એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં

-ભરત ભારદ્વાજ
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત, ચીન સહિતના દેશોના અમેરિકામાં આવતા માલ પર ટૅરિફ લાદવાની જાહેરાત કરેલી પણ તેના કારણે અમેરિકાના અર્થતંત્રની વાટ લાગવા માંડી પછી ટ્રમ્પ પોતે જ બનાવેલી ટૅરિફની જાળમાંથી બહાર નીકળવા ફાંફાં મારી રહ્યા છે. તેના ભાગરૂપે એક તરફ ટ્રમ્પ નવા ટૅરિફના અમલની મુદત લંબાવતા જાય છે તો બીજી તરફ દુનિયામાં આર્થિક રીતે મહત્ત્વના કહેવાય એવા દેશો સાથે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર સોદાબાજી કરી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ બન્યા પછી તાત્કાલિક ટૅરિફ લાદવાની જાહેરાત કરનારા ટ્રમ્પે બ્રિટન (યુકે) અને ચીન સાથે ટ્રેડ ડીલ કરીને પહેલાં જ પીછેહઠ કરી લીધી છે. હવે ભારત સાથે ટ્રેડ ડીલ માટે મથી રહ્યા છે.
ટ્રમ્પે બે એપ્રિલે વિશ્વભરના દેશો સાથે જેવા સાથે તેવા બનવાનું એલાન કરીને રેસિપ્રોકલ ટૅરિફ લાદ્યો હતો. મતલબ કે, અમેરિકાના માલ પર જે દેશમાં જેટલો ટૅરિફ હોય એટલો જ ટૅરિફ અમેરિકાએ એ દેશના અમેરિકામાં આવતા માલ પર ઠોકી દીધો હતો. આ રેસિપ્રોકલ ટૅરિફને પાછળથી 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ક્લોઝ અપ: ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ પર ટૅરિફ…’ પછી અજમાવે છે
આ 90 દિવસની સમયમર્યાદા નવ જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે તેથી ટ્રમ્પ શું કરે છે તેના પર સૌની નજર હતી. ટ્રમ્પે એલાન કરી દીધું છે કે, અમેરિકા દ્વારા લદાયેલો વૈશ્વિક ટૅરિફ વધારો નવ જુલાઈથી નહીં પણ એક ઓગસ્ટથી અમલી બનશે. ટ્રમ્પનું એલાન એ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પની ટૅરિફની ધમકીઓ પછી દુનિયાના દેશો બીજા રસ્તા શોધીને વ્યાપાર કરવા માંડ્યા તેમાં અમેરિકા ફફડી ગયું છે. ટ્રમ્પને એમ હતું કે, ટૅરિફના ડરે દુનિયાના દેશો અમેરિકાના પગ પકડી લેશે પણ એવું થયું નથી.
ટ્રમ્પે ટૅરિફ લાદ્યા પછી અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટે દાવો કરેલો કે, 90 દેશો અમેરિકા સાથે વેપાર સોદો કરવા તૈયાર છે અને વ્હાઇટ હાઉસનું મેઇલ ઇનબોક્સ જુદા જુદા દેશોની ટ્રેડ ડીલ ઓફરોથી ભરેલું છે. 10 એપ્રિલે અમે ટૅરિફ મોકૂફ રાખીને 90 દિવસમાં 90 દેશો સાથે ટ્રેડ ડીલનું ટાર્ગેટ નક્કી કરેલું. આ ટાર્ગેટ પૂરું થવામાં છે અને મોટાભાગના દેશો અમેરિકન શરતો સ્વીકારીને શક્ય તેટલી વહેલી તકે ડીલ કરવા તૈયાર છે.
હવે સ્કોટ બેસન્ટ શું કહે છે એ પણ સાંભળવા જેવું છે. બેસન્ટને હવે ડહાપણ આવ્યું છે કે, અમેરિકા માને છે કે કોઈપણ દેશ સાથેના ટ્રેડ ડીલના દરવાજા ક્યારેય બંધ ન થવા જોઈએ અને બે દેશો વચ્ચે હેલ્ધી ટ્રેડ એટલે કે સ્વસ્થ વ્યાપાર થવો જોઈએ. દુનિયાભરના દેશોને ધમકી આપનારું અમેરિકા હવે હેલ્ધી ટ્રેડનું જ્ઞાન પિરસી રહ્યું છે એ પાછળનું કારણ શું એ કહેવાની જરૂર નથી.
આપણ વાંચો: ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ છે !
