એકસ્ટ્રા અફેર

મોદી-શાહને કલમ ૩૭૦ મુદ્દે કોઈની સલાહની શું જરૂર?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની વાતો ચાલી રહી છે. સાથે સાથે ભાજપ અબ્દુલ્લા પરિવારની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરશે એવી વાતો પણ ચાલી રહી છે. આ વાતો વચ્ચે અચાનક જ કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં અબ્દુલ્લા પરિવાર પર શાબ્દિક હુમલો કરી નાંખ્યો.
આઝાદનો દાવો છે કે, કહ્યું કે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા બંનેને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવવામાં આવશે તેની પહેલાંથી જ ખબર હતી. ઉમર અને ફારુકે કલમ ૩૭૦ હટાવાઈ એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સીક્રેટ મીટિંગ કરી હતી. તેમણે જ સરકારને સલાહ આપી હતી કે, અમને નજરકેદ કરવામાં આવે કે જેથી તેમણે કલમ ૩૭૦ હટાવવા અંગે પ્રજાને કોઈ જવાબ આપવા પડે નહીં.
આઝાદે અબ્દુલ્લા પરિવારના આ બંને નેતાના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોવાનો દાવો કરીને કહ્યું કે, આ બંને નેતા શ્રીનગરમાં કઇંક અલગ વાત કરે છે અને દિલ્હીમાં અલગ દાવા કરે છે. બંને જ ખૂબ જ ચાલાકીથી પોલિટિકલ ગેઈમ રમે છે અને લોકોને બેવકૂફ બનાવે છે. આ લોકો કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમોને પંપાળે છે અને હિંદુઓને બેવકૂફ બનાવવા માટે મંદિરોમાં જવાનું નાટક પણ કરે છે.
આઝાદના દાવાઓ સામે ઉમર અબ્દુલ્લાએ પણ એ જ ભાષામાં જવાબ આપીને કહ્યું છે કે, કલમ ૩૭૦ હટાવ્યા પછી મારા પિતાને સરકારી બંગલામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા જ્યારે ગુલામ નબી આઝાદ એકમાત્ર એવા નેતા હતા જેમને બંગલો ખાલી નહોતો કરાવાયો. અમે તો બંને આઠ મહિનાથી નજરકેદ હતા જ્યારે તમે એકમાત્ર એવા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા કે જેમને કલમ ૩૭૦ નાબૂદ કરાયા પછી પણ નજરકેદ નહતા કરાયા.
ઉમરે તો ત્યા લગી કહ્યું છે કે, આ જ ગુલામ નબી આઝાદ ૨૦૧૫ સુધી અમને રાજ્યસભાની બેઠકો માટે આજીજી કરતા હતા. ગુલામ નબી આઝાદને રાજ્યસભાની બેઠક આપવા કોઈ રાજ્ય તૈયાર નહોતું ત્યારે મેં જ તેમને રાજ્યસભાની બેઠક અપાવી હતી પણ આજે તેઓ અમારી વિરુદ્ધ બોલીને અમારી ઈમેજ ખરાબ કરવા માગે છે. રાજ્યસભામાં મોદી તમારા માટે આંસુ વહાવે છે અને અમારી ટીકા કરે છે. પદ્મ અવોર્ડ માટે તમે કૉંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો અને હવે અમને ભાજપના ચમચા ગણાવો છો. ઉમરે કટાક્ષ પણ કર્યો છે કે, આઝાદ કોણ છે અને ગુલામ કોણ છે એ તો સમય જણાવશે અને લોકો નક્કી કરશે પણ ગુલામ નબી આઝાદે મોદી અને શાહના ઘરે બેઠેલા તેમના એજન્ટોનાં નામ જાહેર કરવાં જોઈએ.
ઉમર અને આઝાદ વચ્ચે જે આક્ષેપબાજી થઈ છે એ રાજકીય છે પણ તેનો સંકેત સ્પષ્ટ છે. કૉંગ્રેસ છોડીને કાશ્મીરમાં ભાજપના મદદગાર બનવા ઈચ્છતા ગુલામ નબી આઝાદ હવે ભાજપના માનીતા રહ્યા નથી ને ભાજપ ફરી જૂના ને જાણીતા અબ્દુલ્લા પરિવાર તરફ ઢળી રહ્યો છે એ આઝાદને પચતું નથી. આઝાદે કલમ ૩૭૦ અંગે વાત કરી છે એ હાસ્યાસ્પદ છે. ભાજપે કલમ ૩૭૦ નાબૂદ કરવા કોઈને પણ પૂછવાની કે સલાહ લેવાની શું જરૂર? કલમ ૩૭૦ની નાબૂદી વરસોથી ભાજપનો મુખ્ય મુદ્દો છે એ જોતાં તેના માટે ભાજપે કોઈને પૂછવાની જરૂર જ નહોતી.
