એકસ્ટ્રા અફેરઃ યુજીસી નિયમો પર સ્ટે, આવા બકવાસ નિયમોની જરૂર શું?

ભરત ભારદ્વાજ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા બનાવેલા નવા નિયમોના કારણે દેશભરમાં બબાલ થઈ ગઈ છે ત્યારે અંતે સુપ્રીમ કોર્ટે વચ્ચે પડીને હાલ પૂરતો નવા નિયમોના જીનને બાટલીમાં પૂરી દીધો છે. આ નિયમો વિરુદ્ધ થયેલી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે નવા યુજીસી નિયમો પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમામે પહેલી નજરે જ આ નિયમોની ભાષા અસ્પષ્ટ લાગે છે તેથી તેનો દુરુપયોગ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026નો અમલ હાલ પૂરતો અટકી જશે પણ તેનાથી બહુ હરખાવાની જરૂર નથી કેમ કે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને હાલ પૂરતી બબાલ ટાળી છે, નિયમોને કચરાટોપલીમાં ફેંક્યા નથી. સુપ્રીમ કોર્ટે યુજીસીને નિયમો ફરીથી બનાવવા ફરમાન કર્યું છે. તેનો મતલબ એ થયો કે, નવા નિયમો નહીં આવે ત્યાં લગી શાંતિ રહેશે પણ જેવા નવા નિયમો આવશે એવી બબાલ પાછી શરૂ થશે.
આ નવા નિયમોને પડકારતી અરજીમાં દાવો કરાયો હતો કે, આ નિયમો બંધારણની કલમ 14ની વિરુદ્ધ છે. કલમ 14 ભારતમાં જ્ઞાતિ, વર્ગ, વર્ણ, ધર્મ અથવા સંપ્રદાયના આધારે કરાતા કોઈ પણ ભેદભાવની વિરુદ્ધ છે. યુજીસીના નવા નિયમોમાં માત્ર જ્ઞાતિ આધારિત ભેદભાવની વાત કરાઈ છે અને દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓ સાથે જ ભેદભાવ થતો હોય છે એવું પ્રસ્થાપિત કરીને તેમને જ ફરિયાદ કરવાનો હક અપાયો છે. હિંદુ સવર્ણો કે મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી, જૈન, પારસી વગેરે લઘુમતી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોય તો તેમણે શું કરવું તેની કોઈ ચોખવટ નથી.
સીધા ને સરળ શબ્દોમાં કહીએ તો ચોક્કસ જ્ઞાતિના લોકોની સાથે જ ભેદભાવ થાય છે અને આ જ્ઞાતિના ના હોય એવાં લોકો ભેદભાવ કરે છે એવો નવા નિયમોનો સૂર છે. મતલબ કે વિદ્યાર્થીઓ વચ્ચે જ જ્ઞાતિના આધારે ભેદભાવ કરાય છે. ભારતના બંધારણની કલમ 14 તમામ પ્રકારના ભેદભાવ પર પ્રતિંબંધ મૂકે છે જ્યારે આ નિયમો ખુલ્લેઆમ જ્ઞાતિના આધારે ભેદભાવને પોષે છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દો તો ધ્યાનમાં જ લીધો નથી તેથી સુપ્રીમ કોર્ટે પણ હમણાં કજીયો ટળે એ માટે સ્ટે આપી દીધો છે એ સ્પષ્ટ છે.
કેન્દ્ર સરકાર અને તેની તાબેદાર સંસ્થાઓ બધું ખાનગીમાં કરવામાં માહિર છે તેથી મોટા ભાગનાં લોકોને તો 13 જાન્યુઆરીથી છાનામાના અમલી બનાવી દેવાયેલા આ નિયમો શું છે તેની જ ખબર નથી. આ સંજોગોમાં સૌથી પહેલાં તો આ નિયમો જાણવા જરૂરી છે.
યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 હેઠળ, સરકારી અને ખાનગી કોલેજો તથા યુનિવર્સિટીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઇક્વિટી સેલ એટલે કે ઈક્વોલ ઓપર્ચ્યુનિટી સેલ બનાવવો પડશે. આ સેલ એક કોર્ટ જેવો હશે કે જ્યાં એસસી,એસટી, ઓબીસી કે દિવ્યાંગ વિદ્યાર્થી પોતાની સાથે ભેદભાવ થયાનું લાગે તો ફરિયાદ નોંધાવી શકશે.
આ સેલ ફરિયાદના આધારે સુનાવણી કરશે ને પછી સંસ્થાને ભલામણો કરશે. સંસ્થાએ સમિતિની ભલામણો માનવી અને તાત્કાલિક પગલાં લેવાં ફરજિયાત છે. જે સંસ્થા ભલામણો નહીં માને તેની માન્યતા રદ કરી દેવાશે અથવા ગ્રાન્ટ રોકી દેવાશે. આ ઉપરાંત હેલ્પલાઇન અને ઇક્વિટી સમિતિઓ બનાવવી પડશે તથા યુજીસીને નિયમિત રિપોર્ટ મોકવલો પડશે. માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની કાનૂની જવાબદારી સંસ્થાના વડાની રહેશે.
