એકસ્ટ્રા અફેર

રાદડિયા-સંઘાણીએ અમિત શાહ સામે કેમ બગાવત કરી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે એક મહત્ત્વની રાજકીય ઘટના બની ગઈ. દેશની સૌથી મોટી સહકારી સંસ્થાઓ પૈકીની એક ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટિવ (ઇફ્કો)ના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની જીત થઈ છે. ગુજરાતમાં ભાજપના વર્ચસ્વના દિવસો છે તેથી ભાજપના ધારાસભ્ય જીતે તેમાં કશી નવાઈ નથી. એ રીતે આ સમાચાર કોઈને મોટા ના લાગે પણ આ સમાચાર મોટા એ રીતે છે કે, જયેશ રાદડિયાએ અમિત શાહના ખાસમખાસ ગણાતા બિપિનભાઈ પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવી દીધા છે.

ગુજરાતમાં કોઈ અમિત શાહ સામે પડવાની હિંમત પણ ના કરે ત્યારે ભાજપના એક ધારાસભ્યે શાહને પડકાર્યા જ નથી પણ તેને પછાડી પણ દીધા. કહેવાની જરૂર નથી કે, આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં સોપો પાડી દીધો છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા કેટલાક વરસથી સહકારી સંસ્થાઓ પર કબજો કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે પાર્ટી તરફથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા રાખે છે અને મેન્ડેટ આપે છે.

જો કે ગુજરાતમાં ઈફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે ભાજપમાં જ સર્વસંમતિ નહીં સધાતાં ચૂંટણી યોજાઈ હતી અને ભાજપ વર્સીસ ભાજપનો જંગ થઈ ગયો હતો. ભાજપમાં ગુજરાતમાં અમિત શાહ કહે એ સવા વીસ ગણાય છે તેથી ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો હતો પણ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાને એ માફક ના આવ્યું કેમ કે રાદડિયા વરસોથી ઈફકોમાં ગુજરાતમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટાય છે.

આ કારણે રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની ઉમેદવારી કરવાનું નક્કી કર્યું હતું. અમિત શાહે રાદડિયાને ઘરે જઈને સમજાવ્યા હતા પણ રાદડિયા બેસવા તૈયાર ના થતાં ચૂંટણીજંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં કુલ ૧૮૨ મતમાંથી ૧૮૦ મતદારોએ મતદાન કર્યું હતું આ ચૂંટણીનું ગુરુવારે પરિણામ જાહેર થયું તેમાં જયેશ રાદડિયાને ૧૧૪ મત મળ્યા છે જ્યારે અમિત શાહના ખાસ માણસ બિપિન ગોતાને ૬૬ મત જ મળતાં બિપિન ગોતા હારી ગયા છે.

અમિત શાહ માટે આ મોટો ફટકો છે કેમ કે અમિત શાહની ઈચ્છા તો પોતાના ખાસ માણસ બિપિન ગોતાને ઈફકોના ચેરમેન બનાવવાની હતી. અમિત શાહની મહેરબાનીથી બિપિન ગોતા ગુજકોમાસોલના વાઈસ ચેરમેન છે જ ને અમિત શાહ તેમને વધારે મોટા બનાવવા માગતા હતા પણ બિપિન ગોતાનો વરઘોડો ઘરે આવતાં હવે શાહની ઈચ્છા નહીં ફળે. બિપિન ગોતા હારતાં કોઈ હરીફ જ ના રહેતાં ભાજપના જ દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

બિપિન ગોતા વર્સીસ જયેશ રાદડિયાના જંગમાં રાદડિયાનું પલ્લુ ભારે થઈ ગયું કેમ કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. ગુજરાતમાંથી ઈફકોના ૧૮૧ મતદારો છે અને આ પૈકી ૧૨૧ મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો ચૂંટણી પહેલાં કરવામાં આવી રહ્યો હતો પણ અમિત શાહના તાપ સામે કોઈ ઝીંક નહીં ઝીલી શકે તેથી રાદડિયા સામે બિપિન ગોતા મેદાન મારી જશે એવું મનાતું હતું પણ સૌરાષ્ટ્રના મતદારો રાદડિયાના પડખે રહ્યા તેમાં ગોતા ગોથું ખાઈ ગયા.

