એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સિડનીમાં આતંકી હુમલો, મુસ્લિમો માટેની નફરત ઘેરી બનશે

ભરત ભારદ્વાજ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર બે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 16 લોકોનાં ઢીમ ઢાળી દીધાં. તેમાંથી 11 લોકો તો બીચ પર જ ઢળી ગયાં, જ્યારે બાકીના પાંચ હોસ્પિટલમાં મોતને ભેટ્યા છે. આ હુમલામાં 38 લોકો ઘાયલ થયા છે ને તેમાંથી ઘણાંની હાલત ગંભીર છે એ જોતાં મૃત્યુ આંક હજુ વધી શકે છે.

ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોન હુમલા વખતે બીચ પર જ હતો ને ગોળીબાર સાંભળીને ભાગી ગયો પછી એક રેસ્ટોરન્ટમાં છુપાઈને માંડ માંડ જીવ બચાવ્યો. વોને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી એટલે લોકોને આ વાતની ખબર પડી પણ વોનની જેમ બીજા સેંકડો લોકો માંડ માંડ જીવ બચાવી શક્યા છે.

પોલીસે તરત પહોંચી જઈને એક આતંકવાદીને તો તરત ઢાળી દીધેલો જ્યારે બીજો આતંકવાદી એક મુસ્લિમ યુવકના કારણે ઝડપાઈ ગયો છતાં ધમપછાડા કરતો હતો તેથી પોલીસે તેને પણ ગોળી મારવી પડી. આ આતંકી હોસ્પિટલમાં છે અને તેની હાલત ગંભીર છે એ જોતાં એ પણ ઉપર પહોંચી જાય તો નવાઈ નહીં. એ ઢબી જાય તો અફસોસ કરવા જેવો નથી કેમ કે, 16 લોકોનો જીવ લેનારા નરાધમને જીવતા રહેવાનો કોઈ હક નથી. સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે આતંકવાદી બાપ-દીકરો હતા ને મૂળ પાકિસ્તાની છે. તેમાંથી 50 વર્ષનો પિતા સાજિદ અકરમ ઢબી ગયો જ્યારે 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં છે.

ઓસ્ટ્રેલિયા દુનિયામાં સૌથી સલામત દેશોમાંથી એક છે પણ સિડનીની ઘટનાએ સાબિત કર્યું છે કે દુનિયામાં હવે કોઈ દેશ એવો દાવો કરી શકે તેમ નથી કે પોતે એકદમ સલામત છે. જિહાદના નામે ચલાવાતા મુસ્લિમ આતંકવાદનો ભરડો આખી દુનિયા ફરતે છે એ વાત આ હુમલાએ સાબિત કરી દીધી છે અને તેનાથી કઈ રીતે બચવું એ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

સિડનીની ઘટનામાં યહૂદીઓને નિશાન બનાવાયા તેનો અર્થ એ થયો કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે હુમલો થયો છે. હમાસે પહેલાં આતંકવાદી હુમલો કરીને 1200 ઈઝરાયલીઓને રહેંસી નાખ્યા હતા અને બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર સહિતના અત્યાચારો ગુજાર્યા હતા. ઈઝરાયલે વળતો પ્રહાર કરીને હમાસના તાબા હેઠળના ગાઝાપટ્ટી વિસ્તારને ખેદાનમેદાન કરી નાખ્યો.

ઈઝરાયલે કશું ખોટું નહોતું કર્યું કેમ કે પોતાની સુરક્ષા માટે વળતો હુમલો કરવાનો તેને અધિકાર છે પણ દુનિયાભરના મુસ્લિમોના માનસમાં એવું ઝેર ભરી દેવાયું કે, ઈઝરાયલે ગાઝાપટ્ટીના મુસ્લિમો પર ભારે અત્યાચાર કરી મૂક્યા. ઈઝરાયલ સામે નફરતનો માહોલ પેદા કરી દેવાયો તેનું આ પરિણામ છે.

સિડનીના હુમલાએ આખી દુનિયા સામે એક એ વાસ્તવિકતા પણ છતી કરી દીધી કે દુનિયાના બધા મુસ્લિમો આતંકવાદી નથી કે આતંકવાદના સમર્થક પણ નથી પણ એક વ્યક્તિના કારણે મુસ્લિમો વિશેનો દૃષ્ટિકોણ નહીં બદલાય. સિડનીમાં હુમલાખોર આંતકવાદીને પાછળથી પકડીને તેની પાસેથી મશીનગન છીનવીને તેની સામે તાકી દેનારા માણસનું નામ અહમદ અલ અહમદ છે અને અહમદ મુસલમાન છે. સિડનીના બોન્ડી બીચ પર ફળ વેચતા 43 વર્ષના અહમદે જરાય ડર્યા વિના ભારે મર્દાનગી અને મુત્સદીગીરી વાપરીને પાછળથી આવીને આતંકવાદી પાસેથી મશીનગન ખૂંચવી લીધી હતી.

