અમેરિકા હાથકડી-બેડીઓ પહેરાવે તેમાં ખોટું શું?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકા હમણાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને ધડાધડ પોતપોતાના દેશમાં મોકલી રહ્યું છે. મિલિટરીનાં પ્લેનમાં લોકોને ભરી ભરીને અમેરિકા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને પોતપોતાના દેશમાં પાર્સલ કરી રહ્યું છે. આ વિદેશીઓને અમેરિકામાંથી પ્લેનમાં ચડાવાય ત્યારે હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને ચડાવાય છે. તેની સામે ભારત સહિતના દેશોમાં કકળાટ થઈ રહ્યો છે. અમેરિકાએ માનવીય વર્તન કરવું જોઈએ અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને આ રીતે અપમાનિત કરીને ના કાઢવા જોઈએ એવી વાતો ચાલી રહી છે.
કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે અને મોદી સરકાર ભારતીયોના અપમાન સામે ચૂપ છે એવો દેકારો મચાવી દીધો છે. મીડિયાનો એક વર્ગ પણ આ હઈસો હઈસોમાં જોડાઈને અમેરિકાની આ હરકત સામે મોદી સરકાર કશું કરતી નથી એવો વાંધો કાઢીને બેસી ગયો છે. મોદી સરકારે ટ્રમ્પ સરકાર સામે રજૂઆત કરવી જોઈએ એવી વાતો પણ ચાલી રહી છે.
આ વાતો હાસ્યાસ્પદ છે ને જે લોકો આવી વાતો કરે છે તેમની બુદ્ધિની ખરેખર દયા આવે છે. અમેરિકા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને હાથકડી પહેરાવીને કે પગમાં બેડીઓ પહેરાવીને ના મોકલે તો શું કંકુ-ચોખા લગાવીને હારતોરા કરીને પ્લેનમાં બેસાડે ? અમેરિકા જેમને પાછા તગેડી રહ્યું છે એ બધા અમેરિકાના અપરાધીઓ છે. અમેરિકાના કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ઘૂસેલા લોકો છે ને તેમની સાથે આવો જ વ્યવહાર થાય.
આપણે ત્યાં ગેરકાયદેસર રીતે રહેતો બાંગ્લાદેશી કે બીજા કોઈ દેશનો નાગરિક પકડાય છે તો આપણે પણ તેને જેલમાં જ નાંખીએ છીએ કેમ કે એ અપરાધી છે. અમેરિકા એ જ કરી રહ્યું છે એ જોતાં તેનો વાંક કાઢી શકાય તેમ નથી. જે લોકો મોદી સરકારની ચુપકીદી સામે દેકારો મચાવી રહ્યા છે એ લોકોના પોતાના સ્વાર્થ છે. બાકી આમાં મોદી સરકાર પણ કંઈ ના કરી શકે ને બીજું કોઈ પણ કંઈ ના કરી શકે. મોદી સરકાર રજૂઆત કરવા જાય તો મૂરખ લાગે એ જોતાં આ મુદ્દે રજૂઆત કરવામાં જરાય માલ નથી. મોદી સરકાર ચૂપ રહીને બાંધી મુઠ્ઠી રાખી રહી છે એ સારું જ છે.
કોઈ પણ વ્યક્તિને હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને લવાય એ અપમાનજનક છે જ પણ એ અપમાન માટે એ લોકો પોતે જ જવાબદાર છે. આ અપમાન અને પીડા તેમણે જાતે વહોરેલી છે કેમ કે તેમને ભારતમાં ફાવતું નથી ને અમેરિકન બનીને લાટા લઈ લેવા છે. અત્યાર લગી તેમણે આ લાટા લીધા જ છે પણ હવે ટ્રમ્પ કાકો પાછો આવી ગયો તેમાં બૂચ વાગી ગયો છે.
