એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે એવી આશા રાખીએ

-ભરત ભારદ્વાજ
અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ લીધા અને ચાર વર્ષના ગાળા પછી ફરી દુનિયામાં સૌથી શક્તિશાળી શાસક બની ગયા. ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સાથે અમેરિકામાં ફરી એક જૂની પરંપરા પણ સ્થાપિત થઈ.
અમેરિકામાં વિદાય લઈ રહેલા પ્રમુખ નવા પ્રમુખ માટે લશ્કરી પ્લેનની વ્યવસ્થા કરે છે કે જેથી શપથવિધિ માટે રાજધાની વૉશિંગ્ટન ડીસી આવી શકાય. અમેરિકામાં વરસોથી સત્તાથી બહાર જઈ રહેલા પ્રેસિડેન્ટ નવા પ્રેસિડેન્ટ માટે આ પ્રકારનું સૌજન્ય બતાવે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ સૌજન્ય ચૂકી ગયા હતા. ટ્રમ્પ તો સત્તા છોડવા જ તૈયાર નહોતા તેથી 2021માં બાઈડન માટે લશ્કરી પ્લેન નહોતું મોકલ્યું. આ કારણે બાઈડને ખાનગી વિમાન દ્વારા વૉશિંગ્ટન આવવું પડ્યું હતું.
જો બાઈડને જેવા સાથે તેવા થવાના બદલે જૂની પરંપરાને ફરી જીવિત કરવાનું મુનાસિબ સમજ્યું અને ભૂતપૂર્વ પ્રમુખોએ બતાવેલા સૌજન્યની પંરપરાને ફરી સ્થાપિત કરીને ટ્રમ્પને લેવા માટે ઍરફોર્સના સી-32 લશ્કરી વિમાનને મોકલ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ માટે શનિવારે બપોરે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી ઍરફોર્સના આ સી-32 લશ્કરી વિમાનમાં બેસીને પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પ સાથે વૉશિંગ્ટન પહોંચી ગયા હતા. આ ફ્લાઈટને સ્પેશિયલ ઍર મિશન 47 નામ આપવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ હશે તેથી મિશન 47 નામ અપાયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી શું કરે છે તેના પર સૌની નજર છે. ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બહુ બધાં વચનો આપેલાં અને પોતે સત્તામાં આવતાં જ તેનું પાલન કરશે એવી ખાતરી પણ આપી હતી. અમેરિકામાં પ્રમુખ પાસે અમર્યાદિત સત્તાઓ છે. અમેરિકામાં પ્રમુખ એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડી શકે છે. પ્રમુખ દ્વારા એકપક્ષીય રીતે જાહેર કરવામાં આવતા એક્ઝિક્યુટિવ ઑર્ડર માટે અમેરિકાની સંસદ એટલે કૉંગ્રેસની મંજૂરીની જરૂર નથી હોતી. કૉંગ્રેસ એક્ઝિક્યુટિવ ઑર્ડરને બદલી ના શકે તેથી આ ઑર્ડર તરત અમલી બનતા હોય છે. એક્ઝિક્યુટિવ ઑર્ડરને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, પણ તેમાં બહુ સમય જાય છે તેથી એક્ઝિક્યુટિવ ઑર્ડરને પ્રમુખનું ખાસ હથિયાર માનવામાં આવે છે.
ટ્રમ્પની ટીમે કરેલી જાહેરાત પ્રમાણે સોમવારે શપથ લીધાં પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી કરશે ત્યારે 100થી વધુ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરશે. ટ્રમ્પની ટીમે ટ્રમ્પ પ્રમુખ તરીકે બીજી ઈનિંગની શરૂઆત કરે એ પહેલાં આ ઑર્ડર તૈયાર કરી દીધા હતા અને ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પ્રમુખ બેસે એ પહેલાં ઓવલ ઑફિસમાં ટ્રમ્પના ટેબલ પર તમામ એક્ઝિક્યુટિવ ઑર્ડર મૂકી દેવાયા હોવાનો દાવો પણ ટ્રમ્પની ટીમે કર્યો હતો. ટ્રમ્પનાં ચૂંટણી વચનો પૂરાં કરવાના ઉદ્દેશથી આ એક્ઝિક્યુટિવ ઑર્ડર તૈયાર કરવામાં આવ્યા હોવાનું એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું.
