એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ

  • ભરત ભારદ્વાજ

ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત વિવાદોમાં રહેલી આ ટુર્નામેન્ટ ફાઈનલ પછી નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને રગદોળ્યું પછી ઈનામ વિતરણ સમારોહમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા મોહસીન નકવીના હાથે ચેમ્પિયનની ટ્રોફી અને તમામ ક્રિકેટરો તથા સ્ટાફને વ્યક્તિગત મેડલ પણ અપાવાના હતી.

નકવી એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચેરમેન પણ હોવાથી આ ગોઠવણ કરાયેલી પણ ભારતીય ટીમે પીસીબીના ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી કે મેડલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેના કારણે મેચ પત્યા પછી જોરદાર ડ્રામા થયો. એશિયા ક્રિકેટ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સે ભારતીય ટીમ મેનેજમેન્ટને સમજાવવા બહુ મથામણ કરી પણ ભારતીય ટીમ ટસની મસ ના થઈ. તેના કારણે ઈનામ વિતરણ સમારોહ એક કલાક મોડો શરૂ થયો.

એવોર્ડ સેરેમનીના ભાગરૂપે ટ્રોફી મેદાન પર મૂકી દેવાયેલી પણ ટીમ ઈન્ડિયા નકવીના હાથે લેવા તૈયાર નહોતી. નકવી પણ એસીસીના બીજા કોઈ હોદ્દેદારને બદલે પોતાના હાથે જ ટ્રોફી અપાવી જોઈએ એ વાત પર અડી જતાં ભારત ચેમ્પિયન બન્યું હોવા છતાં ટ્રોફી ના અપાઈ. ભારતીય ખેલાડીઓ અમીરાત ક્રિકેટ બોર્ડના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝરૂની પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર હતા પણ નકવીએ પોતાના સિવાય કોઈના હાથે ટ્રોફી નહીં અપાય એવું પૂંછડું પકડી રાખ્યું.

ભારતીય ખેલાડીઓએ તેનો રંજ રાખ્યા વિના ટ્રોફી વગર ઉજવણી કરી. ઇનકાર કર્યો. ટીમ ઈન્ડિયાના વિરોધથી નકવી એ હદે ગિન્નાયેલા કે તેમણે એશિયા કપ ટ્રોફીને મેદાન પરથી હટાવી દીધી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે નકવીની આ બાલિશ હરકતનો જવાબ પોતે ટ્રોફી લઈ જઈ રહ્યો હોય એવો ઈશારો ભારતીય ક્રિકેટરો તરફ કરીને આપ્યો તેથી નકવી વધારે ભડક્યા અને એશિયા કપની ટ્રોફી પોતાના બાપનો માલ હોય એમ પોતાના રૂમમાં મુકાવી દીધી.

નકવીએ શું લુખ્ખી દાટી આપી હશે તેની તેમને જ ખબર પણ નકવીની આ હરકત સામે એશિયા ક્રિકેટ કાઉન્સિલના બીજા સભ્યો મૌન રહ્યા તેમાં ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે, ચેમ્પિયન ટીમે ટ્રોફી વિના પાછા ફરવું પડ્યું. સામાન્ય રીતે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં વિજેતા ટીમ ટ્રોફી સાથે હાજર રહેતી હોય છે પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી વિના જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી.

નકવીના કારણે થયેલા તાયફા મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચૂપ છે કેમ કે મોહસીન નકવી પાકિસ્તાનના શક્તિશાળી રાજકારણી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારમાં ઈન્ટીરિયર મિનિસ્ટર એટલે કે ગૃહ પ્રધાન એવા નકવી સામે બોલવાની ના તો પાકિસ્તાની ક્રિકેટરોમાં હિંમત છે કે ના પીસીબીના અધિકારીઓમાં તાકાત છે તેથી પાકિસ્તાનમાં અત્યારે સોપો છે પણ ભારતે આ મુદ્દો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની નવેમ્બરમાં યોજાનારી બેઠકમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલના સભ્યોમાં અક્કલ હશે તો એ પહેલાં ભારતને ટ્રોફી મોકલી આપીને પોતે બચી શકે છે પણ નકવીના માથે પસ્તાળ પડવી નક્કી છે.

