એકસ્ટ્રા અફેરઃ `સર’ની બબાલ, બોગસ મતદારો માટે જવાબદાર કોણ?

ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ એ સાથે જ બબાલનાં ઘર મંડાણાં છે કેમ કે ડ્રાફ્ટ યાદીમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામ કાપી નાંખવામાં આવ્યાં છે. ડ્રાફ્ટ યાદી પહેલા રાજ્યમાં 15.44 કરોડ મતદારો હતા જ્યારે ડ્રાફ્ટ યાદીમાં 12.55 કરોડ મતદારોના નામ છે. વિપક્ષોએ દેકારો શરૂ કરીને આક્ષેપ કર્યો છે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ના બહાને ચોક્કસ વર્ગના મતદારોનાં નામ કાઢી નંખાયાં છે. આ ચોક્કસ વર્ગ એટલે મુસ્લિમો એવું કહેવાની જરૂર નથી.
કૉંગ્રેસે તો આખી પ્રક્રિયાને મોટું કાવતરું ગણાવીને તપાસની માગ પણ કરી નાંખી છે. કૉંગ્રેસનું કહેવું છે કે, યુપીમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને 1.13 કરોડ મતદારોને અપાયેલાં ફોર્મ પાછાં કેમ નથી આવ્યાં તેની તપાસ કરવી જરૂરી છે. સમાજવાદી પાર્ટીએ પણ તેમાં સૂર પુરાવ્યો છે કેમ કે, આ બહાને મુસ્લિમોને રાજી કરવાનો મોકો મળશે. સપાનો આક્ષેપ છે કે, ચૂંટણી પંચ ભાજપનું પાલતુ બનીને વર્તી રહ્યું છે ને ભાજપને ફાયદો કરાવવા માટે આખો ખેલ કરી રહ્યું છે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો પહેલેથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ને શંકાસ્પદ ગણાવી રહ્યાં છે તેથી તેમના આક્ષેપોમાં નવું કશું નથી પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)માં જે રીતે લાખોની સંખ્યામાં મતદારોનાં નામ કમી થઈ રહ્યાં છે તેના કારણે આખો મામલો શંકાસ્પદ તો બની જ ગયો છે. અત્યારે યુપીની ડ્રાફ્ટ યાદી બહાર પડી તેથી યુપી ચર્ચામાં છે પણ જે પણ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યાં બધે લાખોની સંખ્યામાં મતદારો ઘટ્યા છે એ જોતાં ચૂંટણી પંચની ખોરી દાનતની સાથે સાથે અત્યાર લગી શું કરતું હતું એ સવાલ પણ ઉઠે છે.
યુપીમાં જૂની મતદાર યાદીના 18.72 ટકા મતદારોનાં નામ નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. મતલબ કે, દર 100 માંથી 19 મતદારોના નામ ઊડી ગયાં છે. જેમનાં નામ નથી એવા 2.89 કરોડ મતદારોમાંથી 46.23 લાખ મૃત્યુ પામ્યા છે તેથી તેમના વિશે શંકા ના કરી શકાય પણ 25.47 લાખ ડુપ્લિકેટ અથવા નકલી મતદારો હતા એવું બહાર આવ્યું છે. બીજી તરફ 2.17 કરોડ મતદારોનું શું થયું એ વિશે તો કોઈ સ્પષ્ટતા જ નથી.
આ મતદારોએ કાં સ્થળાંતર કર્યું છે કાં ગાયબ થઈ ગયા છે એવું ચૂંટણી પંચે કહ્યું છે. આટલી મોટી સંખ્યામાં મતદારોએ સ્થળાંતર કર્યું હોય એ શક્ય નથી લાગતું. માનો કે તેમાંથી અડધા લોકોએ સ્થળાંતર કર્યું હોય તો પણ એક કરોડનો આંકડો થાય. 1 કરોડ લોકો યુપીથી બીજે જતા રહ્યા એ વાત ગળે ઉતારવી અઘરી છે છતાં એ વાત માની લઈએ તો પણ બાકીના લગભગ સવા કરોડનું શું થયું તેનો તો સ્પષ્ટ જવાબ જ નથી મળતો. આ સવા કરોડ બાંગ્લાદેશી, રોહિંગ્યા કે કોઈ ત્રીજા દેશમાંથી આવેલા લોકો હતા ને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)થી ફફડીને ભાગી ગયા?
