એકસ્ટ્રા અફેર -વિપક્ષોને ભ્રષ્ટ મંત્રી-મુખ્યમંત્રીઓને દૂર કરવા સામે વાંધો કેમ?

ભરત ભારદ્વાજ
કૉંગ્રેસ સહિતના વિપક્ષો વાંકદેખા છે ને હકારાત્મક વિપક્ષ તરીકેની ફરજ બજાવવાના બદલે કોઈ પણ કામમાં વાંધા કાઢીને જ ઊભા રહી જાય છે. આ કામ દેશના હિતમાં છે કે નહીં તેની વાત કરવાના બદલે સરકારના બદઈરાદાની રેકર્ડ વગાડવી જ તેમનું કામ હોય એ રીતે વર્તે છે. વિપક્ષોની આ માનસિકતાનો તાજો પુરાવો જેલમાં ગયેલા જનપ્રતિનિધિઓને હોદ્દા પરથી દૂર કરવા સામે વિપક્ષોએ કરેલી કાગારોળ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં છે. આ બિલનો ઉદ્દેશ સારો છે પણ કૉંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પરેશાન કરવાના બદઈરાદાથી આ બિલ રજૂ લવાયાં છે. કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તો આ બિલને રાક્ષસી અને બંધારણ વિરોધી ગણાવ્યું છે. કેટલાક વિપક્ષી નેતા એવું વાજું વગાડી રહ્યા છે કે, બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મુદ્દે મોદી સરકાર બરાબર ભેરવાઈ ગઈ છે અને જોરદાર વિરોધ થઈ રહ્યો છે તેથી તેના પરથી ધ્યાન ભટકાવવા માટે આ બિલ લવાયું છે.
આ બકવાસ દલીલો વિપક્ષોના નેતાઓની નકારાત્મક માનસિકતા બતાવે છે પણ તેની વાત કરવાના બદલે પહેલાં આ બિલમાં શું છે તેની વાત કરી લઈએ. કેન્દ્ર સરકારના આ ત્રણ નવા બિલમાં એવી જોગવાઈ છે કે, કોઈ વર્તમાન મંત્રી, મુખ્યમંત્રી કે વડા પ્રધાન પાંચ વર્ષ કે તેથી વધુ જેલની સજા થઈ શકે એવા ગુનામાં સતત 30 દિવસ સુધી જેલની હવા ખાય તો એક મહિનાની અંદર આપોઆપ જ પોતાનો હોદ્દો ગુમાવે. સરળ શબ્દોમાં કહીએ તો સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને 31મા દિવસે હોદ્દા પરથી દૂર કરવામાં આવશે.
મોદી સરકારે રજૂ કરેલાં આ ત્રણ બિલનાં નામ 130મું બંધારણીય સુધારા બિલ 2025, ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ (સંશોધન) બિલ 2015 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન(સંશોધન)બિલ 2025 છે. ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ બિલ હેઠળ મુખ્યમંત્રી અથવા મંત્રીને હટાવવાની જોગવાઈ કરવા માટે ગવર્નમેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ, 1963ની કલમ 45માં સુધારો કરવામાં આવશે. બીજા બિલ હેઠળ વડા પ્રધાન અથવા કેન્દ્રીય મંત્રીમંડળના કોઈપણ મંત્રી અને રાજ્યો કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રી કે કોઈપણ મંત્રીને દૂર કરવા માટે કાનૂની માળખું પૂરું પાડવા માટે બંધારણની કલમ 75, 164 અને 239અઅમાં સુધારો કરવામાં આવશે જ્યારે ત્રીજા બિલ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં આ જોગવાઈ લાગુ કરાશે.
આ બિલમાં ધરપકડ અને અટકાયત બંનેને આવરી લેવાયાં છે. સામાન્ય લોકોને ધરપકડ અને અટકાયત એક જ લાગે છે પણ અટકાયત અને ધરપકડમાં મોટો ફરક છે. સામાન્ય રીતે અટકાયત ટૂંકા સમયગાળા માટે હોય છે જ્યારે ધરપકડ બહુ લાંબી મુદત માટે પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ પર ઔપચારિક રીતે ગુનાનો આરોપ મૂક્યા વિના તેને પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવો એ અટકાયત છે.
અટકાયત કરનારને હંમેશાં જેલમાં ના મોકલાય કેમ કે અટકાયતનો મતલબ કોઈ પણ વ્યક્તિને કામચલાઉ રીતે પોલીસ કે બીજી સરકારી એજન્સીની કસ્ટડીમાં રાખવી એવો થાય છે. પોલીસ કે એજન્સી ઘણીવાર તપાસ માટે કોઈ વ્યક્તિને લઈ જાય ત્યારે તેની ધરપકડ ના દર્શાવે પણ અટકાયત દર્શાવે એવું બનતું હોય છે. તપાસ પૂરી થાય એટલે વ્યક્તિને છોડી દેવાય એવું બનતું હોય છે.