ભારતીયોને વિદેશની ને વિશેષ તો અમેરિકાની ઘેલછા કેમ છે એ કહેવાની જરૂર નથી. ભારતીયોમાં પણ પંજાબી અને ગુજરાતીઓ સૌથી વધારે અમેરિકા ભણી ભાગે છે તેથી અત્યારે જેમને પાર્સલ કરાઈ રહ્યા છે તેમાં પંજાબી અને ગુજરાતી વધારે છે. આ લોકો ભારેમાં ભારે જોખમો ઉઠાવીને પણ અમેરિકા ભાગે છે કેમ કે પંજાબ અને ગુજરાતમાં વિદેશમાં રહેવું એક સોશિયલ સ્ટેટસ પણ છે . તેમાં પણ અમેરિકામાં રહેતા હો તો લોકો તમને અહોભાવથી જુએ છે. જે લોકોને ભારતમાં કોઈ બોલાવતું ના હોય તેમના પર પણ અમેરિકાનું ટેગ વાગી જાય પછી તેમના ભાવ ઊંચકાઈ જાય છે. અમેરિકામાં રહેનારી વ્યક્તિ અમેરિકામાં શું કામ કરે છે એ કોઈ જોતું નથી પણ અમેરિકા પહોંચી ગયો તેના ભારતમાં લોકો અમેરિકામાં રહે તેને માન આપે છે. તેની તરફ અહોભાવથી જુએ છે તેથી લોકોમાં વિદેશની ઘેલછા છે.
અમેરિકામાં રહેવામાં આર્થિક ફાયદો પણ છે. અમેરિકાનો ડોલર ભારતના રૂપિયા કરતાં બહુ તાકાતવર છે તેથી વિદેશથી ભારત આવીને તમે પાણીની જેમ રૂપિયા વાપરી શકો છો. અત્યારે તો રૂપિયો સાવ લબડી ગયો છે ને એક ડોલરના 88 રૂપિયા મળે છે તેથી થોડાક ડોલર બચાવો તો પણ ઢગલો રૂપિયા થઈ જાય. આ રૂપિયાનો ઉપયોગ કરીને તમે સામાજિક પ્રતિષ્ઠા મેળવી શકો છો. આ પ્રતિષ્ઠા કાયમ માટે રહે છે ને એ વ્યક્તિ વરસે કે બે વરસે ભારત આવે ત્યારે તેને બેહદ માન મળે છે. આ માનની લાલચમાં લોકો અમેરિકા તરફ ભાગે છે ને તેના માટે ગમે તેવું જોખમ પણ ઉઠાવે છે.
નરેન્દ્ર મોદીના સમયમાં ભારતે જોરદાર પ્રગતિ કરી છે એવી વાતો થાય છે પણ એ બધી વાતો જ છે. વાસ્તવિકતા એ છે કે, ભારતમાં પૂરતી તકો ઉપલબ્ધ નથી તેથી સારા ભવિષ્ય અને રોજગારની આશામાં લોકો લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જવાનું જોખમ ઉઠાવે છે. આપણે ત્યાં લોકો તનતોડ મહેનત કરવા તૈયાર હોય છે પણ તકો જ નથી તેથી લોકો જોખમ ઉઠાવવા પણ તૈયાર થઈ જાય છે.
ગુજરાતીઓ તો અમેરિકા જવા જીવની પણ પરવા કરતા નથી એ સાબિત કરતા બે કિસ્સા બે વરસ પહેલાં બનેલા. પહેલા કિસ્સામાં એક પટેલ પરિવારનાં ચાર લોકો મોતને ભેટેલાં જ્યારે બીજા કિસ્સામાં ચૌધરી પરિવાર મોતને ભેટેલો. એ લોકો કમનસીબ હતા કે મોતને ભેટ્યા પણ ઘણા એવા હોય છે કે જે જોખમ ખેડીને પણ અમેરિકામાં ઘૂસી જ જાય છે. અલબત્ત તેના કારણે એ લોકો અમેરિકાના અપરાધી મટી જતા નથી ને અમેરિકા તેમની સાથે સારો વ્યવહાર કરે કે તેમને સારી રીતે ભારત પાછા મોકલે એવી અપેક્ષા ના રાખી શકાય. અપરાધી તો અંતે અપરાધી જ કહેવાય ને ?