
-ભરત ભારદ્વાજ
લગભગ ચાર વર્ષની વાટાઘાટો પછી અંતે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ના અમલનો તખ્તો તૈયાર છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં યુકે ગયા છે. મોદી અને યુકેના વડાપ્રધાન સ્ટેમરની હાજરીમાં થયેલા આ કરારને બંને દેશે ઐતિહાસિક ગણાવ્યો છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરારનો ખરો અર્થ એ થાય કે, કરાર કરનારા બંને દેશો એકબીજાને ત્યાં કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો કે પ્રતિબંધો વિના મુક્ત રીતે વ્યાપાર કરી શકે. ભારત અને યુકે વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ પ્રકારનો નથી તેથી તેને શત પ્રતિશત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ના કહી શકાય, પણ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઘણી બધી બાબતોને આવરી લેવાઈ છે તેથી આ કરાર ઐતિહાસિક છે જ.
આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના માલ પર કસ્ટમ ડ્યુટી અથવા આયાત ડ્યુટી ઘટાડશે અથવા નાબૂદ કરશે તેથી ભારતથી યુકે જતો ને યુકેથી ભારત આવતો માલ સસ્તો થશે. માલ સસ્તો થાય એટલે તેની ખપત વધે તેથી બંને દેશોને આર્થિક ફાયદો થશે.
આ કરારથી બંને દેશોને કેટલો ફાયદો થયો તેની ખબર તો વરસ પૂરું થાય પછી જ પડે પણ કરાર પર ઉપલક નજર નાંખીએ તો ભારતમાંથી બ્રિટનમાં નિકાસ થતા ચામડા, કાપડ અને જૂતા સહિતનાં ઉત્પાદનો સસ્તાં થશે જ્યારે બ્રિટનથી ભારતમાં આવતી વ્હિસ્કી અને કારની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે તેથી ભારતમાં આ બ્રિટિશ ઉત્પાદનો સસ્તામાં મળશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ભાગવત ગમે તે કહે, ભાજપ પાસે મોદીનો વિકલ્પ જ ક્યાં છે?
આ કરાર ફક્ત માલ પૂરતો મર્યાદિત નથી પણ સર્વિસ, સરકાર દ્વારા કરાતી સંરક્ષણ સહિતની ખરીદી, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટને પણ આવરી લેવાયા છે તેથી બંને દેશોના પ્રોફેશનલ્સ અને કંપનીઓને પણ ફાયદો થશે. યુકેમાં ભારતની 900 કંપનીઓ કામ કરે છે અને 70 અબજ ડૉલરનું યોગદાન યુકેના અર્થતંત્રમાં આપે છે. આ કંપનીઓએ કરવી પડતી કાનૂની પ્રક્રિયાઓ તથા કરવેરા સહિતની બાબતોમાં સરળતા થઈ જશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ભાગરૂપે ભારત અને બ્રિટન વચ્ચે ડબલ કોન્ટ્રીબ્યુશન ક્ધવેન્શન એગ્રીમેન્ટ (સામાજિક સુરક્ષા કરાર) પણ થવાનો છે. તેના કારણે બ્રિટનમાં કામચલાઉ ધોરણે કામ કરી રહેલા પ્રોફેશનલ્સે ભારત અને બ્રિટનમાં સોશિયલ સીક્યુરિટી માટે અલગ અલગ પ્રીમિયમ નહીં ભરવાં પડે, ભારતમાં આપેલું કોન્ટ્રિબ્યુશન યુકેમાં પણ માન્ય ગણાશે.
આ કરારના કારણે 2030 સુધીમાં બંને દેશોના વેપારને 120 અબજ ડોલર થઈ જશે એવી આશા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિના વ્યાપાર ગોકળગાયની ગતિએ આગળ વધતો હતો ને વરસે પાંચથી દસ ટકાનો વધારો થતો. 2022-23માં વ્યાપાર 20.36 અબજ ડોલર હતો એ 2023-24માં વધીને 21.34 અબજ ડોલર પર પહોંચ્યો હતો. 2024-25માં ભારતથી બ્રિટનમાં નિકાસ 14.5 અબજ ડૉલર હતી જ્યારે આયાત 8.6 અબજ ડૉલર હતી તેથી કુલ વ્યાપાર 23.1 અબજ ડૉલર હતો.
આમ અત્યારે બંને દેશો વચ્ચેનો વ્યાપાર 24 અબજ ડોલરથી પણ ઓછો છે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે વ્યાપાર રોકેટ ગતિએ વધશે ને પાંચ વર્ષમાં વ્યાપાર વધીને પાંચ ગણો થઈ શકે છે. આ વ્યાપાર ભારતના ફાયદામાં છે એ કહેવાની જરૂર નથી કેમ કે ભારતમાં કામદાર આધારિત ઉત્પાદનોને રાહત મળવાની છે તેથી તેમની નિકાસ વધશે.