આતંકવાદી પાસે બીજાં હથિયારો હતાં ને તેમાંથી તેણે ગોળીબાર કર્યો તેમાં અહમદને બે ગોળી વાગી છતાં અહમદે આ હિંમત બતાવી એ બદલ તેને સલામ કરવી જોઈએ. અહમદની મર્દાનગીના કારણે પોલીસ આતંકવાદીને સરળતાથી પકડી લીધો. અહમદ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને એ ઝડપથી સાજો થાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ.

અહમદે આ બહાદુરી ના બતાવી હોત તો શું થયું હોત તેની કલ્પના કરવી અઘરી છે કેમ કે આતંકવાદી પાસે હેન્ડ ગ્રેનેડ સહિત બીજાં હથિયારો હતાં. એ હથિયારોથી તેણે કેટલી લાશો ઢાળી દીધી હોત તેની કલ્પના કરી શકાય તેમ નથી એ જોતાં અહમદ સાચા અર્થમાં તારણહાર સાબિત થયો ને સંખ્યાબંધ લોકોના જીવ તેણે બચાવ્યા છે.

દુનિયામાં અને ખાસ તો ભારતમાં મુસ્લિમોને આતંકવાદ સાથે જોડવાની ફેશન છે. ભારતમાં તો સોશ્યિલ મીડિયા પર એવો બકવાસ સવાલ પણ કરાય છે કે, દુનિયામાં બનતી આતંકવાદની બધી ઘટનાઓ સાથે મુસ્લિમો જ કેમ જોડાયેલા હોય છે? સિડનીની ઘટનાએ સાબિત કર્યું કે, બધા મુસ્લિમો આતંકવાદી નથી ને આતંકવાદી માનસિકતા પણ ધરાવતા નથી.

કમનસીબે અહમદ જેવા મુસ્લિમો બહુ ઓછા હોય છે. અહમદની જેમ આતંકવાદીઓની સામે ભિડાઈ જવાની વાત તો છોડો પણ જિહાદને નામે થતી નિર્દોષોની હત્યાની સામે ખુલ્લેઆમ બોલતા પણ નથી. તેના કારણે આતંકવાદને મુસ્લિમો સાથે જોડી દેવાનું સરળ થઈ જાય છે. આ ઘટના પછી પણ એ જ થશે ને મુસ્લિમો તરફની નફરત ઘેરી બનશે.

સિડનીની ઘટના પછી એક બીજી વાત વિશે પણ આપણે વિચારવું જરૂરી છે. ભારતમાં આતંકવાદી હુમલા થાય છે ત્યારે લગભગ દરેક કિસ્સામાં લોકો પોતાના જીવની ચિંતા કરીને ભાગવા માંડે છે. આતંકવાદીઓ એકલ-દોકલ જ હોય છે, કંઈ પચાસ-સો નથી હોતા છતાં તેમની સામે ભિડાઈ જવાની મર્દાનગી બતાવાઈ હોય એવું ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં બન્યું હોય એવું યાદ નથી આવતું. તેના કારણે આતંકવાદીઓ લોકોની લાશો ઢાળીને નિરાંતે રવાના થઈ જાય છે ને મોટા ભાગની ઘટનાઓમાં તો પકડાતા જ નથી.

પહલગામનો કિસ્સો તાજો જ છે અને યોગાનુયોગ પહલગામ અને સિડનીની ઘટનાઓમાં સામ્ય પણ છે. બંને ઘટનાઓમાં લોકો મોજમસ્તી માટે ભેગા થયા હતા ને આતંકવાદીઓ ત્રાટક્યા. સિડનીમાં બે આતંકી હતા જ્યારે પહલગામમાં ચાર આતંકવાદી હતા. પહલગામમાં સિડની જેટલાં લોકો નહોતા પણ મોટી સંખ્યામાં લોકો હતાં છતાં કોઈએ આતંકીઓ સામે ભિડાઈ જવાની હિંમત ના બતાવી.

બધાને મોતનો ડર લાગતો જ હોય છે તેથી કોઈના પર દોષારોપણ ના કરી શકાય પણ આતંકવાદીઓ સામે લડવાની હિંમત બતાવાય તો આતંકીઓને પણ ઝબ્બે કરી શકાય છે એ વાત સિડનીની ઘટનાએ સાબિત કરી છે. અહમદે શું વિચાર્યું હશે એ ખબર નથી પણ આતંકવાદની ઘટના વખતે મોતની પરવા નહીં કરનારો અહમદ જેવો એકાદ ભડવીર પણ નીકળી આવે તો આતંકીઓને પણ પછાડી શકાય છે એ વાત સિડનીની ઘટનાએ સાબિત કરી છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કેરળની જીત ભાજપ માટે ઐતિહાસિક, ડાબેરીઓનાં વળતાં પાણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button