ટ્રમ્પે કહેલું કે, પોતે પ્રમુખપદની બીજી ઈનિંગમાં પહેલા દિવસે રેકોર્ડ સંખ્યામાં એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરવાના છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મેક્સિકોની સરહદ સીલ કરવી, ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ સહિતના એક્ઝિક્યુટિવ ઑર્ડર તૈયાર છે. આ લેખ વાંચતા હશો ત્યારે આ પૈકી કેટલા એક્ઝિક્યુટિવ ઑર્ડર પર ટ્રમ્પે સહી કરી દીધી તેની ખબર પડી ગઈ હશે તેથી તેના વિશે ચર્ચા પછી કરીશું, પણ ટ્રમ્પ અમેરિકાને એક નવા યુગમાં લઈ જશે એ સ્પષ્ટ છે. આ યુગ સારો હશે કે ખરાબ હશે એ ખબર નથી, પણ ટ્રમ્પ ઘણું બધું નવું કરશે તેમાં કોઈ શંકા નથી.
અમેરિકાની પ્રજા માટે અને અમેરિકાના ભવિષ્ય માટે આ બધા એક્ઝિક્યુટિવ ઑર્ડર મહત્વના છે તેથી અમેરિકામાં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પણ ભારત માટે વધારે મહત્ત્વની બાબત ટ્રમ્પની આર્થિક અને વિદેશ નીતિઓ છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતથી આવતા માલ-સામાન પર 100 ટકા ટૅક્સ લાદવાથી માંડીને ભારતીયોના અમેરિકામાં પ્રવેશ સહિતના મુદ્દે આકરું વલણ અપનાવવાની ધમકીઓ આપેલી. આ પૈકી ટ્રમ્પ કેટલી ધમકીઓનો અમલ કરે છે અને ક્યારે કરે છે તેના પર ભારતની નજર છે.
ભારતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના ભક્તોએ મોદી અને ટ્રમ્પની દોસ્તીની વાતો બહુ ચલાવી છે. મોદી સાથેની દોસ્તીના કારણે ટ્રમ્પ ભારતનાં હિતોને કોઈ નુકસાન નહીં પહોંચાડે એવા દાવા પણ મોદીના સમર્થકો દ્વારા કરાતા હતા, પણ ટ્રમ્પનું અત્યાર સુધીનું વલણ મોદી તેમના દોસ્ત હોય એવું નથી ને દોસ્ત હોય તોપણ આ દોસ્તીને ખાતર ટ્રમ્પ ભારતનાં હિતોને નુકસાન નહીં કરે એવું તો જરાય નથી.
ટ્રમ્પે સૌથી પહેલાં તો પ્રમુખપદે ચૂંટાયા પછી મોદીની સાવ ઉપેક્ષા કરી છે. ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછી મોદી સૌથી પહેલાં ફોન કરનારા નેતાઓમાં એક હતા ને ટ્રમ્પે જેમના ફોન લીધા એવા સૌથી પહેલા ત્રણ નેતાઓમાં મોદી એક હતા એવું આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતે કહ્યું છે તેથી તેના વિશે શંકા ના કરી શકાય, પણ એ પછી ટ્રમ્પે મોદી તરફ કોઈ ઉષ્મા કે સૌજન્ય નથી બતાવ્યાં એ પણ હકીકત છે.
ટ્રમ્પે મોદીને પછી ફોન કરવાનું પણ ટાળ્યું અને વ્યક્તિગત રીતે શપથવિધિમાં હાજર રહેવા માટેનું નિમંત્રણ પણ ના આપ્યું. તેનો અર્થ સ્પષ્ટ છે કે, મોદીના સમર્થકો કહે છે એવી કોઈ દોસ્તી ટ્રમ્પ અને મોદી વચ્ચે નથી. ભારતના લોકોને તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે ભારત માટે પોતાનાં હિતો મહત્ત્વનાં છે, આ હિતો જળવાશે કે
નહીં એ મહત્ત્વનું છે કેમ કે ભારત માટે હાલનો કાળ બહુ કપરો છે.
ભારતનું અર્થતંત્ર જબરદસ્ત વિકાસ કરી રહ્યું છે એવું ફૂલગુલાબી ચિત્ર ઊભું કરાયું છે, પણ વાસ્તવિકતા અલગ જ છે તેનો અહેસાસ સૌને થઈ જ ગયો છે. મોદી સરકાર રૂપિયાનું પતન રોકી શકતી નથી, નિકાસ વધારી શકી નથી કે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા પણ ઓછી કરી નથી શકી. આ સંજોગોમાં ટ્રમ્પ ચાવી ટાઈટ કરે તો ભારત માટે પડતા પર પાટું જેવી હાલત થાય. ટ્રમ્પનાં પગલાંને કારણે ભારતની નિકાસ ઓછી થાય એ આપણને કોઈ કાળે પરવડે તેમ
નથી તેથી આશા રાખીએ કે ટ્રમ્પ એવું કશું
ના કરે.