જૂતાં, કપડાં, ચામડું વગેરે ઉત્પાદનો એવાં છે કે જેની સાથે કામદાર વર્ગ જોડાયેલો હોય છે તેથી તેની ખપત વધે તો ભારતમાં રોજગારી પણ વધે જ એ સ્પષ્ટ છે. આ સિવાય ભારતમાંથી દરિયાઈ ઉત્પાદનો, ચામડું, ફૂટવેર, રમતગમતના સામાન અને રમકડાં, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ સામાન, ઓટો ભાગો અને એન્જિન અને કાર્બનિક રસાયણો વગેરેની પણ નિકાસ થશે. આ બધા ઉત્પાદનો ભારતમાં લાખો લોકોને રોજગારી આપે છે તેથી ભારતને જંગી ફાયદો થશે.
આઈટી કંપનીઓને પણ ફાયદો થશે તેથી પ્રોફેશનલ્સને પણ ફાયદો થવાનો જ છે. સામે બ્રિટનને મુખ્ય ફાયદો વ્હીસ્કી અને કારના વેચાણમાં થશે. બ્રિટનની કાર કંપનીઓ ધનિકો માટેની લક્ઝુરીયસ કાર્સ બનાવે છે. એસ્ટન માર્ટિન, બેન્ટલી, જગુઆર, લેન્ડ રોવર, લોટસ, મિની, મોર્ગન, રોલ્સ-રોયસ વગેરે યુકેની કાર કંપનીઓ છે. આ કંપનીઓની સામાન્ય કાર પણ 50 લાખ રૂપિયાથી ઓછામાં નથી આવતી. આ કારણે અતિ ધનિકો જ આ કંપનીઓની કારો ખરીદે છે.
ભારતમાં કસ્ટમ ડ્યુટી ઘટશે તેથી તેમના ભાવ ઘટશે એટલે અપર મિડલ ક્લાસ પણ આ કારો ખરીદતો થશે. બ્રિટિશ વ્હીસ્કી પણ સસ્તી થશે તેથી માલ વધારે જશે એટલે યુકેને પણ ફાયદો છે જ. બ્રિટિશ એરોસ્પેસ, લેમ્બ, કોસ્મેટિક્સ, તબીબી ઉપકરણો, સેલ્મોન, ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટ પણ સસ્તાં થશે.
યુકેની આર્થિક હાલત અત્યારે બહુ સારી નથી. યુકે સહિતના યુરોપના દેશો અમેરિકાના બજાર પર નિર્ભર છે પણ અમેરિકામાં અત્યારે મંદી છે તેથી યુકેને પોતાનો માલ ખપાવવા ભારત જેવા મોટા માર્કેટની જરૂર છે. આ કરારથી યુકેને 150 કરોડ લોકોનું તોતિંગ બજાર મળી રહ્યું છે.
ભારતમાં ધનિકો ઝડપથી વધી રહ્યા છે તેથી બ્રિટિશ લક્ઝુરીયસ કાર અને સ્કોચ સહિતની ચીજો માટે એક નવું બજાર યુકે માટે ખૂલી રહ્યું છે. સાયન્સ અને ટેકનોલોજી, ડીફેન્સ સહિતના ક્ષેત્રોમાં ભારત અત્યારે અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશો પાસેથી માલ લે છે. તેના બદલે હવે યુકેનો માલ સસ્તો પડશે તેથી યુકે તરફ વળશે ને યુકેને જંગી ફાયદો થશે એ જોતાં યુકે વધારે ફાયદામાં રહેશે.
ભારત અને યુકે વચ્ચે છેલ્લા ચાર વર્ષથી આ વ્યાપાર કરાર માટે વાટાઘાટો ચાલતી હતી મે 2021માં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન ભારત આવ્યા ત્યારે બોરિસ જોનસન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધારવા અને વધારે સહયોગ કરવા સંમત થયા પછી ભારત અને યુકેએ જાન્યુઆરી 2022માં વાટાઘાટો શરૂ કરી હતી. એ વખતે જોનસને જાહેર કરેલું કે આ કરાર દિવાળી 2022 સુધીમાં પૂરો થઈ જશે અને દિવાળીએ ભારત અને યુકેના સંબંધોમાં નવા યુગની શરૂઆત થશે.
જો કે બંને દેશોને માફક આવે એવી શરતો પર સંમતિ નહોતી બનતી તેથી કરારને અંતિમ રૂપ આપી શકાયું નહોતું. બોરિસ જોનસને વાત કરેલી એ 2022ની દિવાળી તો ગઈ જ પણ 2023 અને 2024ની દિવાળી પણ જતી રહી. વચ્ચે 15 બેઠકો થઈ ને છેવટે આ દિવાળીએ લોકોને ફાયદો થશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?