મજાની વાત પાછી એ છે કે, ઇક્વિટી સેલમાં ઓબીસી, વિકલાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ રાખવું ફરજિયાત છે પણ સવર્ણ કે ધાર્મિક લઘુમતીનાં લોકો નહીં હોય. મતલબ કે, ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં…
પહેલી નજરે આ નિયમો સાદા લાગે પણ આ નિયમો ખતરનાક છે કેમ કે આ નિયમો હેઠળ ફરિયાદી વિદ્યાર્થી, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ કે સંસ્થા સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ માટે કોઈ પુરાવા આપવાની જરૂર નથી ને ઈક્વોલ ઓપર્ચ્યુનિટી સેલને દમ લાગે તો જેની સામે ફરિયાદ થઈ છે તેની સામે એસસી-એસટી એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ પણ નોંધાઈ શકે છે. આ કલમો હેઠળ કેસ થાય એટલે બિનજામીનપાત્ર વોરંટ નિકળે તેથી આરોપીએ સીધા જેલભેગા થવું પડે.
સૌથી ખતરનાક વાત પાછી એ છે કે, કોઈએ નોંધાવેલી ફરિયાદ ખોટી સાબિત થાય તો પણ તેને કોઈ સજા ના થાય કે કોઈ પગલાં ના લેવાય. મતલબ કે, દલિત, આદિવાસી કે ઓબીસી સમુદાય સિવાયના વિદ્યાર્થીઓ સાથે કોઈ ખોટી ફરિયાદ કરી દે તો પણ તેમનો કોઈ વાળ વાંકો ના કરી શકે. આવા બતવાસ નિયમોથી ભેદભાવ કે અસમાનતા કઈ રીતે દૂર થશે તેની નિયમો બનાવનારને જ ખબર!
જે લોકો ભાજપભક્તિમાં લીન છે એ લોકોની તો વિચારશક્તિ કુંઠિત થઈ ગઈ છે તેથી તેમની પાસેથી કોઈ અપેક્ષા ના રખાય પણ જે લોકો કોઈ પણ પ્રકારની ભક્તિ કે પૂર્વગ્રહ વિના વિચારી શકે છે તેમણે વિચારવું જોઈએ કે, સરકારની તાબેદાર સંસ્થાઓ આવા વિભાજન કરે એવા નિયમો લાવવાની શું જરૂર પડી? કેમ કે ભાજપને એસસી, એસટી અને ઓબીસીના મતો જોઈએ છે. ભાજપ સવર્ણોના મતે ધિંગો થયો પણ સવર્ણોની અપેક્ષા પ્રમાણે વર્ત્યો નથી તેથી તેમનામાં નારાજગી છે એટલે ભાજપ સવર્ણોને કોરાણે મૂકીને બીજી જ્ઞાતિઓને પંપાળી રહ્યો છે.
નરેન્દ્ર મોદી સરકારે આ જ ઉદ્દેશથી પહેલાં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓબીસીને અનામત આપવા સહિતનાં પગલાં લીધાં છે ને એ દિશામાં આ વધુ એક પગલું છે. સવર્ણો મત ના આપે તો તેલ લેવા જાય, આપણે દલિત, આદિવાસી ને ઓબીસી મતોની તાકાતથી સત્તામાં ટકી રહીશું એવી હલકી માનસિકતા આ નિયમો પાછળ છે.
ભાજપ દલિત, આદિવાસી કે ઓબીસી સમાજનું ભલું કરવા માટે હકારાત્મક પગલાં લેતો હોત તો પણ વાંધો નહોતો પણ આ નિયમોને કોઈ રીતે હકારાત્મક કહી શકાય તેમ નથી. બલકે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે મૂકવાનું ગંદુ રાજકારણ છે. કૉંગ્રેસે વરસો લગી જે કર્યું એ જ ગંદો ધંધો હવે ભાજપ કરી રહ્યો છે.
આઘાત એ જોઈને લાગે કે, ભાજપના મંત્રીઓ લોકોને ઉઠાં ભણાવવા માટે સાવ જૂઠાણાં ચલાવે છે. યુજીસીના નિયમો સામે હોહા થઈ પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નરાતર જૂઠ બોલ્યા કે, યુજીસીનો આ નિયમ એસસી, એસટી, ઓબીસી તેમજ સવર્ણો માટે પણ સમાન રીતે લાગુ થશે. બોલો, નિયમમાં સ્પષ્ટ લખ્યું છે કે, એસસી, એસટી અને ઓબીસી સમુદાયની ચિંતાઓને દૂર કરવા ઈક્વોલ ઓપર્ચ્યુનિટી સેલ બનાવવાનો છે ને તેમાં ક્યાંય સવર્ણોનો ઉલ્લેખ જ નથી છતાં પ્રધાન લોકોને બેવકૂફ બનાવે છે.
પ્રધાને તો એવું જ્ઞાન પણ પિરસ્યું છે કે, આ રાજકારણ નથી કેમ કે આ દેશ બાબાસાહેબ આંબેડકરના બંધારણથી જ ચાલે છે. ભલા માણસ, બાબાસાહેબ આમાં ક્યાં આવ્યા ? બાબાસાહેબના નામે તમે લોકોમાં ભાગલા પાડવાનું બંધ કરો.


