એકસ્ટ્રા અફેર: પહલગામના આતંકી પાકિસ્તાની નહોતા તેના પુરાવા ક્યાં છે?

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પગલે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચા પહેલાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કરેલા સવાલે કોંગ્રસની માનસિકતા ફરી એક વાર છતી કરી દીધી છે. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા એવું કઈ રીતે કહી શકાય?
ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચાના થોડા કલાકો પહેલાં જ ચિદમ્બરમે દાવો કર્યો કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જણાવવા તૈયાર નથી કે અત્યાર સુધીમાં તેમણે શું કર્યું છે. એનઆઈએ એ આતંકવાદીઓની ઓળખ કરી લીધી હોય કે પછી આતંકવાદી ક્યાંથી આવ્યા હતા તેની વિગતો જાહેર કરી નથી એ જોતાં આતંકવાદીઓ ભારતના જ હોય એ શક્ય છે. આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા એવું માની લેવું ભૂલભરેલું છે કેમ કે આતંકી પાકિસ્તાની હતા તેનો કોઈ પુરાવો નથી.
આ મામલે હોબાળો થયો પછી ચિદમ્બરમે ટીપિકલ રાજકારણીની સ્ટાઈલમાં એમ કહીને હાથ ખંખેરી નાખ્યા કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. દરેક રાજકારણી આવી વાત કરતો હોય છે ને પોતાના કહેવાનો મતલબ આ નહોતો એવું કહીને છટકી જાય છે પણ શું મતલબ હતો એ કહેતો નથી. ચિદમ્બરમે પણ એ જ કર્યું છે અને તેમના કહેવાનો મતલબ શું છે એ કહ્યું નથી કેમ કે ચિદમ્બરમના કહેવાનો બીજો કોઈ મતલબ જ નહોતો.
ચિદમ્બરમે જે કહ્યું એ શબ્દશ: મીડિયામાં આવ્યું છે અને ચિદમ્બરમનું નિવેદન આઘાતજનક છે કેમ કે આડકતરી રીતે ચિદમ્બરમ પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને ક્લીન ચિટ આપી રહ્યા છે અને પહલગામના આતંકવાદી હુમલા માટે ભારતનાં જ લોકો જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એક રીતે ચિદમ્બરમ પહલગામ હુમલા અંગે મોદી સરકારે કરેલા દાવાઓને ખોટા ગણાવી રહ્યા છે અને મોઘમ રીતે એવું કહી રહ્યા છે કે, પહલગામ હુમલાનું કારસ્તાન મોદી સરકારનું જ ષડયંત્ર છે અને સરકાર હવે પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી રહી છે.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : માલદીવ્સના હૃદયપરિવર્તનનો યશ મોદીને જાય છે
પહલગામમાં હુમલો કરનારા આતંકવાદી હજુ સુધી ઝડપાયા નથી તેથી આતંકવાદીઓની ઓળખ છતી નથી થઈ એ વાત સાચી છે. આ સંજોગોમાં આતંકવાદીઓ પાકિસ્તાની ના હોય એવું બને પણ સવાલ આતંવાદીઓ ક્યા દેશના નાગરિક છે કે ક્યાં રહે છે એ મહત્ત્વનું નથી ને તેનાથી કોઈ ફરક પણ નથી પડતો. આ હુમલો કોણે કરાવ્યો એ મહત્ત્વનું છે. હુમલો કરનારા જમ્મુ અને કાશ્મીરના હોય તો ટેકનિકલી પાકિસ્તાની ના કહેવાય પણ પાકિસ્તાનના ઈશારે હુમલો કર્યો તેનો મતલબ આ હુમલો પાકિસ્તાને જ કરાવ્યો છે.
પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના યુવાઓને ગુમરાહ કરીને હાથમાં બંદૂકો પકડાવી રહી છે, આતંકવાદના રવાડે ચડાવી રહી છે. કહેવાતી જિહાદના નામે આ યુવકો પાકિસ્તાનના ઈશારે નિર્દોષ લોકોનાં લોહી વહાવી રહ્યા છે એ જોતાં પાકિસ્તાનીઓ સીધા હુમલામાં સામેલ હોય કે ના હોય, આ હુમલો પાકિસ્તાને જ કરાવેલો કહેવાય.
એનઆઈએ અને આપણી બીજી એજન્સીઓની આ ઘોર નિષ્ફળતા કહેવાય કે પહલગામ હુમલાના અઢી મહિના પછી પણ આપણે હુમલો કરનારા આતંકીઓને શોધી નથી શક્યા. હુમલો કર્યા પછી આ આતંકીઓ હવામાં ઓગળી ગયા ને આપણે તેમના સગડ નથી શોધી શક્યા એ મોટી નિષ્ફળતા છે તેમાં બેમત નથી. પહલગામના હુમલાખોરો તરત જ ઝડપાઈ જવા જોઈતા હતા એ સાચું પણ આતંકવાદીઓ ઝડપાયા નહીં માત્ર એ કારણસર પાકિસ્તાને હુમલો કરાવ્યો નથી એવું ના કહી શકાય.
