એકસ્ટ્રા અફેર: બિહારમાં મતદાર સુધારણા, પંચે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું

-ભરત ભારદ્વાજ
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ગણીને ચાર મહિના બચ્યા છે ત્યારે એ પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે વોટર વેરિફિકેશન શરૂ કરતાં બબાલ થઈ ગઈ છે. કૉંગ્રેસ અને આરજેડી સહિતના વિરોધ પક્ષોએ ચૂંટણી પહેલા થઈ રહેલા વોટર વેરિફિકેશનના વિરોધમાં બાંયો ચડાવી છે અને વિપક્ષોએ સંયુક્ત રીતે બુધવારે બિહાર બંધ પણ પળાવ્યો. વિપક્ષોનો આક્ષેપ છે કે, ભાજપના ઈશારે ચૂંટણી પંચ વોટર વેરિફિકેશનનું તૂત ચલાવીને આરજેડી અને કૉંગ્રેસ સહિતના વિપક્ષોના સમર્થક મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો કારસો કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ભાજપ આ જ ખેલ કરીને ચૂંટણી જીતેલો ને બિહારમાં પણ હવે એ જ દાવ અજમાવી રહ્યો છે. ભાજપનો આ કહેવાતો દાવ સફળ ના થાય એટલે વિપક્ષો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચૂંટણી માટે એક મોટો મુદ્દો ઊભો કરવા મથામણ કરી રહ્યા છે. આમ તો હવે પહેલાંની જેમ બંધ સફળ થતા નથી, કેમ કે લોકો પાસે પોતાની રોજિંદી હાડમારીઓમાંથી ઊંચા આવવાનો સમય જ નથી.
બુધવારે જ ડાબેરી મોરચાનાં યુનિયનોએ ભારત બંધનું એલાન આપેલું, પણ થોડાંક રાજ્યોને બાદ કરતાં તેની ક્યાંય અસર ના વર્તાઈ પણ બિહારમાં આરજેડી એકદમ મજબૂત છે તેથી બંધની વ્યાપક અસર જોવા મળી. ઠેર ઠેર ઉગ્ર દેખાવો થયા. આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને કૉંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓ બંધમાં જોડાયા તેના કારણે ફોર્મમાં આવી ગયેલા આરજેડી-કૉંગ્રેસના કાર્યકરોએ તોડફોડ ને હિંસા પણ કરી.
કૉંગ્રેસ-આરજેડી કાર્યકરોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા ને રેલવે ટ્રેક પણ બ્લોક કરીને ટ્રેન વ્યવહાર પણ ઠપ્પ કરી દીધો. બિહારમાં ઠેર ઠેર વિપક્ષોના કાર્યકરો દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યાં તેમાં સેંકડો વાહનો જામમાં ફસાઈ ગયાં ને ટ્રેનો રોકવામાં આવી તેમાં હજારો મુસાફરો રઝળી પડ્યા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં
બંધના કારણે લાખોને તકલીફો પડી પણ રાજકીય પક્ષોને લોકોની પરવા હોતી નથી. તેમને ચૂંટણી જીતવામાં રસ હોય છે ને ચૂંટણી જીતવા માટે મુદ્દા ઊભા કરવામાં રસ હોય છે તેથી લોકોની તકલીફોની પરવા કર્યા વિના વિપક્ષી કાર્યકરોએ બરાબર ધમાધમી કરીને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે એક મુદ્દો ઊભો કરી દીધો.
બિહારમાં વિપક્ષો હિંસા પર ઉતરીને ખોટું કરી રહ્યા છે તેમાં બેમત નથી પણ કેન્દ્રીય ચૂંટણી પંચ પણ સાવ નિર્દોષ નથી જ. બલ્કે ચૂંટણી પંચે પેટ ચોળીને આ શૂળ ઊભું કર્યું છે. સામાન્ય રીતે કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં મતદાર સુધારણાનું કામ થતું હોય છે. બિહારમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નવેમ્બરમાં થનારી ચૂંટણી માટે મતદાર સુધારણાનું જ કામ હાથ ધર્યું છે પણ તેમાં જે શરતો રાખી છે તેના કારણે બબાલ થઈ ગઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ મતદારોને એક ફોર્મ આપ્યું છે. દરેક મતદારે પોતે મતદાર છે એ સાબિત કરવા માટે આ ફોર્મ ભરીને પાછું આપવાનું છે. વિરોધનો મુદ્દો એ છે કે, આ વેરિફિકેશન માટે રેશન કાર્ડ કે આધાર કાર્ડ જેવા દસ્તાવેજો માન્ય નહીં ગણાય.
