એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું? | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબૂક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર પહેલાં જ 50 ટકા ટેરિફ લાદી દીધો છે અને આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે.

આ ટેરિફના કારણે ભારતથી અમેરિકા જતાં કપડાં, હીરા, ઝવેરાત, રત્નો, ઘરેણાં, ફર્નિચર અને સીફૂડ સહિતનાં ભારતીય ઉત્પાદનોના અમેરિકામાં ભાવ વધી ગયા છે તેથી ભારતની નિકાસ ઘટવા માંડી છે. ટ્રમ્પે એ વખતે ફાર્માસ્યુટિકલ સેક્ટર પર ટેરિફ નહોતા લાદ્યા તેથી ટ્રમ્પ ભારતની દવા કંપનીઓ પર મહેરબાન થઈ જશે એવું લાગતું હતું પણ ટ્રમ્પે છેવટે ફાર્મા સેકટરને પણ લપેટી લીધું છે.

આ ટેરિફ પાછો એક અઠવાડિયામાં જ એટલે કે 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવવાનો છે તેથી ભારતમાં ગભરાટનો માહોલ છે કેમ કે અત્યાર સુધી અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેરિફ લાદતું નહોતું. તેના કારણે ભારતની દવાઓ સહિતની ફાર્મા પ્રોડક્ટ્સની અમેરિકામાં મોટા પાયે નિકાસ થાય છે. બલકે વિદેશમાં જતી ભારતીય દવાઓનું સૌથી મોટું ખરીદદાર જ અમેરિકા છે.

2024માં ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસ 12.72 અબજ ડૉલરની ને તેમાં બે તૃતિયાંશ હિસ્સો અમેરિકાનો હતો. 2024માં 8.7 અબજ ડૉલર એટલે કે લગભગ રૂ. 77,000 કરોડની દવાઓની નિકાસ એકલા અમેરિકામાં થઈ હતી. ટ્રમ્પે ટેરિફનો ખેલ શરૂ કર્યો પછી જ્યારે પણ ટ્રમ્પ ટેરિફ લાદે કે ટેરિફ લાદવાની ધમકી આપે એટલે તરત આપણે ત્યાં કહેવાતા નિષ્ણાતોનો વર્ગ મેદાનમાં આવી જાય છે.

ટેરિફના કારણે ભારતને નુકસાન નહીં થાય પણ અમેરિકા બરબાદ થઈ જશે એવું કોરસ શરૂ થઈ જાય છે. સાવ હાસ્યાસ્પદ લાગે એવી દલીલો કરીને એવું સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે કે, ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદીને પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે, બાકી ભારતને કોઈ અસર થવાની નથી પણ ટ્રમ્પ બરબાદ થઈ જશે.

દવાઓ પરના ટેરિફ પછી પણ એ જ કોરસ પાછું શરૂ થઈ ગયું છે. અત્યારે એવી દલીલ થઈ રહી છે કે, ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર ટેરિફ લાદ્યો છે જ્યારે ભારતની મુખ્ય નિકાસ તો જેનરિક દવાઓની છે તેથી ભારતને કોઈ અસર નહીં થાય. આ વાત અર્ધસત્ય છે.

ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં જેનરિક દવાઓ મોકલે છે એ વાત સાચી પણ દેશની ટોચની ફાર્મા કંપનીઓની બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પણ અમેરિકામાં જાય જ છે. ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, લ્યુપિન જેવી મોટી ભારતીય ફાર્મા કંપનીઓની મુખ્ય કમાણી પેટન્ટ દવાઓમાંથી છે. ભારતની કંપનીઓની દવા અમેરિકાની કંપનીઓની દવા કરતાં સસ્તી હોય છે તેથી અમેરિકન ડોક્ટર્સ ભારતીય દવાઓ લખે છે.

એક સર્વે પ્રમાણે, અમેરિકન ડોક્ટર્સ દ્વારા લખાતી દવાઓમાંથી 40 ટકા દવાઓ ભારતીય કંપનીઓની હોય છે. 100 ટકા ટેરિફના કારણે ભારતીય દવાઓ મોંઘી થશે તેથી ભારતીય દવાઓ લખવાનું પ્રમાણ ઘટશે તેથી ભારતીય કંપનીઓની કમાણીમાં દસેક ટકાનો ફરક પડી જશે એવું મનાય છે. આ સંજોગોમાં ભારતને ફટકો પડશે જ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકા બરબાદ થઈ જશે એવું કહેનારાની દલીલ છે કે, અમેરિકાની હેલ્થકેર સિસ્ટમ ભારતની દવાઓ પર નભે છે અને અત્યારે કોઈ ટેરિફ નથી તેથી વરસે 200 અબજ ડૉલરનો ફાયદો થાય છે. ભારતીય દવાઓ પર ટેરિફ લદાશે તેથી અમેરિકાની હેલ્થકેર સિસ્ટમને પણ દવાઓ મોંઘી પડશે તેથી અમેરિકાને ફટકો પડશે.