ચિદમ્બરમના લોજિકને લાગુ પાડીએ તો ભૂતકાળમાં કૉંગ્રેસના શાસનમાં થયેલા આતંકવાદી હુમલાઓને પણ આ વાત લાગુ પડે જ છે. ભૂતકાળમાં થયેલા સંખ્યાબંધ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ ઝડપાયા નથી કે તેમની ઓળખ છતી થઈ નથી. એ છતાં કૉંગ્રેસની સરકાર આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતાં નિવેદનો આપતી હતી તો એ નિવેદનો ખોટાં હતાં?
કૉંગ્રેસે એ વખતે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાના કે પાકિસ્તાનના ઈશારે આતંકવાદી ઘટનાને અંજામ અપાયો હોવાના જે કહેવાતા પુરાવા આપેલા એ બધા બકવાસ હતા? ચિદમ્બરમ જ્ઞાન પિરસવા બેઠા છે ત્યારે આ સવાલનો જવાબ આપવો જોઈએ. ચિદમ્બરમ પોતે કૉંગ્રેસની સરકારમાં ગૃહ મંત્રી હતા ને આતંકવાદી હુમલા વખતે પાકિસ્તાનને જવાબદાર ગણાવીને ઊભા થઈ જતા તો એ બધું પણ ખોટું હતું?
પાકિસ્તાનનો સવાલ છે તો પાકિસ્તાન તો આતંકવાદીઓ પકડાય તેમને પણ પોતાના માનવા તૈયાર નથી હોતું. 2008માં મુંબઈમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં ઝડપાયેલો એક માત્ર આતંકવાદી અજમલ કસાબ પાકિસ્તાની હતો છતાં પાકિસ્તાન માનવા તૈયાર નહોતું. પાકિસ્તાને સાવ નામક્કર જઈને હાથ ઊંચા કરી નાખેલા ને જાહેર કરી દીધેલું કે, કસાબ તો પાકિસ્તાની છે જ નહીં.
ભારતે પાકિસ્તાનને કસાબનું ઠામ-ઠેકાણું આપ્યું, પાકિસ્તાનમાં રહેતાં તેનાં સગાંની વિગતો આપી ને કસાબના પરિવારને મળેલાં નાણાંની વિગતો આપી છતાં પાકિસ્તાને કદી કસાબ પાકિસ્તાની હોવાનું નહોતું સ્વીકાર્યું. તેનો મતલબ એ થોડો થયો કે, કસાબ પાકિસ્તાની નહોતો? ભારતે 2008ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનું ડોઝિયર વારંવાર આપેલું પણ પાકિસ્તાને કદી પોતાની સંડોવણી માની નથી કે પોતાના માણસો આતંકવાદ ફેલાવે છે એ સ્વીકાર્યું નથી. તેના કારણે પાકિસ્તાન આતંકવાદમાં સામેલ નથી એવું ના કહી શકાય.
કૉંગ્રેસના ચિદમ્બરમ સહિતના નેતા આ પ્રકારના વાંધા ઊભા કરીને હલકી માનસિકતા બતાવી રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે પણ કૉંગ્રેસની સરકારોએ કહ્યું કે, આતંકવાદમાં પાકિસ્તાનનો હાથ છે ત્યારે આ દેશનાં લોકોએ કોઈ પણ શંકા વિના આ વાતને સ્વીકારી છે. ભાજપ સહિતના વિપક્ષોએ પણ આ વાત સહજતાથી સ્વીકારી છે ને કોઈ સવાલ કર્યા નથી જ્યારે કૉંગ્રેસ તો શંકાઓ કરી કરીને સવાલો પર સવાલો કર્યા કરે છે.
કૉંગ્રેસ પોતાની શંકા સાચી હોવાના કોઈ પુરાવા રજૂ કરતી હોય તો પણ સારું પણ કૉંગ્રેસ માત્ર શંકા કરે છે કોઈ પુરાવા નથી મૂકતી. ચિદમ્બરમે એ જ કર્યું છે. આતંકવાદી પાકિસ્તાની હતા તેના પુરાવા એનઆઈએ એ નથી આપ્યા તો આતંકી પાકિસ્તાની નહોતા તેના પુરાવા પણ ક્યાં છે?
કૉંગ્રેસના નેતા માત્ર નિવેદનબાજી કર્યા કરે છે, તેના સિવાય કશું કરતા નથી. આ દેશના મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસે ગંભીરતાથી વર્તવું જોઈએ અને માત્ર નિવેદનબાજી કરીને દરેક મુદ્દે સરકાર સામે શંકાઓ કરીને સવાલો કરવાના બદલે નક્કર વાતો કરવી જોઈએ.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