આઈસીસીની બેઠકમાં શું થશે એ વિશે અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે પણ ટીમ ઈન્ડિયાએ લીધેલું વલણ યોગ્ય છે તેમાં બેમત નથી. ઘણા વિશ્ર્લેષકો એવી ટીકા કરે છે કે, ભારતને પોતાની સામે જંગ લડી રહેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવામાં વાંધો નથી પણ પીસીબીના ચેરમેનના હાથે ટ્રોફી લેવામાં વાંધો છે તેનાથી વધારે હાસ્યાસ્પદ વાત બીજી કોઈ ના કહેવાય. આ દલીલ ખોટી નથી કેમ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી દેબજીત સાઈકિયાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં એવું જ કહ્યું છે કે, ભારત અત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ અધિકારી પાસેથી ભારત ટ્રોફી ના સ્વીકારી શકે.

ભારત પાકિસ્તાન સામે ક્રિકેટ રમી શકે પણ તેના ક્રિકેટ બોર્ડના ચેરમેનના હાથે ટ્રોફી ના લે એ બેવડાં ધોરણ છે જ પણ નકવીના હાથે ટ્રોફી નહીં લેવા માટે બીજાં પણ નક્કર કારણો છે. મોહસિન નકવીએ પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે ક્રિકેટ નહીં પણ યુદ્ધ લડી રહ્યું હોય એવો માહોલ ઊભો કરવાની નીચ હરકતો સોશ્યલ મીડિયા પોસ્ટ્સ મારફતે કરેલી એ જોતાં નકવીના હાથે ટ્રોફી ના જ સ્વીકારાય.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?

એશિયા કપ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો દ્વારા પાકિસ્તાનના ક્રિકેટરોને આર્મીના યુનિફોર્મમાં બતાવીને ભારતને કચડી નાખવાની અપીલ કરતી પોસ્ટ્સ વારંવાર મુકાતી હતી. નકવી આ પોસ્ટ્સને પોતાના એક્સ એકાઉન્ટ પર મૂકતા હતા. ટુર્નામેન્ટની શરૂઆતમાં નકવીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ક્રેશ થતા વિમાનનો ફોટો પોસ્ટ કર્યો હતો અને પાકિસ્તાને ભારતનાં ફાઈટર જેટ તોડ્યાં હોવાનો દાવો કર્યો હતો. ફાઈનલ પહેલાં પણ ‘ફાઇનલ ડે’ ટાઈટલ હેઠળના ફોટો સાથેની પોસ્ટ નકવીએ મૂકી હતી. આ ફોટોમાં પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સહિતના પાકિસ્તાની ક્રિકેટરો ભારત સામે જંગ લડવા જતા હોય એમ ફ્લાઇટ સૂટ પહેરેલા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એરબોર્ન ફાઇટર જેટના ફોટા હતા.

પીસીબીના હોદ્દેદારો અને પાકિસ્તાનના ક્રિકેટરો ક્રિકેટમાં રાજકારણને ના લાવવું જોઈએ એવી સૂફિયાણી સલાહો આપે છે પણ આ લુખ્ખા પોતે જ ભારત સામે ક્રિકેટ નહીં પણ યુદ્ધ હોય એ રીતે વર્તતા હતા. પાકિસ્તાનના નવરા ક્રિકેટરો કે સામાન્ય લોકો એવું કરે તો હજુ સમજ્યા પણ નકવી તો એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચેરમેન છે. ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની સૌથી મોટી જવાબદારી તેમની છે પણ એ પોતે આ જવાબદારી નિભાવવાના બદલે ભારત સામે ઉશ્કેરણી કરતા હોય ત્યારે એવા માણસના હાથે ટ્રોફી ના જ લેવાય.

ભારતે પાકિસ્તાનીઓની હરકતો સામે પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ નહીં મિલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. નકવીમાં ખેલદિલી હોત તો સમજીને પોતે જ એવોર્ડ સેરેમનીથી ખસી ગયા હોત પણ તેના બદલે નકવી ટ્રોફી પર કબજો કરવાની સાવ બાલિશ હરકત કરીને દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ બની ગયા છે. વધારે હસવું એ જોઈને આવે કે, આ માણસને પોતે ટ્રોફી ભારતીય ટીમને નહીં આપે તેનાથી કોઈ ફરક નથી પડવાનો એટલી સાદી સમજ પણ નથી. ઈતિહાસમાં વિજેતાનાં નામ લખાતાં હોય છે, ટ્રોફી જોઈને કોણ જીતેલું એ નક્કી નથી થતું એટલી સામાન્ય બુદ્ધિ પણ આ માણસમાં નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button