એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાનના પીઠ્ઠુ મલિકની વાતનો કોણ ભરોસો કરે? | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાનના પીઠ્ઠુ મલિકની વાતનો કોણ ભરોસો કરે?

ભરત ભારદ્વાજ

હાલમાં જેલની હવા ખાઈ રહેલા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી યાસીન મલિકે દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યેો છે કે, પોતે પાકિસ્તાનમાં હાફીઝ સઈદ સહિતના આતંકવાદીઓને મળ્યો એ માટે એ વખતના વડા પ્રધાન ડો. મનમોહન સિંહે પોતાનો આભાર માન્યો હતો. આતંકવાદીઓને ફંડના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મલિકનું આ સોગંદનામું આમ તો બહુ જૂનું છે ને 25 એપ્રિલે કોર્ટમાં દાખલ કરાયેલું પણ રહસ્યમય રીતે અત્યારે જ મીડિયામાં ફરતું થઈ ગયું છે.

મલિકે તેના સોગંદનામામાં અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી, પી. ચિદમ્બરમ, આઈ.કે. ગુજરાલ અને રાજેશ પાઇલટ સાથેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો છે પણ ડો. મનમોહનસિંહ સાથેની મુલાકાતની જ વાતને મીડિયામાં રજૂ કરાઈ છે. તેના કારણે એક તરફ સોશ્યલ મીડિયા પર ડો. મનમોહન સિંહ અને કૉંગ્રેસને ગાળો પડી રહી છે તો બીજી તરફ તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની મથામણ પણ ચાલુ થઈ ગઈ છે.

મલિકના સોગંદનામામાં કરાયેલા દાવા પ્રમાણે, ડો. મનમોહન સિંહ સરકારે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવા માટે પાછલા બારણે વાટાઘાટો શરૂ કરી તેના ભાગરૂપે ઈન્ટેલિજન્સ બ્ચુરોના સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશી સહિતના ટોચના ઈન્ટેલિજન્સ ઓફિસરે તેને પાકિસ્તાન મોકલ્યો હતો. મલિકના દાવા પ્રમાણે, 2005ના કાશ્મીર ભૂકંપ પછી મલિક પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જોશી તેને દિલ્હીમાં મળ્યા હતા.

જોશીએ મલિકને પાકિસ્તાન યાત્રાનો ઉપયોગ પાકિસ્તાનના શાસકો તેમજ આતંકવાદીઓનો સંપર્ક સાધવા માટે કરવા કહ્યું હતું કે જેથી વડા પ્રધાન ડો. મનમોહન સિંહના શાંતિના પ્રયાસોને વેગ મળે. મલિકનો દાવો છે કે, જોશી સહિતના અધિકારીઓ દ્વારા તેને સાફ શબ્દોમાં કહેવાયેલું કે, આતંકવાદીઓને વાતચીતમાં સામેલ નહીં કરાય ત્યાં સુધી પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં કંઈ પરિણામ આવશે નહીં તેથી પોતે સઈદ અને અન્ય આતંકીઓને મળવા સંમત થયો હતો. સઈદે આતંકી જૂથોની બેઠક બોલાવી હતી ને તેમાં ચર્ચાઓ થઈ હતી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારત-પાકિસ્તાન મેચના વિરોધમાં લોકો રસ્તા પર કેમ ના ઉતર્યાં?

મલિકના દાવા પ્રમાણે, આઈબી સાથે વાત કર્યા પછી, તેને સીધું વડા પ્રધાનને રિપોર્ટિંગ કરવા કહેવાયું હોવાથી મલિક પાકિસ્તાનથી દિલ્હી પાછો ફર્યો ત્યારે જોશી તેને હોટલમાં મળ્યા હતા અને ડો. મનમોહન સિંહની મુલાકાતનો તખ્તો તૈયાર કર્યો હતો. મલિક સાંજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન.કે. નારાયણનની હાજરીમાં ડો. મનમોહનસિંહને મળ્યો પછી પાકિસ્તાનની મુલાકાત અને ચર્ચાથી માહિતગાર કર્યા ત્યારે મનમોહન સિંહે મલિકનો આભાર માન્યો હતો.

ભાજપે આ મુદ્દે બહુ હોહા કરી નથી પણ સોશિયલ મીડિયા પર કૉંગ્રેસને નિશાન બનાવાઈ રહી છે. ભાજપના અમિત માલવિયે સોશ્યલ મીડિયા પોસ્ટમાં મલિકના દાવાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, મલિકના આ નવા દાવા સાચા હોય તો રાષ્ટ્રીય સુરક્ષા અને બેક-ચેનલ રાજદ્વારી પનક્રિયા મુદ્દે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ભાજપની વાત સાચી છે પણ મૂળ મુદ્દો એ છે કે, યાસિન મલિકની વાત સાચી માની શકાય ખરી ? બિલકુલ ના માની શકાય કેમ કે યાસિન મલિક છાપેલું કાટલું છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે તેને આજીવન કેદની સજા થઈ છે તેથી તિહાર જેલમાં તળિયાં તપાવી રહ્યો છે. મલિકે તો પોતાની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાનો પણ ઈન્કાર કર્યો છે તો તેની એ વાત પણ સાચી માનીશું ? મલિક તો પોતે વરસોથી આતંકવાદ છોડીને ગાંધીવાદી થઈ ગયો હોવાનો દાવો કર્યા કરે છે અને પાકિસ્તાન સાથે કંઈ લેવાદેવા નથી એવી વાતો પણ કર્યા કરે છે. મલિક લોકોને બતાવવા આતંકવાદ છોડી દીધાનો દેખાડો કર્યો પણ અંદરખાને એ હજુય આતંકવાદી જ છે.