જયેશ રાદડિયાએ અમિત શાહની ખફગી વહોરીને ઉમેદવારી નોંધાવી અને જીત પણ મેળવી એ પછી તેમનું શું થશે એ અંગે અટકળો ચાલી રહી છે પણ મુખ્ય મુદ્દો રાદડિયા શાહ સામે કેમ પડ્યા તેનો છે. રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવાર સામે ઊભા રહેવાની હિંમત બતાવી એ વાસ્તવમાં ભાજપમાં પક્ષની શિસ્તના નામે ચાલી રહેલી એકહથ્થુ સત્તા સામેનો પડકાર છે.

રાદડિયાના રસ્તે ચાલીને બીજું કોઈ ફરી આ રીતે પડકાર ફેંકવાની હિંમત બતાવશે કે નહીં એ ખબર નથી પણ આ પડકાર ફેંકીને જયેશ રાદડિયાએ પોતે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે એ સાબિત કરી દીધું છે. જયેશ રાદડિયા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. વિઠ્ઠલ રાદડિયા પોતાના જોરે એક ઓળખ બનાવી અને રાજકારણમાં આગળ વધ્યા. જયેશ રાદડિયાએ પણ સાબિત કર્યું કે, પોતાની પણ એક ઓળખ છે અને પોતે ભાજપના મોહતાજ નથી.

રાદડિયાએ શાહ સામે ઊભા રહેવાની હિંમત બતાવી કેમ કે ભાજપ ધીરે ધીરે તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી રહી છે. જયેશ રાદડિયા અત્યારે જેતપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પણ એક સમયે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ભાજપે તેમને મંત્રીમંડળમાંથી તગેડીને નવરા કરી મૂક્યા ને હવે સહકારી ક્ષેત્રમાંથી પણ રાદડિયાનો એકડો કાઢી નાંખવા મથે છે.

જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બૅંકના ચેરમેન છે અને ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડીયા ચૂંટાતા આવે છે. ઈફકો અમૂલની સમકક્ષ સંસ્થા છે. આ સંસ્થા સાથે છ કરોડ ખેડૂતો જોડાયેલા છે. આ સંસ્થાનું ટર્નઓવર ૬૦ હજાર કરોડની આસપાસ છે. રાદડિયા આટલી મોટી સંસ્થાના ડિરેક્ટરપદે છે તેથી સહકારી ક્ષેત્રમાં તેમનું માન છે. ભાજપ તેમને હરાવીને આ માન પણ છિનવી લેવા માગતો હતો તેથી રાદડિયાએ બાંયો ચડાવવી પડી. રાદડિયા ચૂપ રહ્યા હોત તો કદાચ હવે પછી રાજકોટ જિલ્લા સહકારી બૅંકમાંથી પણ હટી જવાનું કહી દેવાયું હોત ને રાદડિયા સાવ નવરા થઈ ગયા હોત.

રાદડિયાએ બગાવત કરી પણ એ સૌરાષ્ટ્રની લોબીના સહકાર વિના ના જીત્યા હોત એ પણ ભૂલવા જેવું નથી એ જોતાં અમિત શાહ સામેની બગાવત માત્ર રાદડિયાની બગાવત નથી પણ એક આખી લોબીની બગાવત છે. આ બગાવતને દિલીપ સંઘાણીના આશિર્વાદ હતા એ પણ ભૂલવા જેવું નથી. રાદડિયા બિપિન ગોતા સામે હારી ગયા હોત તો દિલીપ સંઘાણીએ પણ ઈફકોનું પ્રમુખપદ ગુમાવવું પડ્યું હોત કેમ કે અમિત શાહે બિપિન ગોતાને પ્રમુખ બનાવી દીધા હોત. સ્વાભાવિક રીતે જ સંઘાણી ઢળતી ઉંમરે આ રીતે નીકળવાનું પસંદ ન જ કરે તેથી તેમણે રાદડિયાને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દીધી.

ગુજરાતમાં રાદડિયા જેવા ઘણા છે કે જેમની રાજકીય કારકિર્દી પક્ષની શિસ્તના નામે ચાલતા એકહથ્થુ શાસનના કારણે પતી જવાના આરે છે. રાદડિયાની જેમ કેટલા મર્દાનગી બતાવે છે એ જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button