એકસ્ટ્રા અફેરઃ કિરણની વાતથી શિવકુમારને કેમ મરચાં લાગી ગયાં ?

ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ લોકશાહીની ને વાણી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ પોતાની કે પોતાની સરકારની ટીકા ભાગ્યે જ કોઈ રાજકારણી સહન કરી શકે છે. કોઈ જરાક ટીકા કરે કે શાસકોને મરચાં લાગી જાય છે ને પોતાની ટ્રોલ આર્મીને ધંધે લગાડીને ટીકા કરનારના માથે માછલાં ધોવાનો, તેનું ચારિત્ર્યહનન કરવાનો ગોરખધંધો પુરજોશમાં ચાલુ થઈ જાય છે. બિઝનેસવુમન કિરણ મઝુમદાર-શોએ બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દયનીય હાલતની ટીકા કરી એ સાથે જ આ ધંધો શરૂ થઈ ગયો છે.
એક તરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારથી માંડીને ગૃહ મંત્રી પરમેશ્વર સુધીના પ્રધાનો કિરણના માથે માછલાં ધોવા માટે કૂદી પડ્યા છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસની ટ્રોલ આર્મી પણ કામે લાગી ગઈ છે. કિરણ મઝુમદાર બેંગલુરુમાં જન્મ્યાં છે પણ તેમનાં માતા-પિતા ગુજરાતી હતાં એ વાતને પકડીને કિરણને ટ્રોલ કરાઈ રહ્યાં છે. કિરણ પર ભાજપનાં એજન્ટ હોવાનો ઠપ્પો લગાવવાની કોશિશ પણ થઈ રહી છે.
બેંગલુરુના રોડ-રસ્તા, ટ્રાફિક વગેરેની બદતર હાલતની ટીકા પહેલી વાર નથી થઈ રહી. સામાન્ય લોકોથી માંડીને આઈટી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા માંધાતાઓ સુધી ઘણાં તેની વારંવાર ટીકા કરી ચૂક્યાં છે.
કિરણ શો-મઝુમદાર અને ઈન્ફોસીસના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પાઈ આ ટીકામાં મોખરે છે તેથી બંને નજરે ચડેલાં જ હતાં ત્યાં ગયા અઠવાડિયે કિરણે એક વિદેશી કોર્પોરેટ અગ્રણીની કોમેન્ટ વિશે ટ્વિટ કરી તેમાં આ બબાલ ફરી શરૂ થઈ ગઈ.
આ કોર્પોરેટ અગ્રણીએ બેંગલુરુના ખરાબ રોડ-રસ્તા, સાવ ખાડે ગયેલા ટ્રાફિક મેનેજમેન્ટ અને કચરાના ઢગલાઓ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને એવો અભિપ્રાય આપેલો કે, બેંગલુરુની હાલત બદથી બદતર થતી જાય છે.
શિવકુમારને આ વાતથી મરચાં લાગી ગયાં કેમ કે શિવકુમાર પાસે બેંગલૂરુના વિકાસનો હવાલો પણ છે. શિવકુમારે કોમેન્ટ કરી કે, કોઈ ટીકા કરે તેની સામે પોતાનો વાંધો નથી પણ આ ટીકાઓ વધારે પડતી થઈ રહી છે.
શિવકુમારે એવું ડહાપણ પણ ડહોળ્યું કે, કોઈએ પણ ખાલી ટીકા કરવાના બદલે હકારાત્મક વલણ બતાવીને સહિયારા પ્રયાસોમાં સાથ આપવો જોઈએ કેમ કે વિકાસ એકલા સરકારની જવાબદારી નથી પણ સામૂહિક જવાબદારી છે. શિવકુમારે અકળાઈને એમ પણ કહ્યું કે, કિરણને રોડ સામે વાંધો હોય તો તેમણે સારા રોડ બનાવવા જોઈએ.
શિવકુમારની વાત અત્યંત હાસ્યાસ્પદ છે કેમ કે વિકાસ સામૂહિક જવાબદારી છે પણ સંચાલન અને વહીવટ સામૂહિક જવાબદારી નથી. દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય કે નાનું ગામ હોય, લોકોની સુવિધાઓ જળવાય અને કોઈ પણ એકમનું સારી રીતે સંચાલન થાય એ માટે લોકો જનપ્રતિનિધિઓને ચૂંટે છે.
સરકારી તંત્ર પાસેથી સારું કામ લેવાની જવાબદારી આ જનપ્રતિનિધિઓની છે, લોકોની નથી. લોકો કરવેરા ચૂકવે તેમાંથી ભરાતી સરકારી તિજોરીમાંથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પગાર ચૂકવાય છે અને આખું તંત્ર ચાલે છે.
