એકસ્ટ્રા અફેરઃ પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર ચુકાદો: રાજ્યપાલો બેલગામ બનશે

ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં ઐતિહાસિક ચુકાદો આપેલો કે, વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે અને રાજ્યપાલ આ બિલોને લટકાવી રાખી ના શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારે પ્રસંશા થયેલી પણ છ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નરેન્દ્ર મોદી સરકારે વાંધો લીધેલો ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રેસિડેન્શિયલ રેફરન્સ માગેલો અને 14 સવાલો કરીને એ અંગે સ્પષ્ટતા કરવા માટે વિનંતી કરેલી.
સુપ્રીમ કોર્ટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગેના નિર્ણયમાં એકદમ ગુલાંટ લગાવીને જાહેર કર્યું છે કે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલો પાસે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને રોકવાની સંપૂર્ણ સત્તા છે એવું પોતે નથી માનતી પણ સાથે સાથે બિલોને મંજૂરી આપવા માટે કોઈ સમયમર્યાદા નક્કી ના કરી શકાય એ પણ સ્પષ્ટ છે.
સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે, રાજ્યપાલ પાસે બિલોને મંજૂરી આપવી, તેમને પુનર્વિચારણા માટે પાછા મોકલવા અથવા રાષ્ટ્રપતિ પાસે મોકલવા એમ ત્રણ વિકલ્પ હોય છે પણ આ વિકલ્પો અજમાવવા માટે કે બિલોને મંજૂરી આપવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવાની કોઈ જોગવાઈ બંધારણમાં નથી.
સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને રાજ્ય સરકારના વિવાદમાં 8 એપ્રિલે આદેશ આપ્યો હતો કે, રાજ્યપાલે એક મહિનામાં વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે નિર્ણય લેવો પડશે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલાં પણ રાજ્યપાલે રોકી રાખેલાં 10 બિલોને પસાર થયેલાં જાહેર કર્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે આ ડીમ્ડ સંમતિના આદેશને પણ ઊલટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, રાજ્યપાલ બિલને રોકી રાખે એ કિસ્સાઓમાં ન્યાયતંત્ર પણ ડીમ્ડ સંમતિ આપી શકતું નથી. મતલબ કે, કોઈ બિલ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાય અને બંને સમયસર જવાબ આપવામાં નિષ્ફળ જાય તો નિયત સમમર્યાદા પછી બિલને મંજૂરી આપવામાં આવી છે એવું માનીને તેનો અમલ શરૂ કરી દેવાય પણ હવે એ પણ શક્ય નથી.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, વિધાનસભાએ પસાર કરેલા બિલ અંગે રાજ્યપાલ પાસે ત્રણ બંધારણીય વિકલ્પો છે: સંમતિ આપવી, રાષ્ટ્રપતિ માટે અનામત રાખવું, બિલને રોકવું અને તેને વિધાનસભામાં પાછું મોકલવું. આમાંથી કયા વિકલ્પોનો ઉપયોગ કરવો તે નક્કી કરતી વખતે રાજ્યપાલ પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરે છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ અંગે 11 એપ્રિલે ચુકાદો આપેલો કે, રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ અંગે પણ 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. પ્રેસિડેન્શિયલ રેફરન્સ પરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ બધી જ વાતોનો છેદ ઉડાવી દીધો છે. પોતે જ આપેલા ચુકાદાને ઊલટાવી દીધો છે અને કેન્દ્ર સરકારના વલણને સાચું ઠેરવી દીધું છે.
સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે, વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે નિર્ણય લેવામાં મોડું થશે તો ટકોર જરૂર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી અર્થહીન છે કેમ કે સુપ્રીમ કોર્ટની ટીપ્પણીની રાજ્યપાલો પર અસર નથી થતી. આપણે ત્યાં રાજકારણીઓને પોતાને કાયદા અને બંધારણથી પણ પર માને છે તેથી બેફામ વર્તે છે. તેમના બેફામ વર્તનની ફરિયાદો કોર્ટ સુધી પહોંચે ત્યારે કોર્ટ તેમને ઠમઠોરે પણ છે પણ તેની કોઈ અસર થતી નથી.
સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં તો ચુકાદો આપેલો કે, નિયત સમયમર્યાદામાં વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે રાજ્યપાલોએ નિર્ણય લેવો પડશે. એ છતાં હજુ સંખ્યાબંધ બિલો એમ જ પડેલાં છે. હવે જે રીઢા રાજ્યપાલો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર ના થતી હોય તેમના પર ટકોરની અસર થાય એવી આશા કઈ રીતે રાખી શકાય ?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ બિહારમાં હાર, કૉંગ્રેસનું ‘નાચ ના જાને આંગન ટેઢા’
સુપ્રીમ કોર્ટના પાંચ માનનિય ન્યાયાધિશોએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરીને જ પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર ચુકાદો આપ્યો છે. ચુકાદો તેથી તેના વિશે ટીપ્પણી કરવાનો મતલબ નથી પણ આ ચુકાદાના કારણે આપણે પાછા ત્યાં જ પાછા આવીને ઊભા રહી ગયા છીએ કે જ્યાં છ મહિના પહેલાં હતા.
મતલબ કે, રાજ્યપાલો ફરી બેફામ રીતે વર્તતા થઈ જશે, બેલગામ થઈ જશે કેમ કે આ ચુકાદાએ તેમને ભરોસો આપી દીધો છે કે, સુપ્રીમ કોર્ટ પણ હવે તેમનું કશું ઉખાડી શકે તેમ નથી ને પોતે બેલગામ બનીને વર્તે તો કોઈ કશું તોડી શકવાનું નથી. કેન્દ્ર સરકારના તો ચાર હાથ તેમના પર છે જ પણ સુપ્રીમ કોર્ટ પણ લાચાર છે તેથી તેમની દાદાગીરી વધશે. રાજ્યપાલોની સત્તાનો દુરૂપયોગ કરીને વિરોધ પક્ષોની સરકારોને કનડવાનો ખેલ ફરી શરૂ થઈ જશે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો બધાંએ માથે ચડાવવો પડે પણ આ ચુકાદાથી લોકશાહીનાં મૂલ્યો ખતરામાં આવી જશે. લોકશાહીમાં બંધારણ સર્વોપરિ છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર બંધારણની મર્યાદામાં રહીને તમામ નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે પણ કેટલાક રાજ્યપાલો પોતાને રાજ્યોની ચૂંટાયેલી સરકાર કરતાં ઉપર માનીને વર્તી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેમના પર લગામ આવશે અને રાજ્યપાલો બંધારણને વફાદાર થશે એવી આશા ઊભી થયેલી પણ આ ચુકાદાએ એ આશા પર પાણી ફેરવી દીધું છે.
રાજ્યપાલો બંધારણીય હોદ્દો છે અને બંધારણીય હોદ્દા પર બેઠેલી દરેક વ્યક્તિની જેમ રાજ્યપાલોએ પણ બંધારણને વફાદાર રહીને વર્તવાનું હોય છે. કમનસીબે રાજ્યપાલો આ દેશના બંધારણ તરફ નહીં પણ જેમણે તેમના તરફ રાજ્યપાલપદનો ટુકડો ફેંકી દીધો તેના તરફ વફાદારી બતાવી રહ્યા છે. આ વફાદારી બતાવવાના ઉત્સાહમાં રાજ્યપાલો સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓની બનેલી વિધાનસભાએ પસાર કરેલાં બિલોને રોકી રાખે છે. વાસ્તવમાં તેમને આવો કોઈ અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રાજ્યપાલોને પોતાની મરજી થાય એટલા સમય સુધી વિધાનસભાએ પસાર કરેલા બિલને રોકવાનો અબાધિત અધિકાર આપી દીધો છે. કોઈ પણ બિલ રાજ્યપાલ પાંચ-સાત વર્ષ રોકી રાખે એ ચૂંટાયેલી સરકારના અધિકારનું હનન છે પણ સુપ્રીમ કોર્ટ આ હનન સામે લાચારી બતાવે તો બીજું તો કોઈ શું કરી શકે?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભાજપ મધ્ય પ્રદેશ ફોર્મ્યુલાથી વરસમાં નીતિશને ઘરભેગા કરી શકે



