એકસ્ટ્રા અફેરઃ આપણે આતંકવાદી નેટવર્ક્સને કેમ સાફ નથી કરી શકતા?

ભરત ભારદ્વાજ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટને ત્રણ દિવસ થઈ ગયા અને ત્રણ દિવસ પછી પણ આ બ્લાસ્ટ કોણે કરાવ્યો એ વિશે આપણે અંધારામાં જ ફાંફાં મારી રહ્યા છીએ. અત્યાર લગી એવું થતું કે, ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલો થાય કે તરત પાકિસ્તાનમાં રહીને કામ કરતાં આતંકવાદ સંગઠનોમાંથી કોઈ તેની જવાબદારી લઈને ડંફાશ મારવા કૂદી પડતું. આ વખતે કોઈ જવાબદારી લેવા જ આગળ આવ્યું નથી ને આપણી એજન્સીઓ અચાનક થયેલા હુમલાના મૂળ સુધી પહોંચી શકી નથી તેથી દિલ્હી બ્લાસ્ટ રહસ્યમય બનતો જાય છે.
પાકિસ્તાનમાં રહીને કામ કરતાં આતંકવાદી સંગઠનો જવાબદારી લે તેના કારણે ભારતને પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું બહાનું મળી જાય એ કારણ હોય કે બીજું કોઈ કારણ હોય પણ આતંકવાદી સંગઠનો સાવ ચૂપ છે. પહલગામ હુમલાને પગલે ભારતે આતંકવાદી સંગઠનોના અડ્ડાઓ પર પાકિસ્તાનમાં ઘૂસીને હુમલા કર્યા હતા. આ વખતે આ પ્રકારના હુમલા રોકવા માટે પાકિસ્તાનના ઈશારે આતંકી સંગઠનોએ ચૂપકીદી અપનાવી હોય એ શક્ય છે પણ આ ચૂપકીદીના કારણે આપણી એજન્સીઓ પણ ગૂંચવાઈ ગઈ છે.
બ્લાસ્ટ થઈ એ કાર જમ્મુ અને કાશ્મીરનો ડો. ઉમર ચલાવતો હતો એવું આપણી એજન્સીઓએ કહ્યું છે. હુમલાના એક દિવસ પહેલાં ફરીદાબાદમાંથી પકડાયેલા 2900 કિલો વિસ્ફોટકો સાથે સંકળાયેલા ડોક્ટરો સાથે ઉમરના છેડા અડતા હતા એવું પણ એજન્સીઓ કહે છે પણ પછી ડેડ એન્ડ આવી જાય છે.
આ ડોક્ટરોનો હેન્ડલર ફલાણો હતો ને ફલાણા સંગઠન સાથે એ લોકો સંપર્કમાં હતા એવી વાતો મીડિયામાં છપાઈ રહી છે પણ સત્તાવાર રીતે આ વાતોને સમર્થન નથી અપાઈ રહ્યું. ભારત સરકારે પણ સત્તાવાર રીતે આ હુમલા પાછળ કોનો હાથ છે તેની વિગતો આપી નથી. તેના કારણે આ હુમલો બ્લાસ્ટના ત્રણ દિવસ પછી પણ સત્તાવાર રીતે આતંકવાદી હુમલો છે કે નહીં એ પણ સ્પષ્ટ નથી.
મીડિયામાં આવી રહેલી વાતો પ્રમાણે, આ બ્લાસ્ટ પાછળ જૈશ-એ-મોહંમદ (જેઇએમ) ના એક નવા વાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલનો હાથ છે. આ મોડ્યુલમાં પાકિસ્તાની હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા એવા ડોકટરો, પ્રોફેસરો અને મહિલા સભ્યો સામેલ હતી એવું મીડિયા રિપોર્ટ કહે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ નેટવર્ક ડોક્ટરો અને શૈક્ષણિક સંસ્થાઓની આડમાં કામ કરતું હતું. હરિયાણાના ફરીદાબાદ, જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને ઉત્તર પ્રદેશના સહારનપુર સહિત અનેક વિસ્તારોમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા લોકો રહે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, 4 ઓક્ટોબરે સહારનપુરમાં એક લગ્નમાં દિલ્હી બ્લાસ્ટનું કાવતરું ઘડાયું હતું. આ નેટવર્કે બીજું શું શું કર્યું તેની વિગતો પણ મીડિયા રિપોર્ટમાં આવી છે પણ આ બધી વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી. ભારતમાં બહુમતી મીડિયા પોતાની દુકાન ચલાવવા માટે નાની વાતોને પણ મીઠું મરચું ભભરાવીને મસાલેદાર બનાવીને વેચવા માટે પંકાયેલું છે તેથી મીડિયામાં છપાતા રિપોર્ટ્સ પર કેટલો ભરોસો કરવો એ મોટો સવાલ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસે નફરતનાં બી રોપ્યાં, અડવાણીની રથયાત્રાએ નહીં
મીડિયામાં આવતી વિગતો સાચી હોય પણ તેનાથી કશું હાંસલ થવાનું નથી કેમ કે આ બધી ભૂતકાળની છે. પાંચ ડોક્ટરોએ મળીને બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું ને એ કાવતરાને પાર પાડીને 13 લોકોને પતાવી દીધા એ સાથે એ કિસ્સો પૂરો થઈ ગયો પણ ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને એ વધારે મહત્ત્વનું છે. જે પાંચ ડોક્ટરો ઝડપાયા તેમની પાસેથી મળતી વિગતોના આધારે બીજા આતંકવાદીઓ સુધી પહોંચી શકાય અને વધારે તો આતંકવાદી નેટવર્કનો ખાતમો બોલાવી દેવાય એ વધારે મહત્ત્વનું છે. એ સિવાય આ બધી વાતોથી લોકોનું મનોરંજન કરવાથી વધારે બીજો કોઈ હેતુ સરવાનો નથી.
