નેશનલ હેરાલ્ડ કેસમાં કશું નિકળતું કેમ નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ યંગ ઇન્ડિયાની રૂપિયા ૭૫૧.૯ કરોડની સંપત્તિ ટાંચમાં લેતાં નહેરુ-ગાંધી ખાનદાનને લગતો નેશનલ હેરાલ્ડ કેસ ફરી ગાજ્યો છે. ઈડીના સત્તાવાર નિવેદન પ્રમાણે, સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેની પૂછપરછ કરીને તેમનાં નિવેદનો નોંધ્યા પછી ઈડીએ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.
ઈડીનો દાવો છે કે, તેને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે યંગ ઈન્ડિયન પાસે દિલ્હી, મુંબઈ અને લખનઊમાં એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ની માલિકીની રૂપિયા ૬૬૧.૬૯ કરોડની ગેરકાયદે મિલકતો છે. એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડે આ સંપત્તિઓમાં યંગ ઈન્ડિયાને બીજી ૯૦.૨૧ કરોડ રૂપિયાની ગેરકાયદે આવકનું રોકાણ કર્યું હોવાથી આ મિલકત ટાંચમાં લેવામાં આવી છે.
ઈડીનો દાવો છે કે, પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ સંપત્તિ કામચલાઉ રીતે ટાંચમાં લેવાઈ છે. એજેએલ અને કૉંગ્રેસ દ્વારા કંપનીના શેરહોલ્ડરો અને કૉંગ્રેસને દાન આપનારાં લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે.
કૉંગ્રેસે ઈડીના પગલાને હલકી કક્ષાના ક્ધિનાખોરીના રાજકારણનો ભાગ ગણાવ્યું છે. કૉંગ્રેસનું કહેવું છે કે, વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાજપની હાર નક્કી છે તેથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા અને કૉંગ્રેસની ઈમેજ બગાડવા માટે આ પગલું ભરાયું છે પણ તેના કારણે કૉંગ્રેસ ગભરાવાની નથી. સીબીઆઈ, ઈડી કે આઈટી ડિપાર્ટમેન્ટ સહિતના કોઈ પણ ભાજપના સાથીઓ ભાજપની નિશ્ર્ચિત હારને નહીં રોકી શકે.
કૉંગ્રેસનું કહેવું છે કે, ઈડીએ કોઈ પણ પ્રકારની સ્થાવર મિલકત ટ્રાન્સફર કર્યા વિના લોન અપાઈ તેને સંપત્તિ ટાંચમાં લેવાનો આધાર ગણાવ્યો છે કેમ કે તેમની પાસે કોઈ પુરાવા જ નથી, પુરાવા નથી કેમ કે કોઈ અપરાધ થયો નથી ને વાસ્તવમાં તો કોઈએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સુદ્ધાં કરી નથી. ભાજપ દ્વારા અને ભાજપના લાભાર્થે જૂઠાણાં, છળ વગેરેની એક માયાજાળ રચવામાં આવી છે કે જેથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળી શકાય.
કૉંગ્રેસનું રીએક્શન સ્વાભાવિક છે કેમ કે નેશનલ હેરાલ્ડ કેસ નહેરુ-ગાંધી ખાનદાનને લગતો છે અને કૉંગ્રેસ માટે નહેરુ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે. કૉંગ્રેસીઓએ નહેરુ-ગાંધી ખાનદાનનો બચાવ કરવો જ પડે તેથી કૉંગ્રેસ એ કરી રહી છે. કૉંગ્રેસ લાંબા સમયથી નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપ સરકાર ક્ધિનાખોરી બતાવી રહી હોવાનું કહી રહી છે તેથી તેનું વલણ કે તેનાં નિવેદનો આશ્ર્ચર્યજનક નથી પણ ઈડીની ભાષા ચોક્કસ આશ્ર્ચર્યજનક અને આંચકાજનક છે. ઈડી પોતે શું કાર્યવાહી કરી છે તેની વિગતો આપવાના બદલે પોતે જજ હોય એ રીતે વર્તીને ચુકાદા આપતી હોય એ પ્રકારનાં સત્તાવાર નિવેદનો આપી રહી છે.
ઈડીએ પોતે જ કહ્યું છે કે, એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયનની સંપત્તિ કામચલાઉ રીતે ટાંચમાં લેવાઈ છે. મતલબ કે, કાલે કોર્ટ ફરમાન કરે તો ઈડીએ આ સંપત્તિ મુક્ત કરી દેવી પડે. એ છતાં ઈડી એવું કહી રહી છે કે, કૉંગ્રેસ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ કૉંગ્રેસને દાન આપનારા તેમજ કંપનીના રોકાણકારો સાથે ઠગાઈ કરી છે. એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયાએ ગેરકાયદેસર રીતે કરેલી કમાણીનું રોકાણ કર્યું છે વગેરે વગેરે.