મલિકની એ વાતો નથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સાચી માની કે નથી આ દેશની અદાલતે સાચી માની તો પછી ડો. મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને કરેલી એક જ વાતને સાચી માની લેવાની ? બિલકુલ સાચી ના મનાય અને તેને મહત્ત્વ પણ ના અપાય. ભાજપે આ વાત સમજીને આ મુદ્દાને અહીં જ છોડી દેવો જોઈએ. મલિકે કરેલી એફિડેવિટ મુદ્દે શું કરવું તેનો નિર્ણય અદાલત પર છોડવો જોઈએ.

મલિક એક જમાનામાં ખતરનાક આતંકવાદી હતો. અત્યારે ભલે જેલમાં હોય પણ યાસિન મલિક કાશ્મીરમાં લોહી વહેવડાવવાની શરૂઆત કરનારા જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો પ્રમુખ છે. કાશ્મીરને ભારતથી આઝાદ કરવા માટે સશસ્ત્ર લડાઈ કરવા સ્થપાયેલા કાશ્મીરમાં આતંકવાદીઓના આદર્શ મકબૂલ બટ્ટે સંખ્યાબંધ હત્યાઓ કરી જેકેએલએફને દેશવિદેશમાં જાણીતું કરી દીધું હતું. સૈયદ સલાહુદ્દીન અને મલિક એ જમાનામાં આતંકવદનો પર્યાય હતા.

મલિક બહુ નાની ઉંમરે એ આતંકના રવાડે ચડેલો ને ભાંગફોડ શરૂ કરી દીધેલી. મલિકે 1983માં 17 વર્ષની ઉંમરે શ્રીનગરમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે મેચમાં હુમલાની યોજના બનાવેલી પણ ફાવ્યો નહોતો તેથી જેલમાં ગયો. 1986માં બહાર આવીને મલિકે ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ પક્ષ બનાવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં 1987માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસનું જોડાણ હતું. એ વખતે આતંકવાદ ભડકવાની શરૂઆત થઈ ચૂકેલી. સૈયદ સલાહુદ્દીન તથા યાસિન મલિક તેના સૂત્રધાર હતા.

યાસિન મલિકે પોતે ભારતના બંધારણને નથી માનતો એવું જાહેર કરીને 1987માં કાશ્મીરની ચૂંટણી વખતે પોતાના ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા પણ સલાહુદ્દીનને મદદ કરેલી. મલિકે સલાહુદ્દીનને શ્રીનગરની તમામ બેઠકો જીતાડવાની જવાબદારી લીધેલી પણ સફળ ના થતાં તોફાન કરાવ્યાં તેથી જેલભેગો થયેલો. મલિક અને સલાહુદ્દીન બહાર આવ્યા ત્યારે કાશ્મીરમાં લશ્કર આતંકવાદીઓની લાશો પાડતું હતું તેથી બંને પાકિસ્તાન ભાગી ગયા.

યાસિન થોડા મહિના પછી ગૂપચૂપ પાછો કાશ્મીરમાં આવી ગયો. કાશ્મીરમાં તેણે જેકેએલએફના માધ્યમથી કાળો કેર વર્તાવવા માંડ્યો. યાસીન મલિકે કાશ્મીરમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા કરાવ્યા. મલિકે ઈન્ડિયન એરફોર્સના બેઝ પર હુમલો કરીને ચાર અધિકારીની હત્યા કરી હતી. આવા જ હુમલા દરમિયાન ઘાયલ થતાં લશ્કરે તેને ઝડપી લીધેલો.

1994 લગી તે જેલમાં હતો ત્યારે તેના મોટા ભાગના સાથીઓ લશ્કરની ગોળીઓ ખાઈને પતી ગયેલા કાં જેલની હવા ખાતા થઈ ગયેલા. મે 1994માં મલિક બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના કોઈ સાથી બચેલા નહીં તેથી તેણે એલાન કર્યું કે, કાશ્મીરની આઝાદી માટે હવે હિંસા નહીં કરીએ ને મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને અહિંસક લડત ચલાવીશું.

મલિક ત્યારથી અહિંસક લડતની વાતો કરીને લોકોને બેવકૂફ બનાવે છે પણ મોદી સરકારે તેની વાતોમાં આવ્યા વિના તેને ફિટ કરી દીધો છે તેથી બહાર આવવા હવાતિયાં મારે છે. તેના ભાગરૂપે તેણે આ નાટક કર્યાની શક્યતા છે પણ મોદી સરકાર તેની વાતોમાં નથી આવી એ સ્પષ્ટ છે કેમ કે મલિકની એફિડેવિટના છ મહિના પછી પણ સરકારે તેના તરફ કોઈ દયા બતાવી નથી. દેશનાં લોકો પણ એ જ નવણ અપનાવે અને મલિકને અવગણે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ મોદીનાં માતાનો વીડિયો હલકી માનસિકતાની નિશાની…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button