આ તંત્ર સારી રીતે કામ કરે છે કે નહીં એ જોવાની જવાબદારી જનપ્રતિનિધિઓની બનેલી સરકાર કે પંચાયતની હોય છે. આ જવાબદારી પ્રજાની નથી કે બીજા કોઈની નથી. એ જવાબદારી સરકાર કે પંચાયત સારી રીતે ના બજાવે તો તેની ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આ ટીકાને સહન કરતાં શાસકોએ શીખવું જોઈએ અને તેના આધારે વહીવટમાં સુધારો કરવાની તૈયારી પણ બતાવવી જોઈએ. શિવકુમારમાં એ ખેલદિલી નથી તેથી કિરણની ટીકાને હકારાત્મક રીતે લઈ શકતા નથી.
શિવકુમારે કિરણને રોડ બનાવવાની સલાહ આપી એ પણ બકવાસ છે. કિરણ મઝુમદાર કે બીજી કોઈ પણ કંપની કે વ્યક્તિનું કામ રોડ બનાવવાનું નથી. લોકો અને કંપનીઓ કરવેરા ચૂકવે જ છે ને તેમાંથી રોડ બનાવવા જોઈએ ને સારી સવલતો આપવી જોઈએ. શાસકો એ સવલતો આપી ન શકે ત્યારે શિવકુમાર જેવી વાહિયાત વાતો કરે છે.
શિવકુમારે કિરણને પોતાનાં મૂળિયાં યાદ રાખવાની સુફિયાણી સલાહ પણ આપી છે. શિવકુમારનું કહેવું છે કે, કિરણ સહિતનાં જે લોકોએ અહીં બિઝનેસ શરૂ કર્યા ત્યારે કેવા સંજોગોમાં બિઝનેસ શરૂ કર્યા હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે એ વાત ભૂલી ગયા છે. આ લોકો મોટા થયા કેમ કે સરકારે તેમને સવલતો આપી પણ હવે બધું ભૂલીને ટ્વિટ કરીને એ લોકો ટીકા કરી રહ્યા છે. શિવકુમારે ડાયલોગ પણ ફટકાર્યો છે કે, તમે તમારાં મૂળિયાં ભૂલી જાઓ તો તમને ફળ નહીં મળે.
બેંગલુરુમાં આઈટી સહિતની ઈન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો એ સાચું છે. આ વિકાસમાં શાસકોના યોગદાનને ના નકારી શકાય પણ તેના કારણે સરકારને પણ ફાયદો થયો જ છે. આઈટી કંપનીઓના કારણે બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ટેક્સ મળે છે, લાખો લોકોને રોજગારી મળે છે, રાજ્ય સરકારને પણ તોતિંગ આવક થાય છે, અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ દેશમાં ઠલવાય છે ને તેનો લાભ રાજકારણીઓને મળે જ છે. તેના બદલામાં બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારું રાખવું એ તેમની ફરજ છે.
આ ફરજ સારી રીતે ના બજાવી શક્યા એ માટે કોઈ તેમનો કાન આમળે એ સહન કરવાની તેમની તૈયારી હોવી જોઈએ. દૂઝણી ગાયની લાત પણ ખાવી પડે પણ અહીં ગાય ખાલી ભાંભરે તેમાં તો શિવકુમાર સહિતના કૉંગ્રેસીઓ ઊભા થઈ ગયા છે. વાસ્તવમાં કિરણે કરેલી ટીકા માટે તેમણે શરમ અનુભવવી જોઈએ. કોઈ શહેર કચરાનો ઢગ બની જાય કે સરખું ટ્રાફિક મેનેજમેન્ટ ના કરી શકો એ સુધારી શકાય એવી નિષ્ફળતાઓ છે. શિવકુમાર સહિતના નેતાઓ એ કરવાના બદલે કિરણને સલાહો આપે છે, ટીકા કરે છે એ આઘાતજનક કહેવાય.
શિવકુમાર સહિતના કૉંગ્રેસી છીંડે ચડેલા ચોર છે પણ આ હાલત બધે જ છે. કિરણે બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી પણ ભારતમાં મોટા ભાગનાં મોટાં શહેરોની હાલત બેંગલુરુ જેવી છે અને મોટા ભાગના શાસકોની માનસિકતા પણ શિવકુમાર જેવી જ છે. મુંબઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ સહિતનાં શહેરોમાં થોડોક વરસાદ પડે ત્યાં શું હાલત થઈ જાય છે એ આપણે જોઈએ જ છીએ. ખરા રસ્તા, કચરાના ખડકલા, કલાકો લગી અટવાઈ જાઓ એવો ટ્રાફિક જામ વગેરે દરેક શહેરમાં સામાન્ય વાત છે પણ તેમાં સુધારો થતો જ નથી. બલ્કે હાલત ખરાબ થતી જાય છે ને કોઈ તેને ગંભીરતાથી લેવા તૈયાર જ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પાકિસ્તાનનો ધામા નાખીને પડેલા અફઘાનોથી છુટકારો શક્ય જ નથી