કોઈની ધરપકડ કરાય તેનો મતલબ કોઈ પણ ગુના માટેની ઔપચારિક કાનૂની કાર્યવાહી આગળ ધપાવવી એવો થાય છે. ધરપકડ એવી વ્યક્તિની કરાય છે કે જેની સામે ગંભીર પ્રકારના આરોપો હોય અને આ આરોપોના સંદર્ભમાં વધુ તપાસ કરવા માટે તેની જરૂર હોય. હત્યા, બળાત્કાર સહિતના ગંભીર અપરાધોમાં તો તપાસ પૂરી થઈ ગઈ હોય પણ કોર્ટમાં દલીલો ચાલતી હોય ત્યારે પણ આરોપીની ધરપકડ કરીને જેલમાં રખાય છે. જો કે અટકાયત કરાય કે ધરપકડ કરાય પણ મૂળ વાત એ છે કે, માણસનો પગ કુંડાળામાં પડેલો જ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: મુનીર, બિલાવલ પછી શાહબાઝ, ભારતને ધમકીઓથી કોઈ ફરક પડતો નથી
મોદી સરકારે આ બિલ કેમ લાવવું પડ્યું એ પણ સમજવા જેવું છે. હાલમાં ગંભીર ગુનામાં જેલભેગા કરાયેલા કે અટકાયતમાં લેવાયેલા વડા પ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાની કોઈ જોગવાઈ નથી. તેના કારણે જેલભેગા થવા છતાં મંત્રીઓ હોદ્દા પર ચીટકી રહે છે. તેનો લાભ લઈને ઘણા મંત્રી ગંભીર ગુનાના આરોપી હોવા છતાં સત્તાસ્થાને ચીટકી રહે છે. અરવિંદ કેજરીવાલનો દાખલો તાજો જ છે. દિલ્હીના કહેવાતા લિકર કેસમાં આરોપી તરીકે ધરપકડ કરાયા છતાં કેજરીવાલ મુખ્યમંત્રીપદે ચાલુ રહ્યા હતા. તમિળનાડુના મંત્રી સેન્થિલ તો આ મહિના લગી જેલમાં રહ્યા હોવા છતાં તેમને હોદ્દા પરથી હટાવાયા નહોતા. આ ત્રણેય બિલ પસાર થશે પછી જેલમાં બંધ રહેલા નેતા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પ્રધાન મંત્રી હોય, 31મા દિવસે ઘરભેગા થઈ જશે.
વિપક્ષોનું કહેવું છે કે, આ કાયદાનો ભયંકર દુરુપયોગ કરાશે અને ભાજપને નડતા વિપક્ષી મંત્રી કે મુખ્યમંત્રીને ખોટા ગુનામાં ઉઠાવીને જેલભેગા કરી દેવાય પછી આ કાયદા હેઠળ રવાના કરી દેવાશે. આ વાત ખોટી નથી પણ આ શક્યતા તો દરેક કાયદામાં રહેલી હોય છે તો નવા કાયદા બનાવવાનું જ છોડી દેવાનું ? કોઈ પણ કાયદો બને પછી સત્તામાં બેઠેલા લોકો તેનો દુરુપયોગ કરે જ છે. ભૂતકાળમાં કૉંગ્રેસે કર્યું ને હવે ભાજપ કરી રહ્યો છે પણ તેનો અર્થ એ નથી જ કે, દેશમાં નૈતિકતાને પોષનારા કાયદા ના બનાવાય. અત્યારે આવો કાયદો નથી તેનો ગેરલાભ ઉઠાવીને નૈતિકતાને સાવ નેવે મૂકીને કેજરીવાલ કે બીજા મંત્રીઓ મહિનાઓ લગી સત્તાસ્થાનેથી હટ્યા જ નહીં એવું બન્યું જ છે.
કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી અપરાધી છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે પણ જ્યાં સુધી એ આરોપી છે ત્યાં સુધી તેને સત્તાસ્થાને રહેવાનો નૈતિક અધિકાર નથી જ. ખોટો કેસ કરાયો હોય તો પણ એ વાત કોર્ટમાં સાબિત કરવી જોઈએ કેમ કે એ જ સિસ્ટમ છે. તેના બદલે વિપક્ષો અત્યારથી જ ખોટા કેસો કરી દેવાશે એવી કાગારોળ મચાવે એ યોગ્ય નથી. બીજી વાત એ કે, દરેક ભાજપ વિરોધી મંત્રી કે મુખ્યમંત્રી સામે કેસ થતા નથી. જેણે કારણ આપ્યું તેની સામે જ કેસ થાય છે. આ સંજોગોમાં વિપક્ષોએ પોતાના નેતાઓને સ્વચ્છ બનાવવા જોઈએ કે કાયદાનો વિરોધ કરવો જોઈએ ?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…