઘ ધોવાઈ જશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રાજકારણમાં ક્યારે શું બને એ કહેવાય નહીં કેમ કે રાજકારણીઓમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું નથી. જેને ભરપેટ ગાળો દીધી હોય તેને ગળે લગાડીને લીલા તોરણે પોંખાય એવું વારંવાર બને છે ને અત્યારે એવું જ કંઈક બનવાનાં એંધાણ છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પોતાના સાંસદ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈન જશે એવી હવા જામેલી છે.

કૉંગ્રેસે રાજ્યસભાની ટિકિટમાં અવગણ્યા તેથી અકળાયેલા કમલનાથ કૉંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે એવો સંકેત તેમના સમર્થકોએ આપ્યો છે. સામે ભાજપને પણ લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ક્લીન સ્વીપ કરવા માટે કમલનાથની જરૂર છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે મધ્ય પ્રદેશની ૨૯માંથી ૨૮ બેઠકો જીતેલી. કૉંગ્રેસને સમ ખાવા પૂરતી એક માત્ર બેઠક છિંદવાડાની પ્રજાએ આપેલી અને કમલનાથના પુત્ર નકુલનાથને જીતાડેલા. આ વખતે એવું ના થાય એટલે ભાજપ પાણી પહેલાં જ પાળ બાંધવા માગે છે તેથી કમલનાથને લાલ જાજમ પાથરીને આવકારવા તૈયાર છે એવું કહેવાય છે.

કમલનાથ નહેરુ-ગાંધી ખાનદાનના વફાદાર છે અને પચાસ વર્ષથી આ ખાનદાનની સેવા કરે છે. સંજય ગાંધીના ખાસ ગોઠિયા કમલનાથ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો એ બહુ મોટા સમાચાર કહેવાશે તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, ભાજપે કમલનાથને લેવા જોઈએ ? ભાજપે સત્તા માટે સિદ્ધાંતોને ક્યારનાય બાજુ પર મૂકી દીધા છે પણ કમ સે કમ કમલનાથને મુદ્દે ભાજપે દેખાડા ખાતર તો દેખાડા ખાતર પણ સિદ્ધાંતનિષ્ઠા બતાવવી જોઈએ.

ભાજપે જે નેતાઓને સૌથી વધારે ગાળો આપી છે, જેમને સૌથી વધારે ભ્રષ્ટ ગણાવ્યા છે, જેમના હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા હોવાના આક્ષેપ કર્યા છે એવા નેતાઓમાં કમલનાથ એક છે. સામે કમલનાથે પણ ભાજપને ગાળો દેવામાં કોઈ કસર છોડી નથી એ જોતાં ભાજપે કમલનાથથી તો અંતર જાળવવું જ જોઈએ. ભાજપમાં જોડાવાથી ભલભલાનાં પાપ ધોવાઈ જાય છે એવું કહેવાય છે પણ કમ સે કમ કમલનાથના કિસ્સામાં તો ભાજપે આ નિયમ લાગુ પાડવાની જરૂર નથી,

કમલનાથ ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫મા લાદેલી કટોકટી વખતે સંજય ગાંધીના ખાસ ચમચા તરીકે લાઈમલાઈટમાં આવ્યા. કટોકટી વખતે અત્યાચાર કરીને જે લોકો વગોવાયેલા તેમાં એક કમલનાથ પણ હતા. ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં એ વખતે કૉંગ્રેસે કુટુંબ નિયોજનના અમલ માટે આક્રમક ઝુંબેશ શરૂ કરેલી. નસબંધી કરાવનારા પુરુષોને ઈનામો આપવાની ને એવી ઢગલો યોજનાઓ જાહેર કરાયેલી. કૉંગ્રેસની એ નીતિ દેશના ફાયદામાં હતી પણ કાચુ ત્યાં કપાયું કે સંજય ગાંધીને આ આખી વાતમાં રસ પડી ગયો. ઈન્દિરાએ દેશમાં કટોકટી લાદી ત્યારે સંજયને કોઈ રોકનારું હતું નહીં તેથી એ બેફામ બની ગયેલો.

સંજયના માથે દેશનો વસતી વધારો રોકવાનું ઝનૂન સવાર થયેલું. વસતી વધારાને રોકવા એ એટલા ઉત્સાહમાં આવી ગયેલા કે સરકારી કર્મચારીઓને નસબંધીનાં ટાર્ગેટ આપવા માંડ્યાં. સરકારી કર્મચારીઓ પણ સંજયને ખુશ કરવાના ઉત્સાહમાં એટલા ઝનૂનમાં આવી ગયા કે કાચા કુંવારા છોકરાઓની પણ પકડી પકડીને નસબંધી કરવા માંડેલી. બિહાર ને ઉત્તર પ્રદેશમાં તો રીતસરનો કાળો કેર વર્તાવી દેવાયેલો. કમલનાથ આ નસબંધી અભિયાનમાં મોખરે હતા અને બીજા અત્યાચારોમાં પણ સામેલ હતા તેથી સંજયના પાપમાં સીધા ભાગીદાર હતા.

