એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના તુક્કાએ ભારત માટે તક ઊભી કરી દીધી

-ભરત ભારદ્વાજ
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી જાત જાતના તુક્કા રમતા કર્યા કરે છે ને તેમને સૂઝેલો નવો તુક્કો વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધનો છે. અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકીને ફતવો બહાર પાડ્યો છે કે, નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી તાત્કાલિક અસરથી વિદેશી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર વિઝા માટે નવી એપોઈન્ટમેન્ટ્સને મંજૂરી ના આપવી. એફ, એમ અને જે એ ત્રણ કેટેગરીના વિઝામાં નવા ઈન્ટરવ્યૂ પર પ્રતિબંધ મુકાયો છે.
આ ફતવા પ્રમાણે, અગાઉથી નક્કી કરેલા ઇન્ટરવ્યૂ કરી શકાશે પણ નવી એપોઈન્ટમેન્ટ્સ આપવાની નથી. અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ બહાર પાડેલા આ આદેશનો ઉદ્દેશ્ય અમેરિકાની યુનિવર્સિટીઓમાં ફેલાવાઈ રહેલા યહૂદી વિરોધી અને ડાબેરી વિચારોને રોકવાનો છે. રુબિયોએ વિશ્વભરના યુએસ દૂતાવાસોને નવી સૂચના ના મળે ત્યાં લગી વિદ્યાર્થી વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ નહીં કરવા ફરમાન કર્યું છે.
આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા આવતા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલની ચકાસણી કડક કરશે અને જે વિદ્યાર્થીઓ યહૂદી વિરોધી કે ડાબેરી વિચારધારા ધરાવતા હશે તેમના નામ પર કાયમ માટે ચોકડી વાગી જશે. ટ્રમ્પ સરકારે આ ફતવામાં એવી પણ જોગવાઈ કરી છે કે, કોઈ વિદેશી વિદ્યાર્થી જાણ કર્યા વિના કોર્સ છોડી જાય, ક્લાસમાં હાજરી ન આપે અથવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દેશે તો પણ તેનો વિદ્યાર્થી વિઝા રદ થઈ જશે અને ભવિષ્યમાં યુ.એસ.વિઝા માટેની લાયકાત ગુમાવી દેશે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : સ્ટારશિપની સફળતા માનવજાતનો ઈતિહાસ બદલી નાખશે
ટ્રમ્પ સરકારના ફતવાથી વિદેશી વિદ્યાર્થીઓમાં ખળભળાટ છે કેમ કે લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જે છેલ્લાં કેટલાંય વરસોથી અમેરિકામાં ભણવા માટે આયોજન કરી રહ્યા હશે. તેમનાં મા-બાપ તેમના શિક્ષણ માટેના આર્થિક ખર્ચની જોગવાઈ કરી રહ્યાં હશે. ટ્રમ્પના તુક્કાના કારણે રાતોરાત તેમનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે.
હવે આ બધા વિદ્યાર્થી અમેરિકન સરકારના અધિકારીઓની મહેરબાની પર છે. એ લોકોને લાગે કે, વિદ્યાર્થીની વિચારધારા ડાબેરી કે યહૂદી વિરોધી છે તો તેમનાં પત્તાં કપાઈ જશે.
ભારતના વિદ્યાર્થીઓ રાજકીય રીતે બહુ સક્રિય હોતા નથી તેથી તેમને આ નિર્ણયની બહુ અસર કદાચ નહીં થાય. મહત્તમ અસર મુસ્લિમ દેશો, આફ્રિકા અને યુરોપથી આવતા વિદ્યાર્થીઓને થશે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ લટકતી તલવાર તો છે જ. આ પ્રકારના ફતવાઓની માનસિક અસર પણ હોય છે તેથી તેની અસર પણ થશે જ. ટ્રમ્પે અત્યારે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની એન્ટ્રી સાવ બંધ કરી નથી પણ તેના મગજનું ઠેકાણું નહીં.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે
ટ્રમ્પનું ફટકે તો વિદેશી વિદ્યાર્થીઓની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી શકે એ જોતાં ધૂંધળું ભાવિ તો છે જ તેમાં શંકા નથી. અમેરિકામાં શિક્ષણ પૂરું કર્યા પછી તરત જ પોતાના દેશ પાછા ફરવું પડે એ પ્રકારના નવા નિયમો પણ ટ્રમ્પ બનાવી રહ્યા છે એ જોતાં હવે અમેરિકામાં શિક્ષણ પહેલાંની જેમ સારી કારકિર્દી બનાવવાનો શ્યોર શોટ નહીં જ રહે તેમાં શંકા નથી. ટ્રમ્પનું છટકેલું છે એ જોતાં હજુ કેવા કેવા ફતવા આવશે તેની પણ આપણને ખબર નથી.