આ વાતો ઈડીની તપાસમાં બહાર આવી હશે પણ એ સાચી છે કે નહીં એ નક્કી કરવાનું કામ ઈડીનું નથી પણ કોર્ટનું છે. તેના બદલે અહીં ઈડી પોતે કરેલી તપાસ રાજા હરિશ્ર્ચંદ્રના બોલ હોય એવા દાવા કરી રહી છે. ઈડી આ પ્રકારની ભાષા કેમ બોલે છે એ કહેવાની જરૂર નથી. ઈડી કેન્દ્ર સરકારનો પાળેલો પોપટ છે તેથી એ પઢાવે એ રીતે બોલવા સિવાય તેનો છૂટકો નથી. તેના અધિકારક્ષેત્રમાં આવે કે ના આવે પણ ઉપર બેઠેલા સાહેબોને રાજી રાખવા હોય તો કૉંગ્રેસ ચોર જ છે એવું કહેવું પડે.
કૉંગ્રેસ કે નહેરુ-ગાંધી ખાનદાને ખરેખર કોઈ ચોરી કે ભ્રષ્ટાચાર કર્યો છે એવું અત્યાર લગી તો કોઈ કોર્ટે કહ્યું નથી કે ઈડી સહિતની સરકારી એજન્સીઓએ સાબિત કરી શકી નથી. આ કેસ છેક ૨૦૧૪થી ચાલે છે ને ત્યારથી કેન્દ્રીય એજન્સીઓ આ કેસને ચ્યુંઈગ ગમની જેમ ખેંચ્યા કરે છે પણ કશું નક્કર બહાર લાવી શકી નથી. આ સંજોગોમાં ઈડીની પોતાની કાર્યક્ષમતા ને તેના ઈરાદા શંકાસ્પદ છે ત્યારે એ કૉંગ્રેસ કે બીજા કોઈના વિશે પણ ચુકાદા આપે છે ત્યારે કૂડું કથરોટને હસતું હોય એવું લાગે છે.
નેશનલ હેરાલ્ડ કેસ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારનો ગાજે છે પણ નવ વરસમાં કશું થયું નથી. ઑગસ્ટ, ૨૦૧૪માં દિલ્હીની એક કોર્ટે સમન્સ પાઠવીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હાજર રહેવા ફરમાન કર્યું ત્યારથી નેશનલ હેરાલ્ડનું ઘમ્મરવલોણું ચાલે છે ને વાસ્તવમાં પાણી વલોવીને માખણ કાઢવાની મથામણ થઈ રહી છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરીને આક્ષેપ કરેલો કે, સોનિયા અને રાહુલે નેશનલ હેરાલ્ડ નામના અખબારની રૂપિયા ૨,૦૦૦ કરોડની સંપત્તિ પર કબજા કરવા માટે કૉંગ્રેસનાં નાણાંનો ઉપયોગ કરેલો.
સ્વામીના આક્ષેપ પ્રમાણે રાહુલ અને સોનિયાએ ૨૦૧૦માં પોતાનો ૭૬ ટકા હિસ્સો ધરાવતી યંગ ઈન્ડિયન લિમિટેડ નામે કંપની બનાવીને નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડનાં તમામ દેવાંની જવાબદારી પોતાના માથે લીધી. આ કંપનીમાં બાકીના ૨૪ ટકા શેર નહેરુ-ગાંધી ખાનદાનની નજીક મનાતી ત્રિપુટી મોતીલાલ વોરા, સુમન દુબે અને સામ પિત્રોડાના નામે છે.
આ કંપનીએ એસોસિએટેડ જર્નલ્સને પચાસ લાખ ચૂકવી તેનું દેવું ચૂકવવાના બદલામાં બાકી ઉઘરાણી તથા સંપત્તિના અધિકાર પોતાના નામે કરાવી લીધા. નેશનલ હેરાલ્ડે ૯૦.૮૨ કરોડ રૂપિયા કૉંગ્રેસ પાસેથી જ લેવાના છે ને તેની સંપત્તિ ૨,૦૦૦ કરોડ રૂપિયાની છે. આ સંપત્તિ કૉંગ્રેસ સરકારોના શાસનમાં સરકાર તરફથી છૂટે હાથે મળતી જાહેરખબરો તથા બીજી બધી લહાણી, સબસિડી વગેરેના સ્વરૂપમાં મળેલી છે. રાહુલ અને સોનિયાએ માત્ર ૫૦ લાખ રૂપિયા ચૂકવીને નેશનલ હેરાલ્ડના લગભગ ૨,૧૦૦ કરોડ રૂપિયા ઓળવી જવાનો ખેલ કરેલો તેવો આક્ષેપ સ્વામીએ કર્યો હતો.
આ આક્ષેપ દસ વરસ પછી પણ સાબિત નથી થયા.