ટ્રમ્પે એવું એલાન પણ કર્યું છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ થવાની તૈયારીમાં છે અને અમે ભારત સાથે ડીલ કરવાની બહુ નજીક છીએ. ભારત સાથે ટ્રેડ ડીલ ક્યાં સુધીમાં થઈ જશે તેની ચોખવટ ટ્રમ્પે કરી નથી પણ બે-ચાર દિવસમાં આ જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ ટ્રેડ ડીલ કયા પ્રકારનું હશે તેની ચોખવટ પણ નથી કરાઈ. ભારતે તો અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર (ઋઝઅ)ની તૈયારી પણ બતાવી છે પણ અમેરિકા તેના માટે તૈયાર નથી એ જોતાં ચોક્કસ સેક્ટર આધારિત ટ્રેડ ડીલ થશે પણ આ ડીલથી ભારત અને અમેરિકા બંનેને ફાયદો થશે તેમાં બેમત નથી.
અત્યારે બહાર આવેલી વિગતો પ્રમાણે અમેરિકા ભારતના કાપડ, દવાઓ, ઝવેરાત પર ટૅરિફ ઘટાડવા તૈયાર છે તેથી આ ઉત્પાદનોને અમેરિકન બજારમાં વધુ પ્રવેશ મળશે. અમેરિકા 26 ટકા પારસ્પરિક ટૅરિફ દૂર કરે તેના કારણે ભારતીય નિકાસ સસ્તી થશે અને બીજા દેશોનાં ઉત્પાદનો સામે ભારત ટકી શકશે. સામે પેકન નટ્સ, બ્લૂબેરી અને ઓટોમોબાઇલ્સ જેવાં ઉત્પાદનોને ભારતમાં ઓછા ટૅરિફ પર વેચવાની તક મળશે તેથી અમેરિકાને ફાયદો થશે.
આપણ વાંચો: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
ભારત અને અમેરિકાની ટીમો વચ્ચે ટ્રેડ ડીલ અંગે વોશિંગ્ટનમાં સતત વાટાઘાટો ચાલી રહી છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે પણ કશું નક્કી થયું નથી તેનું કારણ ભારતનાં હિતો અંગે નરેન્દ્ર મોદી સરકારનું મક્કમ વલણ છે. અમેરિકા પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર ટૅરિફ ઘટાડીને તેમના માટે ભારતીય બજાર ખોલવાની માગ કરી રહ્યું છે. ઓટો સહિત અન્ય ક્ષેત્રોમાં તેના ટૅરિફ ઘટાડવાની માગ પણ કરી રહ્યું છે.
અમેરિકા ભારતને જીએમ પાક અને ડેરી ઉત્પાદનો વેચવા માગે છે પણ ભારત અમેરિકાનો માલ લેવા તૈયાર નથી. ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફ અંગે પણ મતભેદો છે. ભારત ઇચ્છે છે કે અમેરિકા 26 ટકા પારસ્પરિક ટૅરિફ અને 10% બેઝલાઇન ટૅરિફને સંપૂર્ણપણે નાબૂદ કરે પણ અમેરિકા 10 ટકા ટૅરિફ નાબૂદ કરવા તૈયાર નથી. ભારતને ઝૂકાવવા માટે ટ્રમ્પે ધમકી આપેલી જે દેશો નવ જુલાઈ સુધીમાં અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર નહીં કરે તેમણે આકરા ટૅરિફનો સામનો કરવો પડશે.
મોદી સરકાર કોઈ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી અને ભારતે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં. ભારત સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલવામાં નહીં આવે કે ટૅરિફ ઘટાડવામાં પણ નહીં આવે. કૃષિ-ડેરી સેક્ટરમાં કરાર અને ટૅરિફ અંગે અમેરિકાની શરતો સ્વીકારવાના ભારતના સ્પષ્ટ ઈનકારના પગલે કોકડું ગૂંચવાયેલું છે.
મોદી સરકારનું વલણ યોગ્ય છે કેમ કે ભારતમાં કૃષિ અને ડેરી સેક્ટર પર કરોડો પરિવારો નભે છે. આ બંને સેક્ટર આજે પણ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. ભારતમાં સૌથી વધારે રોજગારી આપતાં આ બંને ક્ષેત્રોનાં હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.
ટૅરિફ ઘટાડીને અમેરિકાની કંપનીઓ માટે આ બંને સેક્ટર ખોલી દેવાય તો ભવિષ્યમાં કરોડો પરિવારો પર તેની ખરાબ અસર પડે. મોદી સરકાર એ નકારાત્મક અસર નથી પડવા દેવા માગતી તેથી અડી ગઈ છે. ટ્રમ્પે જાત જાતનાં નાટકો કરીને મોદી સરકારને ભીંસમાં લેવા પ્રયત્ન કર્યો પણ મોદી સરકારે મચક આપી નથી. ભવિષ્યમાં પણ મોદી સરકાર આ મક્કમ વલણ ચાલુ રાખશે એવી આશા રાખી શકાય.