એકસ્ટ્રા અફેરઃ દિવાળીમાં ગ્રીન ફટાકડા, હિંદુઓની ઉજવણીમાં જ પાબંદી કેમ? | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ દિવાળીમાં ગ્રીન ફટાકડા, હિંદુઓની ઉજવણીમાં જ પાબંદી કેમ?

ભરત ભારદ્વાજ

આપણે ત્યાં દિવાળી આવે એ સાથે જ ફટાકડાની મોંકાણ મંડાય છે. દિવાળી હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને વરસોથી હિંદુઓ દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરે છે. આ પરંપરા દાયકાઓ પહેલાં શરૂ થયેલી કે સદીઓ પહેલાં શરૂ થયેલી એ સ્પષ્ટ નથી પણ દિવાળીના તહેવાર સાથે ફટાકડા અભિન્ન રીતે જોડાઈ ગયા છે પણ છલ્લાં કેટલાંક વરસોથી ફટાકડાને દિવાળીથી અલગ કરવાના ઉધામા થયા કરે છે.

ફટાકડાના કારણે પ્રદૂષણ ફેલાય છે, પર્યાવરણને નુકસાન થાય છે એવી વાતો કરીને દિવાળી ટાણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જ આવી જાય તેની મથામણ ચાલ્યા કરે છે. આ મથામણની અસર બીજે બધે બહુ નથી થઈ પણ દેશની રાજધાની દિલ્હીમાં ચોક્કસ થઈ છે. સુપ્રીમ કોર્ટે બહુ પહેલાં જ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

આ વરસે એપ્રિલમાં આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી કેપિટલ રીજિયન (એનસીઆર) એટલે કે દિલ્હી સરકારના તાબા હેઠળના વિસ્તારોમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. તેના કારણે ફટાકડા ઉત્પાદકોની હાલત બગડી ગયેલી કેમ કે દિલ્હીમાં ફટાકડા બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પાયે ચાલે છે. તેમની રજૂઆતના પગલે સુપ્રીમ કોર્ટે એનસીઆરના ફટાકડા ઉત્પાદકોને ગ્રીન ક્રેકર્સ એટલે કે પર્યાવરણને નુકસાન ના કરે એવા ફટાકડા બનાવવા મંજૂરી આપી પણ આ ફટાકડા એનસીઆરમાં નહીં વેચી શકાય એવી સ્પષ્ટ તાકીદ પણ કરેલી.

સુપ્રીમ કોર્ટના ફરમાનનો અમલ થઈ રહ્યો છે તેથી દિલ્હીમાં અત્યારે દિવાળીની ધામધૂમ નથી. ફટાકડાના ધડાકાભડાકા વિનાની લુખ્ખી લુખ્ખી દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. તેના કારણે લોકો પણ દુ:ખી છે અને વેપારીઓ પણ દુ:ખી છે. લોકોના દુ:ખની તો રાજકારણીઓને પડી નથી હોતી પણ વેપારીઓ દુ:ખી થાય એ નેતાઓને પરવડતું નથી કેમ કે વેપારીઓ તેમના માઈ-બાપ છે. તેમના પૈસે જ નેતાઓ ચૂંટણી લડે છે, ઘર ચલાવે છે ને બધા જ પ્રકારના તાગડધિન્ના કરે છે તેથી વેપારીઓનું દુ:ખ દૂર કરવા દિલ્હીની રેખા ગુપ્તાની ભાજપ સરકારે કમર કસી છે.

ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે, દિલ્હીમાં દિવાળીના તહેવારોમાં ગ્રીન ફટાકડાના ઉપયોગની મંજૂરી અપાય કે જેથી લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હિંદુઓની લાગણીની ને એવી બધી લાંબીલચ્ચક વાર્તા સુપ્રીમ કોર્ટમાં અરજ પહેલાંની જાહેરાતમાં કરેલી. આ વાર્તાનો સાર એ છે કે, ભાજપને હિંદુઓની લાગણીની ચિંતા છે તેથી ગ્રીન ફટાકડાની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીશું.

દિલ્હી સરકારની રજૂઆત સામે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે એ જોવાનું રહે છે પણ આ રજૂઆતે હિંદુઓ આ દેશમાં કોઈ હામી નથી એ ફરી સ્પષ્ટ કર્યું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર હતી ત્યારે ફટાકડા પર પ્રતિબંધને મામલે ભાજપના નેતા કકળાટ કરતા હતા. હિંદુઓની ઉજવણીઓમા જ જાત જાતની પાબંદીઓ કેમ લગાવાય છે એવા સવાલ ભાજપના જ નેતા કરતા હતા.