આતંકીઓનું ફલાણું મોડ્યુલ કામ કરે છે ને ઢીકણું મોડયુલ કામ કરે છે એવી વાતો કે બ્લાસ્ટના કાવતરા સાથે સંકળાયેલા ડોક્ટરો ક્યાં ભણ્યા, ક્યાં નોકરી કરતા હતા ને નોકરીમાં કેવા હતા એ બધી વાતોથી નથી જનરલ નોલેજ વધવાનું કે નથી ભવિષ્યના હુમલા રોકી શકાવાના તેથી આપણા માટે આખું નેટવર્ક ઉઘાડું પડે એ વધારે મહત્ત્વનું છે.
અત્યાર સુધીનો આપણો અનુભવ કહે છે કે, આપણે આતંકી નેટવર્ક્સને ઉઘાડાં પાડીને તેમનો સંપૂર્ણ ખાતમો કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છીએ. પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકીઓ લગભગ ત્રણેક દાયકાથી ભારતમાં આતંકવાદી હુમલા કરે છે. 1990ના દાયકાની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરથી શરૂઆત થઈ પણ પછી આતંકવાદની આગમાં દેશના બીજા ભાગો પણ દાઝ્યા છે.
1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી ભારતમાં કોઈ મોટું શહેર એવું બચ્યું નથી કે જ્યાં ભીષણ આતંકવાદી હુમલો ના થયો હોય. મુંબઈ, દિલ્હી કોલકાત્તા, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ, કોચી, બેંગલુરુ સહિતનાં દેશનાં લગભગ તમામ શહેરોમાં મોટા આતંકવાદી હુમલા થયા છે. આ દરેક આતંકવાદી હુમલાને પગલે તપાસનો ધમધમાટ શરૂ થાય છે. તપાસ એજન્સીઓ ધંધે લાગે છે અને ક્યા મોડ્યુલનો હાથ હતો ને હુમલા પાછળ કોનો હાથ હતો તેની વિગતો બહાર આવે છે પણ આખું નેટવર્ક કદી ખતમ થતું નથી.
આતંકવાદને નાથવામાં આપણી સૌથી મોટી નિષ્ફળતા તો આતંકવાદી સામગ્રીના સપ્લાયને રોકવાની છે. ઘણા આતંકવાદી હુમલામાં આરડીએક્સ સહિતનાં વિસ્ફોટકો વપરાય છે ને ઘણામાં દેશી રીતે બનાવેલા બોમ્બ વપરાય છે. આરડીએક્સ પાકિસ્તાન સહિતના દેશોમાંથી આવે છે પણ આપણે તેને ભારતમાં ઘૂસતાં રોકી શકતાં નથી. દેશી બોમ્બ માટેનો સામાન તો અહીંથી જ ભેગો કરાય છે ને એ પણ આપણે નથી રોકી શકતાં.
આતંકવાદી હુમલા માટે વપરાતાં વિસ્ફોટકો કંઈ શાકમાર્કેટમાં નથી મળતાં હોતાં કે થેલી લઈને નીકળો ને લઈ આવો. કેમિકલ્સ ને બીજી ખતરનાક ચીજો લાઈસંસ વિના ના ખરીદી શકાય ને છતાં આતંકીઓને એ બધું બેરોકટોક મળી જાય છે. તેનું કારણ આપણે ત્યાં વ્યાપેલો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર માત્ર તંત્રમાં છે એવું નથી પણ લોકો પણ ભ્રષ્ટ છે તેથી આતંકીઓને મોકળું મેદાન મળી ગયું છે.
હમણાં ફરીદાબાદમાં પકડાયેલા ડોક્ટરો પાસેથી એમોનિયમ નાઈટ્રેટ સહિતનાં 2900 કિલો વિસ્ફોટકો પકડાયાં. આ વિસ્ફોટકો ડોક્ટરોએ કટકે કટકે બે વર્ષમાં ખરીદેલાં એવું કહેવાય છે. બે વર્ષ લગી મોતના સામાનની આ ખરીદી ચાલતી હતી ને આપણી પોલીસ કે તંત્રને ખબર જ ના પડે એ કેવું ? હવે જે તંત્ર પાસે આવી માહિતી મળે એવી વ્યવસ્થા ના હોય એ કઈ રીતે આતંકવાદને રોકી શકે?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ દિલ્હીમાં બ્લાસ્ટ, હવે આતંકવાદનો કાયમી ઉપાય જરૂરી

