એકસ્ટ્રા અફેરઃ જૂઠા નેતા ચાલે તેના માટે પ્રજા જવાબદાર

ભરત ભારદ્વાજ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાનાં નિવેદનોના કારણે ફરી એક વાર ચર્ચામાં છે. ગડકરીએ નાગપુરમાં મહાનુભાવ એક ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં બોલતાં ટોણો માર્યો કે, અત્યારે દેશમાં સૌથી વધારે જૂઠું બોલે એ સારો નેતા છે અને એવો જ નેતા રાજકારણમાં સફળ થાય છે. રાજકારણમાં જુસ્સા, ઉત્સાહ અને આનંદથી કામ કરનારા લોકો છે પણ લોકોને બહુ સારી રીતે મૂર્ખ બનાવી શકે છે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે છે.
ગડકરીના કહેવા પ્રમાણે, રાજકારણમાં મત મેળવવા ખોટાં વચનો અપાય છે અને પ્રજાને ભ્રમિત કરાય છે તેના કારણે એવી છાપ પણ પડી ગઈ છે કે, નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવે છે. ગડકરીએ તો રાજકારણીઓને ધર્મથી દૂર રાખવાની વિનંતી કરીને એવું પણ કહ્યું કે, રાજકારણીઓ જ્યાં પણ ઘૂસે છે ત્યાં ભડકો કર્યા વિના રહેતા નથી તેથી મંત્રીઓ અને નેતાઓને ધર્મથી વેગળા જ રાખો, તેમને ધાર્મિક કાર્યક્રમોમાં ના બોલાવો.
ગડકરીએ એક શાણપણભરી વાત એ પણ કરી છે કે, ધર્મ સાથે સંકળાયેલાં લોકોને સત્તા સોંપવામાં આવે એ દેશ માટે હાનિકારક છે અને ધર્મના નામે રાજકારણ પણ સમાજ માટે હાનિકારક છે કેમ કે ધાર્મિક , સામાજિક અને રાજકીય કાર્ય અલગ અલગ છે. ધર્મ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે તેથી તેને રાજકારણથી દૂર રાખવો જોઈએ પણ કેટલાક રાજકારણીઓ તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. આ કારણે વિકાસ અને રોજગારના મુદ્દા હાંસિયામાં જતા રહે છે.
ગડકરીએ બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ ગડકરીની મોટા ભાગની વાતો સાચી છે તેમાં બેમત નથી. ભારતનું રાજકારણ સંપૂર્ણપણે સત્તાલક્ષી થઈ ગયું છે અને સત્તા માટે જૂઠનો સહારો લેવામાં જરાય છોછ નથી રહ્યો એ વાત સો ટકા સાચી છે. પહેલાં પણ રાજકારણીઓ કંઈ રાજા હરિશ્ચંદ્રના અવતાર નહોતા પણ સરેઆમ ખોટું નહોતા બોલતા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: સલવા જુડૂમનો બચાવ કઈ રીતે થઈ શકે ?
એ વખતે મીડિયાનો એવો વ્યાપ નહોતો ને સોશ્યલ મીડિયા તો હતું જ નહીં તેથી દેશના કોઈ ખૂણામાં કોઈ નેતા જૂઠું બોલી ગયો હોય તેની લોકોને ખબર પણ નહોતી પડતી. દિલ્હીમાં કે મીડિયા સામે બોલવાનું હોય ત્યારે નેતાઓ સંયમ જાળવી લેતા, બાકી એ વખતે પણ ખોટ્ટાડા નેતા તો હતા જ ને એ બધા ચાલતા પણ હતા. હવે એવાં છાનગપતિયાંના બદલે ખુલ્લેઆમ જૂઠું બોલાય છે એ મોટો ફરક છે.
જો કે આ પતન માત્ર રાજકારણનું જ નથી પણ લોકોનું પણ છે. જૂઠું બોલનારા લોકો મોટા નેતા બની જાય છે તેનું કારણ લોકો જ છે ને ? લોકો એવા નેતાઓને પસંદ કરે છે તેથી લોકોનું પણ પતન જ થયું કહેવાય. લોકો જૂઠું બોલનારા નેતાઓને નકારવાનું શરૂ કરે તો જૂઠું બોલનારા ફેંકાઈ જાય પણ લોકોને તેમાં રસ જ નથી. લોકો તેમની જૂઠી વાતોને સાચી માની લે ને તેમને ચૂંટે તેથી આ પતન માટે સંપૂર્ણપણે પ્રજા જ જવાબદાર કહેવાય.