ભાજપે ભૂતકાળમાં જગમોહન અને વિદ્યાચરણ શુકલા જેવા કટોકટી કાળના વિલનોને પડખામાં લીધેલા પણ કમલનાથ સામે બીજા પણ ગંભીર અને અક્ષમ્ય આક્ષેપ છે. કમલનાથના હાથ નિર્દોષ શીખોના લોહીથી રંગાયેલા છે એવું ભાજપ છેલ્લા ચાર દાયકાથી કહે છે. શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસનાં ઘણાં મોટાં માથાં સામેલ હતાં ને તેમાં એક કમલનાથ પણ છે. શીખ વિરોધી રમખાણો આ દેશના ઈતિહાસમાં એક શરમજનક પ્રકરણ છે પણ કમનસીબે તેમાં કદી ન્યાય જ ના થયો. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા સતવંતસિંહ અને બિયંતસિંહ નામના ઈન્દિરા ગાંધીનાં શીખ અંગરક્ષકોએ કરી નાંખેલી. ઈન્દિરાએ ઓપરેશન બ્લુ સ્ટાર કરાવીને અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું તેના કારણે શીખોમાં આક્રોશ હતો. કટ્ટરવાદી શીખોએ તેનો લાભ લઈને સતવંત ને બિયંતને હાથો બનાવીને ઈન્દિરાનું ઢીમ ઢળાવી દીધેલું.

ઈન્દિરાની હત્યાનાં કારણે કૉંગ્રેસીઓ ભડકેલા ને કૉંગ્રેસી નેતાઓએ શીખો સામે ઝેર ઓક્યાં તેમાં રમખાણો થઈ ગયાં. આ રમખાણોમાં બેફામ કત્લેઆમ થયેલી. આ કત્લેઆમની આગેવાની જેમણે લીધી તેમાં એક નામ કમલનાથનું પણ હતું. હરકિશન લાલ ભગત, જગદીશ ટાઈટલર અને સજજન કુમાર આ ત્રણ નેતા હત્યારાઓના આગેવાન તરીકે ઉભરેલા. ઈન્દિરાની હત્યાનો બદલે લેવા તેમણે શીખોની કત્લેઆમની યોજના બનાવીને હુમલા કરાવેલા ને શીખોને શોધી શોધીને પતાવી દીધેલા.

કમલનાથ સહિતના કૉંગ્રેસીઓ મતદાર યાદીઓ લઈને બેસી ગયેલા. તેના આધારે શીખોના વિસ્તારોની ઓળખ કરાઈ ને પછી તેમનાં ઘરોને આગ લગાડીને મોટા પાયે શીખોને પતાવી દેવાયેલા. એ વખતે કૉંગ્રેસમાં શીખોની હત્યા કરીને વફાદારી સાબિત કરવાની હોડ જામેલી ને ઘણા કૉંગ્રેસીઓના હાથ શીખોના લોહીથી રંગાયેલા.

ઈન્દિરા ગાંધીની હત્યા કરાઈ એ રાત્રે જ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં શીખોને શોધી શોધીને ભાજીમૂળાની જેમ રહેંસી નાંખવાનું શરૂ કરી દેવાયેલું. હજારો શીખોનાં ઘરો રાતના અંધારામાં કેરોસીન છાંટીને સળગાવી દેવાયેલાં. બચાવની તક મળે એ પહેલાં તો એ લોકો ઊંઘમાં જ ભડથું થઈ ગયેલાં. બીજા દિવસે સવારે પણ એ ખેલ ચાલુ રહ્યો ને કામ પર જતાં શીખ પુરુષો-મહિલાઓને પકડી પકડીને રસ્તા પર જ રહેંસી નંખાયેલા. આ હત્યાકાંડમાં સત્તાવાર રીતે ૪૮૦૦ની આસપાસ શીખો માર્યા ગયેલા જ્યારે બિનસત્તાવાર રીતે તો આંકડો પચાસ હજાર કરતાં વધારો હતો. દિલ્હીમાં સૌથી વધારે હત્યાઓ થઈ હતી અને ત્યાં સત્તાવાર રીતે ૨૮૦૦ લોકોને રહેંસી નંખાયેલા. ત્રણ દિવસ લગી આ હેવાનિયત ચાલી ને હજારો શીખો તેનો ભોગ બન્યાં.

ભાજપે શીખ વિરોધી રમખાણોના મુદ્દાને અસરકારક રીતે ઉઠાવ્યો છે. કમલનાથે પણ શીખ વિરોધી રમખાણોમાં ભાગ લીધેલો એવા આક્ષેપો વરસોથી થાય છે પણ તેમની સામે કેસ પણ નોંધાયો નથી. ભાજપ સરકારે એ પણ કેમ ના કર્યું એ સવાલ છે પણ ભાજપ કમલનાથને શીખોના હત્યારા માને છે તેમાં બેમત નથી.

હવે ભાજપના વોશિંગ મશીનમાં કમલનાથ પર લાગેલા શીખોની લોહીનાં દાગ પણ ધોવાઈ જાય તો તેનાથી શરમજનક કંઈ ના કહેવાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button