એકસ્ટ્રા અફેર

હિમાચલમાં કૉંગ્રેસની એકતા લાંબુ નહીં ટકે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના છ ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે સુખવિંદરસિંહ સુખુની સરકાર પર ઊભું થયેલું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદરસિંહ સુખુની કૉંગ્રેસ સરકાર પરનું સંકટ દૂર કરવા કૉંગ્રેસે ભૂપેન્દ્ર હુડ્ડા અને ડી.કે. શિવકુમારની જોડીને શિમલા રવાના કરેલી અને બંને તેમના મિશનમાં હાલ પૂરતા તો સફળ રહ્યા છે. બંને નેતાએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યને સમજાવીને પ્રધાનપદેથી રાજીનામું પાછું લેવડાવ્યું છે અને કૉંગ્રેસ મેં સબ ચંગા હૈ એવું એલાન કરી દીધુ પણ કૉંગ્રેસની આ એકતા ક્યાં સુધી ટકશે એ સવાલ છે.

કૉંગ્રેસે ગુરુવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં ડીકે શિવકુમાર, ભૂપેન્દ્ર હુડ્ડા અને હિમાચલના મુખ્ય પ્રધાન સુખવિંદર સુખુ હાજર રહ્યા પણ જેમણે બળવો કરાવ્યો એ પ્રતિભા સિંહ કે વિક્રમાદિત્ય સિંહ હાજર નહોતા. આ પહેલાં પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્યને મનાવવામાં જે ડ્રામા થયો તેના કારણે પણ સુખુ સરકાર પરનું સંકટ સાવ ટળી ગયું છે એ વાત માનવી થોડી અઘરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં એલાન કરાયું છે કે, કૉંગ્રેસ નેતાગીરી અને ધારાસભ્યો વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ ગયા છે અને સુખુ જ મુખ્ય પ્રધાનપદે ચાલુ રહેશે. એવો દાવો પણ કરાયો છે કે, સુખુ સરકારને તોડવા માટે ભાજપે કરેલું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે અને લોકસભાની ચૂંટણી હવે અમારા માટે ટોપ પ્રાયોરિટી છે.

કૉંગ્રેસે હિમાચલની કટોકટી પતી ગઈ એવો દેખાવ તો કરી દીધો પણ જેમના કારણે બળવો થયો એ પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્ય માની ગયા હોય એવું દેખાતું નથી. વિરભદ્રસિંહનાં પત્નિ પ્રતિભા સિંહ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ છે જ્યારે વિક્રમાદિત્ય સિંહ સુખુ સરકારમાં પ્રધાન છે. બંનેએ મુખ્ય પ્રધાન સુખુના સત્તાવાર નિવાસ સ્થાન ઓક ઓવર પર હાજરી આપી પણ એ પહેલાં તેમણે જોરદાર ડ્રામા કર્યો. સૌથી પહેલાં તો પ્રતિભા સિંહે અને વિક્રમાદિત્ય સિંહે ઓક ઓવરમાં આવવાની જ ના પાડી દીધી હતી.

કૉંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને ભૂપેશ બઘેલ શિમલાની બીજી હોટેલમાં રોકાયેલા છે. તેમણે પ્રતિભા અને વિક્રમાદિત્યને ફોન કર્યો પછી બંને તેમને હોટેલમાં મળ્યા પણ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ના જ ગયા. શિવકુમાર તેમને મનાવવા હોટેલ ગયા હતા અને ત્યાંથી પોતાની સાથે બંનેને લઈને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા પછી પણ પ્રતિભાએ પ્રેસ કોન્ફરન્સમાં તો હાજરી ના જ આપી.

પ્રતિભા સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની હારનો ખરખરો કર્યો પણ સાથે સાથે પોતાનો કક્કો પણ ખરો કરાવડાવ્યો. સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ નહીં હોવાની વાત પર ભાર મૂક્યો અને આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે એવું એલાન પણ કર્યું પણ તેમનો સમર્થક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ખોટું કર્યું છે એવું ના બોલ્યાં. ઉલટાનું પ્રતિભા સિંહે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરનારા કૉંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સામે નારાજગી વ્યક્ત કરી. વિધાનસભા સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ છ બળવાખોર ધારાસભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા તેની સામે નારાજગી વ્યક્ત કરીને પ્રતિભા સિંહે એવું કહ્યું કે આ નિર્ણય હાઈકમાન્ડે લેવાનો હતો.

કૉંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્યને લોકસભાની ચૂંટણી સુધી રાહ જોવા માટે સમજાવી લેવાયાં છે. પ્રતિભાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે ને તેનો આધાર લોકસભાની ચૂંટણીના પરિણામો પર છે. લોકસભાની ચૂંટણી પછી પ્રતિભા અને વિક્રમાદિત્ય સાથે બેસીને મુખ્ય પ્રધાનપદ મુદ્દે વાત કરવાની બાંહેધરી અપાઈ છે પણ લોકસભા ચૂંટણીમાં સુખવિંદરસિંહ સુખુ કૉંગ્રેસનો ડંકો વગાડી તો પ્રતિભા-વિક્રમાદિત્ય ઠંડાં પડી જશે. કૉંગ્રેસ હારી ગઈ તો સુખુ માટે ફરી ડખો ઊભો થશે.

કૉંગ્રેસ માટે એ પણ ખતરો છે કે, પ્રતિભા અને વિક્રમાદિત્ય પોતાની રાજકીય તાકાત બતાવવા માટે કૉંગ્રેસને હરાવી દે. હિમાચલ પ્રદેશની ૪ લોકસભા બેઠકો પર કૉંગ્રેસને જીતાડવામાં સુખુ સફળ થાય તો સ્વાભાવિક રીતે જ કૉંગ્રેસ સુખુને નહીં હટાવે. એ સ્વાભાવિક છે એ જોતાં પ્રતિભા અને વિક્રમાદિત્ય લોકસભાની ચૂંટણીમાં સુખુનું સફળ નહીં થવા દેવા પૂરી તાકાત લગાવી દે એવી પૂરી સંભાવના છે. ટૂંકમાં અત્યારે જે થયો છે એ યુદ્ધવિરામ છે ને લોકસભાની ચૂંટણીમાં જંગ જારી રહેશે, લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ યુદ્ધ પાછું છેડાઈ જશે. આ યુદ્ધ ટાળવું હોય તો સુખુએ હિમાચલ પ્રદેશની ચાર લોકસભા બેઠકો પર કૉંગ્રેસને જીતાડીને પોતાની તાકાત સાબિત કરવી પડે. સુખુ બે બેઠકો જીતાડી લાવે તો પણ સફળ ગણાશે કેમ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે એક પણ બેઠક નહોતી જીતી ને ચારેય બેઠકો ભાજપના ફાળે ગયેલી.

કૉંગ્રેસની ભવાઈમાં એ રીતે ટેબ્લો પડ્યો છે ને હવે લોકસભાની ચૂંટણીમાં શું થાય છે તેના પર આધાર છે પણ કૉંગ્રેસ હિમાચલ પ્રદેશની કટોકટીમાં અસરકારક રીતે વર્તી છે તેનો ઈન્કાર ના કરી શકાય. કૉંગ્રેસે લાંબા સમય પછી આક્રમક મૂડમાં દેખાઈ ને ચોક્કસ વ્યૂહરચના સાથે આગળ વધી.

એક તરફ ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીમાં સુખુ સરકારે બજેટ પસાર કરાવ દીધું. બજેટ પસાર કરાવીને કૉંગ્રેસે એક રીતે વિશ્ર્વાસનો મત જીતી લેતાં હવે ત્રણ મહિના સુધી સુખુ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પણ ભાજપ નહીં લાવી શકે તેથી કૉંગ્રેસને ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. બીજી તરફ કૉંગ્રેસે રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનારા છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવીને સપાટો બોલાવી દીધો છે.

કૉંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે પણ હિમાચલ પ્રદેશ વિધાનસભા સચિવાલયે કૉંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોની બેઠકો ખાલી જાહેર કરી દીધી છે. નિયમ મુજબ બેઠક ખાલી જાહેર થયાના છ મહિનામાં પેટાચૂંટણી યોજવી જરૂરી છે. આ કારણે બળવાખોર ધારાસભ્યો દોડતા થઈ ગયા છે ને સ્ટે લાવવા મથી રહ્યા છે. આ ધારાસભ્યો હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઈ આવે તો ચૂંટણી પંચ આ બેઠકો પર પેટાચૂંટણી કરાવી શકશે નહીં.

કોર્ટ શું કરે છે એ જોવાનું છે પણ લાંબા સમય પછી કૉંગ્રેસે બળવાખોરો સામે લાલ આંખ કરી છે એ કબૂલવું પડે. કૉંગ્રેસમાં બળવો કરો એટલે નેતાગીરી પગ પકડતી આવે એવો સીન અત્યાર લગી જોવા મળતો. આ વખતે સીન બદલાયો છે ને કૉંગ્રેસમાં આવેલું આ પરિવર્તન બહુ મોટું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button