એકસ્ટ્રા અફેરઃ ગાઝાના યુદ્ધવિરામથી પાકિસ્તાનીઓ કેમ ખુશ નથી? | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ગાઝાના યુદ્ધવિરામથી પાકિસ્તાનીઓ કેમ ખુશ નથી?

ભરત ભારદ્વાજ

અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે સાથે ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે.

આ યુદ્ધવિરામના પગલે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનમાં જશ્નનો માહોલ છે કેમ કે લગભગ બે વર્ષ પછી બંને દેશનાં લોકોએ કોઈ બોમ્બમારો કે હુમલો ના થયો હોય એવો દિવસ જોયો છે. હમાસે ઓક્ટોબર 2023માં ઈઝરાયલમાં ઘૂસીને 1500ની હત્યા કરી નાખી અને લગભગ 250 ઈઝરાયલીઓને બંદી બનાવ્યા પછી ઈઝરાયલે વળતો પ્રહાર કરીને ગાઝા પટ્ટી પર આક્રમણ કરી નાખેલું. ઈઝરાયલે બે વર્ષ સુધી સતત બોમ્બમારો કરીને ગાઝા પટ્ટીને ખેદાનમેદાન કરી નાખ્યું છે.

પેલેસ્ટાઈનમાં ગાઝા પટ્ટી પર હમાસનો કબજો છે જ્યારે વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ)ની સરકાર છે. યુદ્ધવિરામના કારણે બંને વિસ્તારોમાં જશ્ન છે કેમ કે ઈઝરાયલે ભલે હમાસને ખતમ કરવા ગાઝા પટ્ટીને ટાર્ગેટ કરેલું પણ લીલા ભેગું સૂકું બળે એમ વેસ્ટ બેંકને પણ અસર થઈ હતી. ઈઝરાયલ વેસ્ટ બેંકને પણ ધમરોળી નાખશે એ ડરે વેસ્ટ બેંકમાં પણ લોકો ભાગવા માંડેલા તેથી વેસ્ટ બેંકમાં પણ ફફડાટનો માહોલ તો જ. હવે ઈઝરાયલે યુદ્ધવિરામ સ્વીકારીને બોમ્બમારો બંધ કરી દીધો તેથી સૌને શાંતિ છે.

મોટા ભાગના ઈઝરાયલવાસીઓ પણ ખુશ છે કેમ કે છેલ્લાં બે વર્ષથી હમાસની કેદમાં સબડી રહેલા તેમનાં સ્વજનો મુક્ત થયાં છે. ઘણા ઈઝરાયલીઓનાં સ્વજનો હમાસની કેદમાં જ ગુજરી ગયા તેથી સ્વાભાવિક રીતે જ એ લોકોને યુદ્ધવિરામથી બહુ આનંદ ના થાય પણ મોટા ભાગના ઈઝરાયલીઓ ખુશ છે. યુદ્ધવિરામના કારણે હવે હમાસ કે તેના પીઠ્ઠુઓ હુમલા નહીં કરે તેથી ઈઝરાયલમાં પણ શાંતિ રહેશે.

આ યુદ્ધવિરામથી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પણ ખુશ છે કેમ કે ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યો એવું ઈઝરાયલે સત્તાવાર સ્વીકારીને તેમનો આભાર માન્યો છે. ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું ત્યાંથી માંડીને અસ્તિત્વમાં જ નહોતું એવું અલબાનિયા અને અઝરબૈઝાનનું યુદ્ધ પોતે અટકાવ્યું હોવા સુધીનું ગપ્પાંષ્ટક ચલાવેલું.

પોતે દુનિયામાં 8 યુદ્ધ અટકાવ્યાં હોવાનો દાવો કરીને ટ્રમ્પે શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ પણ માગેલું. ટ્રમ્પ નોબલ પીસ પ્રાઈઝ માટે રીતસર ભીખ માગવા પર ઊતરી આવેલા પણ પ્રાઈઝ આપનારી નોર્વેની કમિટીને ગળે ટ્રમ્પનું ગપ્પું ના ઊતર્યું તેમાં ટ્રમ્પ લટકી ગયા.

ઈઝરાયલ-હમાસના કેસમાં ઈઝરાયલની સંસદે ટ્રમ્પને નોતરીને આભાર માન્યો છે. ટ્રમ્પને ઈઝરાયલની સંસદને સંબોધવાની તક આપી અને ટ્રમ્પને 2026માં નોબલ પીસ પ્રાઈઝ આપવાની ભલામણ પણ કરી. આ સંબોધનમાં ટ્રમ્પે 8 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યાં હોવાનો દાવો કરી નાખ્યો ને આડકતરી રીતે આવતા વરસના નોબલ પીસ પ્રાઈઝ માટે પણ દાવેદારી કરી નાખી.

ટ્રમ્પને 2026માં નોબલ પીસ પ્રાઈઝ મળશે કે નહીં એ ખબર નથી પણ આ ઘટનાક્રમથી ટ્રમ્પ ખુશ છે કેમ કે નોબલ પીસ પ્રાઈઝ ના મળે તો પણ ગાઝા પટ્ટીમાં રિસોર્ટ બનાવવાનું ટ્રમ્પનું સપનું પૂરું કરવા આડેનો સૌથી મોટો અવરોધ દૂર થયો છે.

ટ્રમ્પ ગાઝા પટ્ટીનાં લોકોને ખસેડીને ત્યાં મસ્ત મજાન રિસોર્ટ બનાવવા માગે છે. દરિયાકિનારે આવેલા આ રિસોર્ટમાં દુનિયાભરનાં માલેતુજારોને નોતરીને ડૉલરના થોકડા છાપવાની ટ્રમ્પની યોજના છે પણ ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ તેમાં મોટું વિઘ્ન હતું.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ દિવાળીમાં ગ્રીન ફટાકડા, હિંદુઓની ઉજવણીમાં જ પાબંદી કેમ?

ટ્રમ્પની યોજના ગાઝાવાસીઓને બીજે ઠેકાણે ખસેડીને આખો વિસ્તાર કબજે કરીને નવું જ બાંધકામ ઊભું કરવાની છે. યુદ્ધ ચાલુ રહે ને શાંતિ ના સ્થપાય ત્યાં સુધી કશું ના થઈ શકે તેથી ટ્રમ્પનું પ્રમુખપદે બેઠા ત્યારથી યુદ્ધવિરામ કરાવવા ઊંચાનીચા થતા હતા પણ હમાસ મચક નહોતું આપતું તેથી ટ્રમ્પની આખી સ્કીમ ખોરંભે ચડી ગયેલી. હવે ટ્રમ્પ આ સ્કીમને આગળ ધપાવી શકશે.

એકંદરે હમાસ અને ઈઝરાયલના યુદ્ધવિરામને કારણે લોકો ખુશ છે ને બધાં ઉજવણી કરી રહ્યા છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનમાં હોળી સળગી છે. પાકિસ્તાનની સરકારે યુદ્ધ વિરામને ટેકો આપ્યો તેમાં પાકિસ્તાનના તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન ટીએલપી નામના રાજકીય પક્ષને વાંધો પડી ગયો.

આ પક્ષે યુદ્ધ વિરામનો વિરોધ કરીને ઠેર ઠેર વિરોધ કર્યો ને દેખાવોને રોકવા માટે પોલીસે ધોકાવાળી કરી તેમાં ભારે બબાલ થઈ ગઈ છે. તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનનો તો દાવો છે કે, પોલીસ ફાયરિંગમાં તેમના 250થી વધુ કાર્યકરો અને નેતાઓ માર્યા ગયા છે, જ્યારે અને 1,500થી વધુ ઘાયલ થયા છે.

તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના નેતા સાદ હુસૈન રિઝવીને પણ પોલીસે ઉડાવી દીધા હોવાનું કહેવાય છે. સાદ ગાઝાના સમર્થનમાં અને ઇઝરાયલ વિરોધી અભિયાનના ભાગરૂપે લાહોરથી ઇસ્લામાબાદ લાંબી રેલી કાઢવાના હતા પણ પોલીસ રેલી નીકળે એ પહેલાં જ રિઝવીને ઉઠાવવા તેમના ઘરે પહોંચી ગઈ તેમાં પોલીસની ગોળી વાગી જતાં રિઝવી ઉપર પહોંચી ગયાનું કહેવાય છે.

રિઝવીની પાર્ટીએ સ્વીકાર્યું છે કે, રિઝવીને પણ ત્રણ ગોળીઓ વાગી હતી. તેમને નજીકના મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સાદ કટ્ટરવાદી નેતા છે તેથી એ જીવે કે મરે આપણને કોઈ ફરક પડતો નથી પણ પાકિસ્તાનની સરકાર પોતાનાં જ લોકો પર કેમ તૂટી પડી એ સમજવા જેવું છે. પાકિસ્તાન પાછું અમેરિકાનું લાડકું બનવા માટે ફાંફાં મારી રહ્યું છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામ અમેરિકાએ કરાવ્યો છે તેથી ટ્રમ્પને વહાલા થવા શાહબાઝ શરીફે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના કાર્યકરોને ઠેકાણે પાડવા માંડ્યા છે.

શાહબાઝ શરીફની સરકાર જે કરી રહી છે એ અત્યાચાર છે પણ તેનો અફસોસ કરવા જેવો નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના કારણે બધાંને શાંતિ છે પણ રિઝવી જેવા નમૂનાઓને પેટમાં દુ:ખ્યું છે કેમ કે તેમની માનસિકતા હળાહળ ઈઝરાયલ વિરોધી છે. ઈઝરાયલ સામેના યુદ્ધમાં ગાઝાવાસીઓનો ખુરદો બોલી ગયો છતાં રિઝવી જેવા નમૂના ઈઝરાયલ સામે લડવાની પિપૂડી વગાડ્યા કરે છે. ગાઝાવાસીઓની ચિંતા કર્યા વિના તેમને લડવાના સણકા છે એ જોતાં આ નમૂના શાહબાઝના ડોઝને જ લાયક છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિવાદ આઈપીએસનો ભોગ લે તેનાથી શરમજનક બીજું શું હોય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button