એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?

– ભરત ભારદ્વાજ

ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ત્રણદિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ અને પહેલા જ દિવસે સંઘે મણિપુરનો મુદ્દો છેડી દીધો. સંઘ વતી બોલતાં સંઘના નેતા સી.આર. મુકુંદે મણિપુરની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, મણિપુર છેલ્લા 20 મહિનાથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના કેટલાક રાજકીય અને વહીવટી નિર્ણયો પછી હવે આશાનું કિરણ દેખાય છે, પણ રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ ઘણો સમય લાગશે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…


મુકુંદે જે કહ્યું એ એક જનરલ સ્ટેટમેન્ટ છે, પણ મુકુંદનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, મણિપુરની સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જે પ્રયત્નો કરી રહી છે તેનાથી સંઘને જરાય સંતોષ નથી. બીજી મહત્ત્વની વાત એ કે, મોદી સરકાર મણિપુરમાં ઑલ ઈઝ વેલની આલબેલ વગાડ્યા કરે છે, પણ સંઘ મોદી સરકારની આ ગોળી ગળવા પણ તૈયાર નથી. સંઘે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મણિપુરમાં સ્થિતિ સામાન્ય નથી અને પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ ઘણો સમય લાગશે. ભાજપ સંઘ પરિવારનો હિસ્સો છે તેથી સંઘ ભાજપને જાહેરમાં ઝાટકી શકે તેમ નથી તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં પગલાંથી આશાનું કિરણ દેખાય છે એવી વાત કરવી પડે છે, પણ સાથે સાથે સ્થિતિ સામાન્ય નથી એવું કહીને સંઘે અસંતોષ પણ વ્યક્ત કરી દીધો છે.

સંઘ હજુ મણિપુરના મુદ્દે ખાસ ચર્ચા કરવાનો છે. આ ચર્ચામાં શું બહાર આવે છે ને સંઘ શું નક્કી કરે છે એ જોવાનું છે, પણ સંઘ વારંવાર મણિપુરની વાત કેમ કર્યા કરે છે એ સમજવાની જરૂર છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી હિંદુત્વનો એજન્ડા મજબૂત બનશે અને આખા દેશમાં હિંદુત્વનો ફેલાવો થશે એવી સંઘને આશા હતી, પણ મોદી સરકાર દૂધ ને દહીં બંનેમાં પગ રાખવા જાય છે તેમાં હિંદુત્વના મુદ્દે કોઈ ભલીવાર આવતો નથી.

ભારતમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હિંદુત્વનો મુદ્દો ધમધોકાર ચાલે છે, પણ પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં તેની કોઈ અસર નથી. દક્ષિણનાં રાજ્યો પોતાની ભાષા અને સંસ્કૃતિના કેફમાં છે તેથી સંઘને ગણકારતાં નથી. પૂર્વમાં સેક્યુલારિઝમનો પ્રભાવ વધારે છે અને ખ્રિસ્તી મિશનરીઝ મચી પડેલી છે તેમાં હિંદુત્વને અસર થઈ રહી છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ધમધોકાર ધર્માંતરણ ચાલે છે અને આદિવાસીઓને મિશનરીઝ વટલાવીને ખ્રિસ્તી બનાવી રહી છે. સંઘ વરસોથી આ ધર્માંતરણ રોકવા મથ્યા કરે છે, પણ ફાવતો નથી.

મોદી સરકારના કારણે સત્તાનો ટેકો મળશે તેથી મિશનરીઝને દૂર કરીને ઉત્તર-પૂર્વમાં હિંદુત્વની લહેર ઊભી કરી દેવાશે એવી સંઘને આશા હતી, પણ એવું થયું નથી. આ ઓછું હોય તેમ મણિપુરની હિંસામાં મોદી સરકાર હિંદુઓની રક્ષા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ. તેના કારણે ઉત્તર-પૂર્વના હિંદુઓ ફફડેલા પણ છે અને ભડકેલા પણ છે. ભાજપ અને સંઘ બંનેના નામથી હિંદુઓ ભડકે છે ને એ સ્વાભાવિક છે.