ગડકરીની ધર્મને રાજકારણથી દૂર રાખવાની વાત પણ સો ટકા સાચી છે પણ ભારતમાં તો એ શક્ય જ નથી. ભાજપ મજબૂત બન્યો તેનું કારણ હિંદુત્વ છે. ભાજપે હિંદુત્વના મુદ્દાનો અને હિંદુ ધર્મ સાથે સંકળાયેલા સંગઠનો, કહેવાતા સાધુ-સંતો, સંસ્થાઓ વગેરેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કર્યો છે અને ભાજપે તેનો બદલો તેમને ફાયદો કરાવીને આપ્યો છે તેથી ગાંધી-વૈદનું સહિયાં ચાલે છે.
રાજકારણીઓ ધર્મના મંચનો ઉપયોગ લોકોને પોતાની તરફ વાળવા માટે કરે છે કેમ કે ભારતમાં આજે પણ સામાન્ય માણસને સૌથી વધારે પ્રભાવિત ધર્મ જ કરે છે. જે દેશમાં બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા આસારામને પણ લાખો લોકો હજુય ભગવાન માનતા હોય એ દેશમાં ધર્મ અને રાજકારણની આ સાંઠગાંઠને તોડવી શક્ય જ નથી તેથી ગડકરી ભલે ગમે તેટલી આદર્શવાદી વાતો કરે પણ આ દેશમાં કદી ધર્મ અને રાજકારણને અલગ નહીં જ કરી શકાય.
તેના કારણે દેશને નુકસાન છે એ પણ સત્ય છે કેમ કે અત્યારે ધર્મના નામે જે ચાલી રહ્યું છે એ સાચો ધર્મ નથી પણ સ્વાર્થ માટે ઊભો કરાયેલો ઉન્માદ છે. આ ઉન્માદના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે, લોકો પોતાનું હિત શેમાં છે એ વિચારી નથી શકતા પણ તેની તેમને પડી નથી. હવે લોકોને જ પોતાના હિતની ના પડી હોય તો કોઈ શું કરી શકે ? રોજગાર અને વિકાસ લોકોને જ નથી જોઈતાં તો કોઈને શું પડી હોય ?
ઘણાંને ગડકરી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવા આવાં નિવેદનો આપે છે એવું પણ લાગે છે કેમ કે મોદીના કારણે ગડકરીના ભાવ ગગડી ગયા છે. ગડકરી એક સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ને ભાજપની અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી પછીની સેકન્ડ કેડરમાં સૌથી ટોચના નેતા મનાતા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લાડકા પણ હતા તેથી ભાજપ સત્તામાં આવશે તો ગડકરી વડા પ્રધાન બનશે એવું પણ મનાતું હતું પણ નરેન્દ્ર મોદીએ જબરદસ્ત વ્યૂહરચના દ્વારા ભાજપ પર કબજો કરી લીધો તેમાં ગડકરી લટકી ગયા તેથી ગડકરી સમયાંતરે બળાપો કાઢ્યા કરે છે એવું મનાય છે.
નીતિન ગડકરીએ પહેલાં એવું પણ કહેલું કે, રાજા એટલે કે શાસક એવો હોવો જોઈએ કે કોઈ તેની વિદ્ધ બોલે તો તેણે સહન કરી શકે. શાસકે ટીકાને નકારાત્મક રીતે લેવાના બદલે ટીકા પર આત્મમંથન કરવું જોઈએ કેમ કે ટીકા લોકશાહીમાં શાસકની સૌથી મોટી કસોટી કરે છે. પુણેમાં ગડકરીને મોદી મંત્રીમંડળમાં સ્થાન તો મળ્યું પણ તેમનો દબદબો ખતમ થઈ ગયો છે.
મોદી વિરોધીઓનો એક વર્ગ સમયાંતરે સંઘ મોદીને ખસેડીને ગડકરીને બેસાડવા માગે છે એવી વાતો ચલાવ્યા કરે છે પણ એ વાતોમાં દમ નથી. સંઘનું કંઈ ઊપજતું નથી ને એ જ મોદી-શાહને મસકા મારીને ટકી રહ્યો છે ત્યાં ગડકરીને શું કંકોડાં ગાદી પર બેસાડવાનો ? ટૂંકમાં ગડકરીના અચ્છે દિન આવશે એ વાતમાં માલ નથી તેથી ગડકરી આ રીતે નિવેદનો આપીને બળાપો કાઢતા હોય એ વાતમાં દમ છે પણ આ બળાપો વાંઝિયો છે કેમ કે તેનાથી કશું બદલાવાનું નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સાથે ક્રિકેટ, મોદી સરકારની પણ સગવડિયા નીતિ