બંગાળમાં ભાજપના નેતા એવા દાવા કરે જ છે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)થી ડરીને બાંગ્લાદેશીઓ ભાગી રહ્યા છે ને ભારત-બાંગ્લાદેશને અલગ કરતી નદીમાં ભૂસકા મારીને પોતાના દેશ જઈ રહ્યા છે. યુપીમાં પણ એવું થયું છે? ખબર નથી. યુપીમાં ભાજપની સરકાર છે એટલે ભાજપના નેતા ચૂપ છે. યુપીમાં લગભગ 9 વર્ષથી ભાજપની સરકાર છે અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે. એ છતાં આટલી મોટી સંખ્યામાં બહારનાં લોકો અહીં જામી ગયાં હોય ને મતદાર યાદીમાં આવી ગયાં હોય તો બહુ મોટી નાલેશી કહેવાય એટલે ગેરકાયદે રીતે ભારતના નાગરિક બની ગયેલા લોકો કઈ નદીમાં ભૂસકા મારી રહ્યા છે કે કઈ તરફ ભાગી રહ્યા છે તેનો સ્પષ્ટ જવાબ નથી મળવાનો.
જોકે આ સ્થિતિ દરેક રાજયમાં છે. અત્યાર સુધીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ એ રાજ્યો પર નજર નાંખશો તો આ વાત સમજાશે. જે 12 રાજ્યોમાં સરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે તેમાં કુલ 6.59 કરોડ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. સર પહેલાં આ રાજ્યોમાં 50.97 કરોડ મતદારો હતા અને ચકાસણી પછી 44.38 કરોડ મતદારો જ રહેતાં લગભગ 6.59 કરોડ મતદારોના નામ ઊડી ગયાં છે. મતલબ કે, 12 રાજ્યોની જૂની મતદાર યાદીનાં કુલ મતદારોમાંથી 12.93 ટકા મતદારોનાં નામ ડ્રાફ્ટ યાદીમાં નથી. દર 100 મતદારોએ લગભગ 13 નામ કપાઈ ગયાં છે.
આ પૈકી અડધા એટલે કે સાત ટકા મતદારો એવા ગણીએ કે જેમનાં નામ પંચે નક્કી કરેલા પુરાવા રજૂ કરવાથી અંતિમ મતદાન યાદીમાં આવી જાય તો પણ છ ટકા મતદારોનાં નામ તો ઉડી જ જાય એવો ખતરો છે. એક રીતે કહીએ તો આ બધા બોગસ મતદારો જ કહેવાય. હવે આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો હોય તો ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે નિષ્પક્ષ કહેવાય? ટૂંકમાં સરના કારણે આપણી ચૂંટણી પ્રક્રિયા જ શંકાના દાયરામાં આવી ગઈ છે.
આપણે ત્યાં એક-બે ટકા મતદારો આમ-તેમ થાય તેમાં તો સરકાર બદલાઈ જતી હોય છે ત્યારે આ વધારાના છ ટકા મતદારો આવી ગયા તેના કારણે આવેલા પરિણામો પણ વિશ્વસનિય ના જ ગણાય. 2002 પછી કૉંગ્રેસે 10 વર્ષ રાજ કર્યું ને ભાજપ અટલ બિહારી વાજપેયીનાં 2 વર્ષ ને નરેન્દ્ર મોદીનાં 11 વર્ષ મળીને 13 વર્ષ સત્તામાં રહ્યો એ જોતાં આ સરકારો ખરેખર જનાદેશથી સત્તામાં આવેલી કે બોગસ મતદારોના કારણે સત્તામાં આવી હતી એ પણ સવાલ છે.
જોકે મોટો સવાલ એ છે કે, આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો આવી ગયા તો ચૂંટણી પંચ શું કરતું હતું? મતદાર યાદીઓ બનાવવાનું કામ ચૂંટણી પંચનું છે પણ પંચે ધ્યાન ના રાખ્યું તેમાં બોગસ મતદારો ઘૂસી ગયા. ચૂંટણી પંચ એ માટે જવાબદાર ગણાય પણ ભારતમાં એવી જવાબદારીની ભાવના જ નથી તેથી ખાલી આક્ષેપબાજી ચાલ્યા કરે છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર) ના કારણે ભારતની સિસ્ટમની એક બહુ મોટી ખામી તરફ આખી દુનિયાનું ધ્યાન ગયું છે. ભારતમાં મતદાર બનવા માટે નાગરિક હોવું જરૂરી છે પણ ભારતમાં નાગરિકતા માટે સિંગલ ડોક્યુમેન્ટ જ નથી તેની આ બધી મોંકાણ છે. કમનસીબી એ છે કે, કોઈ આ દિશામાં વિચારતું જ નથી. દેશની નાગરિકતા માટે કોઈ એક જ દસ્તાવેજને માન્ય રખાય તો કોઈ મગજમારી જ ના થાય પણ તેની વાત નથી સરકાર કરતી, નથી વિપક્ષો કરતા કે નથી ચૂંટણી પંચ કરતું.



