એકસ્ટ્રા અફેરઃ સુપ્રીમનો આદેશ સારો પણ રખડતાં ઢોરને રાખવાં ક્યાં?

ભરત ભારદ્વાજ
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરાં સહિતનાં રખડતાં પશુઓનો કકળાટ ચાલે છે. રસ્તા પર રખડતાં કૂતરાં લોકો પર હુમલા કરીને તેમને ઘાયલ કરી દે છે ને ઘણા કિસ્સામાં તો ભોગ બનનારનું મોત પણ નિપજે છે તેની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે પોતે આ કેસમાં જાતે સુનાવણી શરૂ કરેલી તેથી સુપ્રીમ કોર્ટમાં તો આ મામલો પહોંચેલો જ પણ દેશની જુદી જુદી હાઈ કોર્ટોમાં પણ અરજીઓ થયેલી.
આવી જ એક અરજીના સંદર્ભમાં ત્રણ મહિના પહેલાં રાજસ્થાન હાઈકોર્ટે જવાબદાર સરકારી એજન્સીઓને રસ્તાઓ પર રખડતાં જાનવરોને હટાવવાનું ફરમાન કરીને કહેલું કે, આ કાર્યવાહીમાં રોડાં નાખનારાં સામે પોલીસ ફરિયાદ કરીને તેમને જેલમાં નાખી દેવાશે. રાજસ્થાન હાઈ કોર્ટના ચુકાદા સામે કકળાટ પણ થયેલો પણ સુપ્રીમ કોર્ટે આ કકળાટની હવા કાઢી નાંખી છે.
સુપ્રીમ કોર્ટે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફરમાન કર્યું છે કે, રાજસ્થાન હાઈ કોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ કરાય અને તમામ બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતાં પશુઓને હટાવવામાં આવે. જે કોઈ તેની સામે વાંધો લે કે ડખા કરે તેની સામે ફરિયાદ કરીને જેલભેગા કરો. સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંના સંદર્ભમાં પણ ખાસ આદેશ આપ્યો છે કે, હૉસ્પિટલો, બસ ડેપો, સ્કૂલો અને કોલેજ કેમ્પસ સહિતનાં તમામ જાહેર સ્થળેથી રખડતાં કૂતરાંને ઉઠાવી લો અને તેમની નસબંધી કરી નાંખો.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ખાસ તાકીદ કરી છે કે, કૂતરાંની ખસી કર્યા પછી તેમને જ્યાંથી પકડવામાં આવ્યાં હોય ત્યાં છોડવામાં ના આવે, બાકી આખી ક્વાયતનો કોઈ અર્થ જ નહીં રહે. સુપ્રીમ કોર્ટે તો રખડતા કૂતરાંના ત્રાસથી બચવા માટે હૉસ્પિટલો, સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાડ લગાવવા પણ કહ્યું છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશનું ગંભીરતાથી પાલન થાય એ માટે અમલની જવાબદારી તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને સોંપીને ફરમાન કર્યું છે કે, બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે. તમામ ચીફ સેક્રેટરી 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું રજૂ કરશે. આ કેસમાં હવે પછીની સુનાવણી 13 જાન્યુઆરીએ થાય એ પહેલાં બધા નેશનલ હાઇવે પર રખડતા પશુઓની હાજરીની જાણકારી આપવા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (ઞઝ) 2 અઠવાડિયામાં રખડતાં જાનવરો અને કૂતરાં ફર્ફયા કરતાં હોય એવી સરકારી અને ખાનગી સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, સહિતનાં જાહેર સ્થળોની યાદી બનાવીને પશુઓને પ્રવેશતાં રોકવા માટે કેમ્પસમાં વાડ લગાવશે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાના જવાબદાર અધિકારી દર 3 મહિને ઓછામાં ઓછા એક વાર આ કેમ્પસની તપાસ કરીને લાલિયાવાડી તો નથી ચાલી રહી ને તેની ખાતરી કરશે. આ ચકાસણી થતી રહે એ માટે નોડલ અધિકારીની નિમણૂક પણ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે બીજા પણ આદેશ આપ્યા છે ને એ બધાનો ઉદ્દેશ એક જ છે કે, રખડતાં કૂતરાં અને પશુઓનો ત્રાસ હવે સહન નહીં કરાય ને આ ત્રાસ બંધ કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાાઓની છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્ત્વનો છે અને જનહિતમાં છે કેમ કે રખડતાં કૂતરાંનો ત્રાસ સાચે જ ભયંકર વધી ગયો છે. કમનસીબી એ છે કે, જેમની જવાબદારી આ ત્રાસ રોકવાની છે એ તંત્રને કશું પણ કરવામાં રસ જ નથી. લાંબા સમયથી કૂતરાં જાહેરમાં લોકોને કરડે ને કોઈને મારી પણ નાંખે તો પણ તંત્રમાં બેઠેલાં લોકોનું રૂવાડું પણ ફરકતું નહોતું.