વેરીફિકેશન માટે ચૂંટણી પંચે 12 દસ્તાવેજોને માન્ય ગણ્યા છે. આ દસ્તાવેજોમાં સરકાર દ્વારા જમીનની ફાળવણી, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, જ્ઞાતિનું પ્રમાણપત્ર, બોર્ડ કે યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોને માન્ય ગણવામાં આવશે.
આ શરત વિચિત્ર કહેવાય કેમ કે દેશમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માટે આધાર કાર્ડ માન્ય ગણાય છે. ચૂંટણી પંચે જેને માન્ય દસ્તાવેજ ગણ્યો છે એ પાસપોર્ટ પણ માત્ર આધાર કાર્ડને આધારે કાઢી અપાય છે પણ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એ જ આધાર કાર્ડ માન્ય નહીં ગણાય. સામાન્ય લોકો પાસે આધાર કાર્ડ જ મુખ્ય દસ્તાવેજ છે પણ ચૂંટણી પંચ તેને જ માન્ય નથી ગણતું એ વિચિત્રતા કહેવાય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી
ચૂંટણી પંચે વેરિફિકેશનમાંથી 2003ની મતદાર યાદીમાં સમાવેશ કરાયો હોય તેમને મુક્તિ આપી એ પણ વિચિત્ર છે. પંચનું કહેવું છે કે, વિદેશી ઘૂસણખોરો સહિત જે લોકોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તેમનાં નામ કાઢી નાખવામાં આવશે પણ એ સિવાય કોઈનાં નામ કાઢી નહીં નંખાય. સવાલ એ છે કે, 2003ને આધાર કેમ બનાવાયો? 2003 પહેલાં ખોટી રીતે કોઈનાં નામ દાખલ નહીં કરાયાં હોય એવું માની લેવા માટે કોઈ તાર્કિક આધાર નથી. પંચમાં બેઠેલાં લોકોને તુક્કો સૂઝ્યો એટલે 2003ની મતદાર યાદીને આધાર બનાવી દીધો પણ તેના માટે કોઈ કારણ નથી.
પંચ હવે સુધારણાની ક્વાયત કરી રહ્યું છે ત્યારે તેણે ખરેખર બધા મતદારોની ચકાસણી કરી લેવાની હતી. તેના બદલે આ અડધીપડધી ક્વાયત દ્વારા પંચ શું સાબિત કરવા માગે છે એ ખબર નથી. હાલમાં, બિહારમાં લગભગ 7 કરોડ 89 લાખ મતદારો છે. આમાંથી લગભગ 4 કરોડ 96 લાખ મતદારોનો પણ 2003ની મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમનું વેરિફિકેશન કરવામાં આવશે નહીં.
ચૂંટણી પંચનું કહેવું છે કે, વિપક્ષો નકામો હોબાળો કરી રહ્યા છે કેમ કે વાસ્તવમાં બાકીના 2 કરોડ 93 લાખ મતદારોનું જ વેરિફિકેશન કરવાનું છે. આ વાત ખોટી છે કેમ કે 22 વર્ષમાં જે મતદારો ગુજરી ગયા હશે કે દેશ છોડીને જતા રહ્યા હશે તેમનાં નામ યાદીમાંથી નિકળી ગયાં હશે. તેમની સંખ્યા નાનીસૂની નહીં હોય એ જોતાં લગભગ 50 ટકા મતદારોનું વેરિફિકેશન કરવાનું થશે જ, એ જોતાં વેરિફિકેશન બધા મતદારોનું જ કરી લેવું જોઈએ ને? બીજું એ કે, ખોટા મતદારોને કાઢવા હોય તો આખા દેશમાં કાઢવા જોઈએ. એક રાજ્યમાં શું કરવા?
વિપક્ષોને પણ આ મુદ્દાનો ચૂંટણીમાં લાભ લેવામાં રસ છે એટલે જ તેમણે હોહા આદરી છે. બાકી મતદાર યાદી સુધારણાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જુલાઈએ થવાની જ છે. 5 જુલાઈએ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (અઉછ) એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બિહારમાં મતદાર યાદીમાં સુધારો કરવાના ચૂંટણી પંચના આદેશને રદ કરવાની માગ કરી જ છે.
વિપક્ષો સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોવાની જરૂર હતી પણ ત્યાં સુધી રાહ જોવા જાય તો હાથમાંથી મુદ્દો જતો રહે એટલે સુનાવણીના એક દિવસ પહેલાં જ તેમણે બંધનું એલાન આપીને મુદ્દાને ગરમ કરી દીધો. આશા રાખીએ કે, સુપ્રીમ કોર્ટ ન્યાયી વલણ અપનાવીને આ મુદ્દાને મોટો ના બનવા દે કેમ કે મુદ્દો મોટો બનશે તો હિંસા થશે ને લોકોને તકલીફ થશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે