એકસ્ટ્રા અફેરઃ વિજયને 40 લોકોનાં મોત માટે જેલભેગો કરવો જોઈએ

ભરત ભારદ્વાજ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની ટીમ પહેલી વાર ટાઇટલ જીતી તેની ઉજવણી માટે કઢાયેલી રેલીમાં વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોને જોવા માટે ભીડ એકઠી થઈ જતાં. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગ માં 11 લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં શનિવારે સાંજે તમિળનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગ થતાં 40 લોકોએ જીવ ગુમાવ્યા. બીજાં સંખ્યાબંધ લોકો ઘાયલ થઈને આઈસીયુમાં પડ્યાં છે એ જોતાં મૃત્યુઆંક હજુ વધી શકે છે.
આ ઘટના ગંભીર છે ને તેની રાજકીય અસરો પડી શકે છે. વિજયે નવી નવી પાર્ટી લોંચ કરી છે અને આવતા વરસે યોજાનારી ચૂંટણીના મેદાનમાં ઊતરવા થનગની રહ્યો છે ત્યારે તેના માટે તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. ચૂંટણી પ્રચારનો પહેલો તબક્કો જ રક્તરંજિત થતાં વિજય માટે રાજકીય સફર મુશ્કેલ હશે એ સ્પષ્ટ છે.
વિજયનું રાજકીય ભાવિ શું હશે એ ખબર નથી કેમ કે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે પણ આ ઘટનાએ સાબિત કર્યું છે કે, વિજય જનનાયક બનવાને લાયક નથી. વિજયે ફિલ્મો છોડી દીધી પણ ફિલ્મ સ્ટારના તેવર નથી છોડ્યા ને તેનામાં રાજકીય પરિપક્વતા પણ નથી. પોતે કંઈ પણ કરશે કે કહેશે તેનું શું પરિણામ આવશે તેની ચિંતા કર્યા વિના સ્ટેજ પર ચડીને તેણે લોકોને ધંધે લગાડ્યા તેમાં આ દુર્ઘટના સર્જાઈ. દુર્ઘટના બન્યા પછી લોકો વચ્ચે રહેવાના બદલે વિજય ભાગી ગયો. આ પ્રકારની પલાયનવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ રાજકારણી તરીકે સફળ થઈ જાય પણ લોકોની તકલીફોને દૂર કરશે એવી અપેક્ષા જરાય ના રખાય.
વિજયની કરૂરની રેલી બપોરે 1 વાગ્યે થવાની હતી પણ વિજય છેક સાંજે 7 વાગ્યે આવ્યો. ફિલ્મ સ્ટાર્સને શૂટિંગ માટે મોડા પહોંચવાની આદત હોય છે. સેટ પર લોકો રાહ જોતા બેસી રહે ને પોતે મોડા મોડા પહોંચે તેમાં એ લોકોને સ્ટારડમ લાગે છે. વિજયે રાજકારણમાં આવ્યા પછી આ આદત છોડવી પડે પણ તેના વર્તન પરથી સ્પષ્ટ છે કે, તેનામાં એવી સમજ જ નથી. કરૂર પહેલાં વિજયની નમક્કલમાં રેલી હતી ને ત્યાં પણ વિજય ચાર કલાક મોડો જ પહોંચેલો તેથી આકસ્મિક સંજોગોના કારણે મોડું થયું નથી એ સ્પષ્ટ છે.
લગભગ 6 કલાક મોડા કરુર પહોંચેલા વિજયને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી ને આ ભીડને કાબૂમાં લેવા માટેની કોઈ વ્યવસ્થા જ નહોતી. રાજકીય પક્ષ કે સંગઠન હોય તો તેના પોતાના કાર્યકરો કે સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા હાજર હોય પણ વિજયની પાર્ટીમાં તેના ચાહકો જ છે. તેમને વ્યવસ્થા સંભાળવાના બદલે વિજયને જોવામાં વધારે રસ હતો તેથી કોઈ ધણીધોરી જ નહોતું.
વિજય મોડો મોડો પહોંચ્યો તેમાં ભીડ જામી તેથી તો સ્થિતિ ગંભીર બનેલી જ પણ વિજયે સ્ટેજ પર ચડ્યા પછી વાટેલા ભાંગરાના કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ. સ્ટેજ પર પહોંચેલા વિજયને જાણ કરવામાં આવી કે, 9 વર્ષની એક છોકરી ગુમ થઈ ગઈ છે. વિજયે છોકરીને શોધવા માટે પોતાના માણસોને કામે લગાડવાની જરૂર હતી પણ તેના બદલે તેણે સ્ટેજ પરથી છોકરીને શોધવા માટે અપીલ કરી.
વિજયને એમ કે પોતે ભલાઈનું કામ કરી રહ્યો છે પણ ટોળાની માનસિકતા તેને ખબર નથી. સ્ટેજ પરથી છોકરી ગુમ થઈ હોવાની કરાયેલી જાહેરાતના કારણે ગભરાટ ફેલાતાં લોકો છોકરીને શોધવા ધંધે લાગેલા ને એ વખતે જ ગાંડા થયેલા ચાહકો વિજયને નજીકથી જોવા માટે બસની નજીક આવવા મથી રહ્યા હતા. આ સામસામો લોકપ્રવાહ ટકરાયો તેમાં ધક્કામુકકી શરૂ થઈ ને પછી નાસભાગ મચી તેમાં લોકો કચડાઈ મર્યાં.
વિજયે એ વખતે હાજર રહીને ભીડને કાબૂમાં કરવા પ્રયત્ન કરવા જોઈતા હતા પણ તેના બદલે એ પોતે જ ભાગી ગયો. વિજય કરૂરથી સીધો ત્રિચી એરપોર્ટ ગયો અને ત્યાંથી ચેન્નાઈ રવાના થઈ ગયો. પોતાની રેલીમાં કેટલાં લોકો મર્યા છે તેની તો તસ્દી સુધ્ધાં ના જ લીધી પણ જાહેરમાં સંવેદના પણ વ્યક્ત ના કરી.
વિજયે કરૂરમાં રોકાઈને ઘાયલ થયેલાં લોકોને મળવાની જરૂર હતી, પોતાનાં સ્વજનોને ગુમાવનારાં લોકોને સાંત્વન આપવાની જરૂર હતી તેના બદલે એ ચેન્નાઈના બંગલામાં આરામ કરવા જતો રહ્યો. કોઈએ સલાહ આપી હશે એટલે મોડી રાત્રે વિજયે X પર તેનું દિલ તૂટી ગયું છે અને તેને ખૂબ જ દુ:ખ થાય છે એ પ્રકારની પોસ્ટ મૂકી પણ તેનો અર્થ નથી. લોકોને જરૂર હતી ત્યારે તેમની સાથે રહેવાના બદલે ભાગી જનારો માણસ સોશ્યલ મીડિયા મારફતે ગમે તેટલી સંવેદના બતાવે, તેની કિંમત મગરનાં આંસુથી વધારે નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?
વિજયના કિસ્સામાં આઘાતજનક વાત પાછી એ છે કે, શનિવારે વિજયે પહેલી રેલી કરી તેમાં પણ આવું જ થયું હતું ને ત્યારે પણ વિજય આ રીતે જ વર્ત્યો હતો. શનિવારે વિજયને સવારે 8.45 વાગ્યે નમક્કલમાં રેલીની પરવાનગી આપવામાં આવી હતી પણ વિજય છ કલાક મોડો છેક બપોરે 2:45 વાગ્યે પહોંચ્યો. સવારથી રાહ જોઈને લોકો થાકી ગયેલા પણ હજારોની જામેલી ભીડમાંથી બહાર નીકળવું જ શક્ય નહોતું.
વિજયની રેલી ભરબપોરે શરૂ થઈ ત્યારે તડકો પણ બરાબર પડતો હતો. તેના કારણે થાકેલા અને ભૂખ્યા-તરસ્યા ઘણા લોકો બેભાન થઈને પડી ગયા હતા. તેના કારણે ભાગદોડ મચી અને ઘણા લોકો ઘાયલ થયા. ભીડને કાબૂમાં લેવાની કોઈ વ્યવસ્થા નહોતી તેથી સ્થિતિ ગંભીર થઈ ગયેલી. વિજયને જાણ કરવામાં આવી ત્યારે એ રોકાવાના બદલે નમક્કલથી ભાગી ગયો. વિજય નક્કી કરેલા ત્રણ કલાકના બગલે એક કલાકમાં રેલી સંકેલી લઈને બપોરે 3:45 વાગ્યે નમક્કલથી રવાના થઈ ગયો હતો. નમક્કલમાં ઓછી ભીડ હોવાથી કોઈ જાનહાનિ ના થઈ પણ કરૂરમાં 60 હજારની આસપાસ લોકો ભેગાં થઈ ગયેલાં તેમાં ચાલીસેક લોકોના જીવ ગયા.
તમિળનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નિમી છે પણ વાસ્તવમાં વિજયને ઉઠાવીને અંદર કરવાની જરૂર છે. તમિળનાડુ પોલીસનું કહેવું છે કે, વિજયની રેલીમાં 10,000 લોકોને હાજર રાખવાની મંજૂરી અપાઈ હતી પણ 50 હજારની ભીડ ભેગી થઈ ગઈ. લગભગ 1.20 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 50,000થી વધુ લોકો ભેગા થતાં વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં જેવો ઘાટ થઈ ગયો તેમાં ભીડને કાબૂમાં ના રાખી શકાઈ. આ વાત સાચી હોય તો વિજય સીધો દોષિત ગણાય ને તેની સજા તેને થવી જોઈએ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?