હવે દિલ્હીમાં ભાજપની સરકાર છે ત્યારે ભાજપના નેતાઓની બોલતી બંધ છે. ભાજપ સરકાર ગ્રીન ફટાકડા ફોડવા દેવાની મંજૂરી માગવા માટે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે ત્યારે ભાજપનો એક નેતા એવો સવાલ કરી નથી રહ્યો કે, હિંદુઓએ જ કેમ પોતાના તહેવારોની ઉજવણીમાં નિયંત્રણ રાખવાનાં ? સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લેવો હોય એ લે પણ ભાજપ સરકાર ફટાકડા પરનો પ્રતિબંધ યોગ્ય નથી એવી રજૂઆત તો કરી જ શકે.

ભાજપની સરકાર એવી રજૂઆત કરવા પણ તૈયાર નથી એ જોઈને આઘાત લાગે છે. તેના બદલે ગ્રીન ફટાકડાના નવા ધૂપ્પલને રેખા ગુપ્તા સરકાર પોષી રહી છે. ગ્રીન ફટાકડા મોંઘા હોય છે અને સામાન્ય લોકોને પરવડે એવા નથી હોતા તેથી ગ્રીન ફટાકડાને મંજૂરી મળે તો પણ બહુમતી હિંદુઓ તો ઉજવણીથી વંચિત રહે પણ ભાજપ સરકારને તેની ચિંતા નથી. ભાજપ ગ્રીન ફટાકડાને મંજૂરી અપાવવા માગે છે કે જેથી વેપારીઓનો ધંધો ચાલે. ભાજપનું હિંદુત્વ અને હિંદુઓનાં હિતોની વાતો બધું સગવડિયું છે તેનો આ વધુ એક પુરાવો છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સનાતન ધર્મના અપમાનના નામે થતાં ધતિંગો ન પોષાય…

ખેર, ભાજપનું સગવડિયું હિંદુત્વ અલગ મુદ્દો છે, મૂળ મુદ્દો તો હિંદુઓએ જ શા માટે ઉજવણીમાં સંયમ રાખવો તેનો છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર છે તેનો ઈનકાર કરી શકાય તેમ નથી પણ આ પ્રદૂષણ માત્ર ફટાકડાના કારણે જ નથી ફેલાતું એ પણ હકીકત છે. દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવામાં આવે તેના કારણે પ્રદૂષણના સ્તરમાં બહુ વધારો થઈ જાય છે અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે એવું ચિત્ર મીડિયાના એક વર્ગ અને કેટલીક સંસ્થાઓ દ્વારા ઊભું કરાય છે. તેના દ્વારા ફટાકડા જ સૌથી મોટો ખતરો છે એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરાય છે પણ આ વાત ખોટી છે.

દિલ્હીમાં પ્રદૂષણ બારમાસી સમસ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણ માટે સતત થતાં બાંધકામ, વાહનોનો ધુમાડો અને ઔદ્યોગિક ઉત્પાદનથી પેદા થતો ધુમાડો સૌથી વધારે જવાબદાર છે. ફટાકટા ફોડવા કે પરાળી બાળવા જેવી પ્રવૃત્તિઓનું યોગદાન તો છેલ્લે આવે છે. આ પ્રવૃત્તિઓના કારણે પેદા થતું પ્રદૂષણ થોડાક સમય પૂરતું હોય છે પણ બીજી પ્રવૃત્તિઓના કારણે પેદા થતું પ્રદૂષણ તો બારમાસી ઘટના છે.

દિલ્હીમાં ધૂમ બાંધકામો થાય છે ને બિલ્ડિંગ બાંધવા પાયો ખોદાય તેના કારણે ઉડતી ધૂળથી સૌથી વધારે પ્રદૂષણ ફેલાય છે. કાર સહિતનાં વાહનોના ધુમાડાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. ઉદ્યોગો તથા લોકોના વપરાશ માટે વીજળી પેદા કરવા માટે કોલસો વપરાય છે તેના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે અને એસી-હીટર વાપરવાના કારણે પણ પ્રદૂષણ વધે છે. બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ છે જ કે જેના કારણે પ્રદૂષણ ફેલાયા જ કરે છે.

આ બધું બારે મહિના ચાલે છે ને તેના કારણે પ્રદૂષણ વધ્યા જ કરે છે પણ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ચૂપ રહે છે કેમ કે આ બધુ બંધ કરાવે તો ધનિકોને અસર થાય. ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકો તો સામાન્ય લોકોને અસર થાય ને એ લોકો કશું બોલવાના નથી. બહુ બહુ તો સોશ્યલ મીડિયા પર બે પોસ્ટ લખીને ઉભરો ઠાલવી દેશે ને પછી બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જશે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી ખનિજો પૂરતી મર્યાદિત નથી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button