આ તો દિલ્હીમાં બાળકોને રખડતા કૂતરા કરડવાના કારણે મોત થવાના અને હડકવાના કેસો વધી ગયા એ અંગે મીડિયામાં રિપોર્ટ છપાયો ને સુપ્રીમ કોર્ટનું એ તરફ ધ્યાન ગયું પછી સુપ્રીમ કોર્ટે સુઓમોટો એટલે કે સામે ચાલીને સુનાવણી શરૂ કરી ત્યારે બધા દોડતા થયા. સુપ્રીમ કોર્ટે 28 જુલાઈએ મીડિયા રિપોર્ટની નોંધ લઈને પહેલાં દિલ્હીમાં બાળકોમાં રખડતા કૂતરા કરડવાના કેસો અંગે સુનાવણી શરૂ કરેલી ને પછી આ કેસનો વ્યાપ દિલ્હી-એનસીઆર પૂરતો ના રાખતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લીધાં તેમાં આ મુદ્દો રાષ્ટ્રીય બન્યો.
સુપ્રીમ કોર્ટે પોતાની જવાબદારી અદા કરી દીધી પણ તેના કારણે આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવી આશા રાખવા જેવી નથી કેમ કે સુપ્રીમ કોર્ટે જે કંઈ કહ્યું તેનો અમલ તો નઘરોળ તંત્રે જ કરવાનો છે. અત્યારે સુપ્રીમ કોર્ટે ટપાર્યા છે અને દોડતા કર્યા છે એટલે કદાચ થોડો સમય પૂરતી દોડધામ ચાલુ રહેશે ને દેખાવ ખાતર પગલાં પણ લેવાશે પણ પછી પાછી પહેલાંની જેમ લાલિયાવાડી જ ચાલુ થઈ જવાની. આપણો આ વરસોનો અનુભવ છે ને ફરી એ જ અનુભવ થશે તેમાં કોઈ શંકા નથી કેમ કે ભારતમાં સરકારી તંત્રને કામ કરવામાં રસ જ નથી.
કૂતરાં કરડે કે રખડતાં ઢોર લોકોને પટકીને પછાડે એ સમસ્યા નવી નથી. આ સમસ્યા બહુ જૂની છે ને તેના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કૂતરાં પકડવા કે હરાયાં ઢોરને રસ્તા પરથી દૂર કરવા માટે માણસો પણ રાખે છે. તેમને સરકારી રાહે પગાર ચૂકવાય છે, તેમના માટે વાહનો પણ હોય છે ને તેમની કામગીરીમાં વિઘ્ન ના આવે એ માટે પોલીસ રક્ષણ સહિતની કાયદાકીય જોગવાઈઓ પણ કરાયેલી છે છતાં સમસ્યા ઉકેલાઈ નથી પણ વકરતી જ જાય છે.
તેનું કારણ એ કે, સરકારી તંત્ર કામગીરી કરતું નથી અને પોતાની ફરજ બજાવતું નથી. તેનુ કારણ સરકારી તંત્રમાં કામ કરતાં લોકોની માવસિકતા છે અને આ માનસિકતાને સુપ્રીમ કોર્ટનો આદેશ પણ ના બદલી શકે. બીજો એક મુદ્દો પણ નોંધવા જેવો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો પણ રખડતાં ઢોર કે કૂતરાંને ઉઠાવી લીધા પછી ક્યાં રાખવાં તેની કોઈ વ્યવસ્થા પણ નથી.
આ વ્યવસ્થા કરવા માટે દર વરસે બજેટ ફાળવાય છે પણ આ બજેટ ચવાઈ જાય છે તેથી વાસ્તવિક રીતે કોઈ વ્યવસ્થા જ ઊભી કરાઈ નથી. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કૂતરાં કે હરાયાં ઢોરને પકડીને લઈ જવાય તો પણ તેમને ક્યાં રાખવાં એ પ્રશ્ન પણ ઊભો ને ઊભો જ છે. ને આ સમસ્યાનો ઉકેલ શું એ ખબર નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન, મહિલા ક્રિકેટરોની મહાન સિદ્ધિ