ટ્રમ્પનો નિર્ણય ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે આંચકાજનક છે પણ તેના કારણે ભારત માટે એક તક પણ ઉભી થઈ છે. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન ધિકતો ધંધો છે. અમેરિકા દર વર્ષે લગભગ 50 અબજ ડોલરની કમાણી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશનમાંથી જ કરે છે. અમેરિકાની 30 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીમાં આ રકમ બહુ મોટી નથી પણ ભારત સહિતના દેશો માટે આ રકમ બહુ મોટી છે.
ભારત આ રકમમાંથી વીસેક ટકા રકમ પણ પોતાની તરફ વાળી શકે તો તેના કારણે ભારતના અર્થતંત્રને બહુ મોટો વેગ મળે પણ એ તાત્કાલિક શક્ય બનવાનું નથી કેમ કે અમેરિકામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે ભારત અત્યારે વિકલ્પ જ નથી. ઊલટાનું ભારતનું શિક્ષણ એ હદે કથળેલું છે કે, આપણાં ટેલેન્ટેડ છોકરાં દેશ છોડી છોડીને ભાગી રહ્યાં છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…
વિદેશી વિદ્યાર્થીઓ ભારત તરફ વળે એ માટે ભારતે એક નક્કર નીતિ અપનાવવી પડે અને એક દાયકાનું આયોજન કરવું પડે. અમેરિકા સહિતના દેશોમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે તેનું કારણ ભણી રહ્યા પછી રોજગારીની પુષ્કળ તકો છે. આઈટી સહિતના સાયન્સ અને ટેકનોલોજીના વિષયોમાં અમેરિકાનું શિક્ષણ અવ્વલ મનાય છે.
અમેરિકામાં વિદેશથી આવતા મોટા ભાગના વિદ્યાર્થી સાયન્સ અને ટેકનોલોજીના વિષયોનું શિક્ષણ લઈને અમેરિકામાં થાળે પડવા જ આવે છે. ભારતમાં સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણનું સ્તર સાવ કથળેલું છે તેથી અત્યારે કોઈ અહીં આવતું નથી પણ ભારત બે મોરચે કામ કરે તો વિદેશી વિદ્યાર્થીઓ અહીં આવવા માંડે.
પહેલું સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણનું સ્તર સુધારવું પડે અને બીજું આ શિક્ષણ મેળવ્યા પછી ફટાફટ રોજગારી મળે એવી સ્થિતી પેદા કરવી પડે. આ બંને કામ થઈ શકે તેમ છે. ટ્રમ્પના તુક્કાના કારણે અમેરિકાની આઈટી કંપનીઓ અને બીજા સેક્ટરની કંપનીઓ પણ પરેશાન છે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓ તેમની સાથે જોડાણ કરીને તેમને જરૂર છે એ પ્રકારનું શિક્ષણ આપતો સિલેબસ તૈયાર કરે તો આ કંપનીઓ ભારતમાં ભણેલા વિદ્યાર્થીઓને નોકરીઓ આપે.
ભારતમાં ભણીને મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળે તો વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં રસ પડે. આઈટી સેક્ટરમાં મોટા ભાગે આઉટસોર્સિંગથી કામ થાય છે તેથી ભારતમાં ભણેલા વિદ્યાર્થીઓને ભારતમાં જ નોકરી આપવી શક્ય પણ છે. અત્યારે બેંગલૂરુ અને હૈદરાબાદ તેનાં હબ છે પણ ભારત નવાં હબ પણ વિકસાવી શકે છે.
સાયન્સ અને ટેકનોલોજીમાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિસિન, સ્પેસ વગેરે સેક્ટરમાં પણ અમેરિકા, જાપાન, યુરોપ વગેરેની કંપનીઓ સાથે જોડાણ કરીને તેમની જરૂરીયાતો પ્રમાણેની ટેલેન્ટ તૈયાર કરવી શક્ય છે જ. તેના માટે વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર કરવો પડે, શિક્ષણના ક્ષેત્રમાં વિદેશી યુનિવર્સિટીઓ કે કંપનીઓને પ્રવેશ આપવો પડે ને સૌથી મહત્ત્વનું એ કે, આપણી શિક્ષણ નીતિને બદલવી પડે.
અત્યારે આપણી શિક્ષણ નીતિ જૂના જમાનાની છે ને આપણે બે ભાષા ભણાવવી કે ત્રણ ભાષા ભણાવવી તેમાં અટવાયેલા છીએ. આ બધું બાજુ પર મૂકીને સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણ પર ભાર મુકાય તો ટ્રમ્પના તુક્કાને તકમાં ફેરવી શકાય તેમ છે. ભારત શિક્ષણનું હબ બને તો વિદ્યાર્થીઓને તો પછી રોજગારી મળશે જ પણ એ પહેલાં લાખો લોકોને રોજગારી મળશે એ જોતાં આ તક છોડવા જેવી નથી.