ગુલામ નબી આઝાદે કૉંગ્રેસ છોડીને કાશ્મીરમાં પોતાનો પક્ષ સ્થાપ્યો ત્યારે તેમને લાગેલું કે, કાશ્મીર ખીણમાં ભાજપને સાથી પક્ષની જરૂર છે ને કોઈ ભાજપ સાથે બેસવા તૈયાર નથી તેથી ભાજપ પોતાની પાલખી ઉંચકશે. આ કારણે જ કૉંગ્રેસમાંથી વિદાય થતાં જ ગુલામ નબી આઝાદના તેવર બદલાઈ ગયેલા. આઝાદ નરેન્દ્ર મોદીને વરસો લગી ગાળો દેતા હતા. ગુજરાતનાં રમખાણો બદલ મુસ્લિમોના હત્યારા ગણાવતા હતા ને બીજું ઘણું કહેતા હતા એ જ આઝાદ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતા થઈ ગયા હતા. કૉંગ્રેસ છોડ્યા પછી ગુલામ નબીની આત્મકથા ‘આઝાદ’ પ્રસિદ્ધ થઈ હતી. આ પુસ્તકમાં તેમણે નરેન્દ્ર મોદીનાં ભરપેટ વખાણ કર્યાં હતાં.
કૉંગ્રેસ સહિતના વિપક્ષી નેતા નરેન્દ્ર મોદી પર ક્ધિનાખોરી રાખીને બદલો લેવાની ભાવનાથી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરે છે ત્યારે આઝાદનો દાવો હતો કે, મોદીએ કદી બદલાની ભાવનાથી કામ કર્યું નથી. મોદી સામે પોતે સતત પ્રહારો કરતા રહ્યા છતાં મોદીએ હંમેશાં પોતાની સાથે સાલસ વર્તન કર્યું હોવાનો દાવો કરીને આઝાદે કહેલું કે, મોદી ખૂબ જ ઉદાર છે અને વિપક્ષના નેતા તરીકે મેં તેમને કોઈપણ મુદ્દે છોડ્યા નથી છતાં મોદીએ ક્યારેય બદલાની ભાવનાથી કામ કર્યું નથી. કલમ ૩૭૦, સીએએ, હિજાબ સહિતના મુદ્દે મેં તેમની પર પ્રહારો કર્યા છતાં મોદી હંમેશા નરમ દિલના રાજકારણીની જેમ વર્ત્યા છે.
આઝાદ મોદી પર ઓળઘોળ થઈ ગયેલા કેમ કે તેમને ભાજપના પડખામાં ભરાવાના ઓરતા હતા પણ ભાજપે તેમને ભાવ નથી આપ્યો. તેનું કારણ એ છે કે, આઝાદ ભરોસાપાત્ર નથી. ગુલામ નબી આઝાદ પચાસ વર્ષથી કૉંગ્રેસ સાથે હતા. યુથ કૉંગ્રેસના કાર્યકર તરીકે શરૂઆત કરનારા આઝાદ ૧૯૮૪થી છેક ૨૦૨૨ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. કેટલીય વાર કેન્દ્રમાં પ્રધાન બન્યા, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન પણ બન્યા.
આ બધું કૉંગ્રેસે જ તેમને આપ્યું ને છતાં તેમણે છેલ્લે એમ કહી દીધેલું કે, અમે કૉંગ્રેસને જે આપ્યું તેના બદલામાં કૉંગ્રેસે કંઈ ના આપ્યું. આઝાદને છેલ્લે છેલ્લે પણ રાજ્યસભાના સભ્ય બનવું હતું પણ કૉંગ્રેસે તેમને રાજ્યસભામાં ના મોકલ્યા તેમાં તો તેમણે પચાસ વરસ લગી જે કંઈ ભોગવ્યું તેના પર પાણી ફેરવી દીધું. પચાસ વરસ લગી કૉંગ્રેસે જે આપ્યું તેનો આઝાદે આભાર માનવો જોઈતો હતો. તેના બદલે તેમણે તો સાવ હલકટાઈ બતાવી દીધી.
મોદી કે ભાજપના બીજા નેતા આ બધુ સાંભળ્યા પછી આઝાદ પર ભરોસો કરે એ વાતમાં માલ નહોતો ને એવું જ થયું છે. ભાજપને રાજકીય રીતે એ મદદરૂપ થઈ શકે તેમ નથી ને ભરોસાપાત્ર જરાય નથી તેથી ભાજપ પાછો અબ્દુલ્લા પરિવાર તરફ ઢળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button