મણિપુરની હિંસા હિંદુ મૈઈતેઈ સમુદાય અને ખ્રિસ્તી કુકી સહિતના આદિવાસી સમાજના સામસામા જંગના કારણે ફાટી નીકળેલી. આ જંગમાં હિંદુઓ મરી રહ્યા હતા ને કહેવાતી હિંદુવાદી સરકાર તથા હિંદુવાદી નેતાઓ પણ તમાશો જોઈ રહ્યા હતા. આ ખામોશી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતનાં હિંદુવાદી સંગઠનોના માથે માછલાં ધોવાવાં માંડ્યાં પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મણિપુરની હિંસાનો મુદ્દો ઉખેળવો પડેલો.

સંઘને પણ મોડે મોડે ભાન થયું છે કે, મોદીને સારું લગાડવાના ચક્કરમાં ઉત્તર-પૂર્વના હિંદુઓને નારાજ કરી દીધા છે તેથી હવે મણિપુરની વાત દર મહિને કરે છે. તકલીફ એ છે કે, સંઘ હજુય વાતો જ કરે છે ને નક્કર કશું કરતો નથી. મણિપુર બીજું જમ્મુ અને કાશ્મીર બની ગયું છે. મણિપુરમાં પણ હિંદુઓને ટાર્ગેટ કરાય છે છતાં સંઘ ચર્ચાઓ જ કર્યા કરે છે ને નિવેદનો આપ્યાં કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બીજી એક ઘટનાની પણ નોંધ લેવી જોઈએ. પ્રતિનિધિ સભાની શરૂઆતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, તબલાં વાદક ઝાકિર હુસૈન અને પત્રકાર પ્રીતિશ નંદીને સંઘના અન્ય દિવંગત કાર્યકરો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સંઘના કાર્યક્રમોમાં સંઘના કાર્યકરો કે નેતાઓને શ્રદ્ધાંજલિ અપાય છે, પણ બીજા રાજકીય નેતાઓ કે દેશના સપૂતોને બહુ યાદ કરાતા નથી. તેમાં પણ ડૉ. મનમોહનસિંહ જેવા કૉંગ્રેસી વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ અપાય એ તો મોટી વાત કહેવાય. સંઘે ડૉ. મનમોહનસિંહના યોગદાનને વખાણ્યું નથી કે બહુ વરસ્યો નથી, પણ અત્યાર લગી કૉંગ્રેસી વિચારધારા તરફ આભડછેટ રાખનારો સંઘ ડૉ. મનમોહનસિંહને યાદ કરવાની વિનમ્રતા બતાવે એ પણ સારું છે.

ડૉ. મનમોહનસિંહ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હતા. મનમોહનસિંહે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો તેમાં મીનમેખ નથી. ડૉ. સિંહ કોઈના સર્ટિફિકેટના મોહતાજ નથી કે કોઈ તેમને વખાણે તો જ તેમનું યોગદાન લેખે લાગે એવું પણ નથી. તેમાં પણ સંઘના સર્ટિફિકેટની તો તેમને બિલકુલ જરૂર નથી કેમ કે ડૉ. મનમોહનસિંહે જે કરી બતાવ્યું એ કરી બતાવવાનું સંઘનું ગજું નથી.

આ પણ વાંચો: ભારતીયતાનું જતન કરવા સંસ્કૃત ભણાવો

સંઘ વરસોથી સ્વદેશીની ને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની ને એવી તો કરે છે, પણ આર્થિક મોરચે કશું નક્કર કરતો નથી. બલકે સંઘના આર્થિક મુદ્દે વિચારો બદલાયા કરે છે. ભાજપમાં જેની સત્તા હોય તેના વિચારો એ આપણા વિચારો એવી સંઘની માનસિકતા છે. તેની સામે ડૉ. સિંહે તો દેશને બદલ્યો છે તેથી કોઈ શ્રદ્ધાંજલિ ના આપે તોપણ બહુ ફરક ના પડે, પણ સંઘ પોતાની વાડાબંધી તોડી રહ્યો છે એ જોઈને સારું લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button