અમેરિકાની હેલ્થકેર સિસ્ટમને ભારતીય દવાઓના કારણે 200 અબજ ડૉલરનો ફાયદો છે એ વાચ સાચી પણ આ ફાયદો ના મળે તો અમેરિકા બરબાદ થઈ જાય એ વાત હાસ્યાસ્પદ છે. અમેરિકાની જીડીપી 30 ટ્રિલિયન ડૉલરથી વધારે છે. અબજ ડૉલરમાં ગણીએ તો 30,486 અબજ ડૉલર થાય. તેમાંથી 200 ડૉલરની બચત ના થાય તો અમેરિકા તબાહ થઈ જાય? અમેરિકાના જીડીપીમાં આ બચત એક ટકાથી પણ ઓછી છે તેથી અમેરિકાને કંઈ ના થાય. કાનખજૂરાનો એક પગ તૂટે તો શું ફરક પડે? અમેરિકાની રાક્ષસી આર્થિક તાકાતમાં આ બચતની કોઈ કિમત જ નથી.

ભારતના કહેવાતા નિષ્ણાતોએ ટેરિફની કોઈ અસર નહીં થાય એવું કહીને લોકોનો ગેરમાર્ગે દોરવાના બદલે સાચી વાતથી વાકેફ કરવા જોઈએ કે જેથી લોકો માનસિક રીતે તૈયાર થાય. કહેવાતા નિષ્ણાતોએ સ્પષ્ટ રીતે દેશના ફાર્મા સેક્ટર પર પડનારી અસરો અને નુકસાનની વાત લોકો સામે મૂકવી જોઈએ અને આ નુકસાનને ખાળવા માટે શું કરવું જોઈએ તેની વાત પણ કરવી જોઈએ.

ફાર્મા કંપનીઓ તો ધંધો લઈને બેઠી છે એટલે ખોટનો ધંધો તો કરવાની નથી જ તેથી એ તો પોતાની રીતે રસ્તો શોધી જ કાઢશે પણ સામાન્ય લોકોને પણ આ સમસ્યા મોટી છે તેની ખબર પડવી જ જોઈએ. ટ્રમ્પ ટેરિફ પર ટેરિફ લાદીને ભારતને પરેશાન કરી રહ્યા છે તેથી આ સમસ્યા કોઈ એક સેક્ટરની નથી પણ આખા દેશની છે. ટ્રમ્પના ટેરિફ સામેની લડતમાં આખો દેશ એક છે.

મોદી સરકારે ટ્રમ્પની લુખ્ખાગીરી સામે લડી લેવાનો નિર્ણય લીધો તેને આખા દેશનો ટેકો છે. મોદી સરકાર અમેરિકા સહિતના દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવા પર ભાર મૂકી રહી છે અને અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનને આખા દેશનું સમર્થન છે કેમ કે વાત દેશના હિતની છે.

ટ્રમ્પ કંઈ ફાર્મા સેક્ટર પર ટેરિફ લાદીને અટકી જવાના નથી તેથી ભવિષ્યમાં પણ આપણે બીજા ફટકા માટે તૈયાર રહેવું જ પડશે. એ જોતાં તમાચો મારીને ગાલ લાલ રાખવાની જરૂર નથી. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહે છે કે, બીજા દેશો પર નિર્ભરતા આપણો સૌથી મોટો દુશ્મન છે અને આ નિર્ભરતા ઘટાડવાની જરૂર છે પછી આ દુશ્મનને કારણે થતા નુકસાનને છૂપાવવાની શું જરૂર?

ટ્રમ્પ ટેરિફ લાદી રહ્યા છે તેના માટે મોદી સરકાર જવાબદાર નથી કે ભારતના ઉત્પાદકો પણ જવાબદાર નથી. ટ્રમ્પને અમેરિકાને ફરી દુનિયાનો દાદો બનાવવાની સનક ઉપડી તેના કારણે ટેરિફ લાદી રહ્યા છે તેથી આપણે તેના માટે કોઈ અપરાધભાવ અનુભવવાની જરૂર નથી કે ટ્રમ્પના ટેરિફના કારણે નુકસાન નથી થવાનું કે અમેરિકા બરબાદ થઈ જશે એવા ભ્રમ પણ ઊભા કરવાની જરૂર નથી. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટેના રસ્તા અપનાવી જ રહ્યા છીએ ને તેને વળગી રહેવાની જરૂર છે. જાગ્યા ત્યારથી સવાર.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ લદાખમાં પાછો ભડકો, છઠ્ઠા શીડ્યુલના મુદ્દે મડાગાંઠ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button